મોદી માટે મૅજિકલ મોઝેઇક

17 June, 2022 09:09 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડોદરામાં ૭૦૦ બહેનો દ્વારા અંદાજે ૨૫ લાખથી વધુ બિન્દીનો ઉપયોગ કરીને ૧૦૦ ફુટના કાપડ પર માર્કેટનું ચિત્ર બનાવીને કલા દ્વારા આભાર માનવામાં આવશે નરેન્દ્ર મોદીનો

વડોદરામાં જુદા-જુદા કલરની બિન્દીઓથી ચિત્ર બનાવી રહેલી બહેનો

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં ૧૮ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે કોરોનાકાળમાં પી. એમ. સ્વનિધિ યોજનાનો લાભ લેનાર બહેનો આત્મનિર્ભર બનતાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજથી આભાર માનશે. પીએમને થૅન્ક્સ કહેવા અનોખી સ્ટાઇલથી ૧૦૦ ફુટનું બિન્દી મોઝેઇક બનાવી રહી છે જેમાં અંદાજે ૨૫ લાખથી વધુ બિન્દીનો ઉપયોગ થયો છે.

સરકારી સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાકાળ દરમ્યાન પી. એમ. સ્વનિધિ યોજનાનો લાભ લઈને વડોદરામાં બહેનો આર્થિક રીતે પગભર થઈ હતી. આ બહેનો કલા દ્વારા વડા પ્રધાનનો આભાર માનવા માટે બે દિવસથી ચિત્ર તૈયાર કરી રહી છે. ૭૦૦ જેટલી બહેનો ત્રણ શિફ્ટમાં બુધવારથી ચિત્ર બનાવી રહી છે. બહેનો જે બિન્દી કપાળમાં લગાવે છે એ બિન્દીનો ઉપયોગ કરીને ૧૦૦ ફુટના કાપડ પર તેમણે સંચાલિત માર્કેટનું ચિત્ર ઊભું કર્યું છે. આ કાપડ પર ‘આત્મનિર્ભર ભારત’ લખવામાં આવ્યું છે અને આ મહિલાઓ આત્મનિર્ભર બની એ કલા વડા પ્રધાનને બતાવીને તેમનો આભાર માનશે. આ બિન્દી મોઝેઇકમાં અંદાજે ૨૫થી ૨૭ લાખ જેટલી ડિફરન્ટ કલરની બિન્દીનો ઉપયોગ કર્યો છે.’

કોરોનાકાળ દરમ્યાન નાના ધંધા-રોજગાર કરનાર લોકોને આર્થિક તકલીફનો સામનો કરવો પડ્યો હતો એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પી. એમ. સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં નાના ધંધા-રોજગાર કરનાર વ્યક્તિઓને રૂપિયા ૧૦ હજાર કે ૨૦ હજાર રૂપિયાની મૂડી રોજગાર પ્રવૃત્તિ શરૂ કરવા ઉપલબ્ધ કરાવી હતી. વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ યોજના માટે અભિયાન ચલાવ્યું હતું અને ૬૭૨૨ મહિલાઓ સહિત કુલ ૧૭,૨૩૬ લાભાર્થીઓને જામીનગીરી વગર નજીવા વ્યાજથી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હતી. એને કારણે મહિલાઓ સહિતના લાભાર્થીઓને સપોર્ટ મળી રહ્યો હતો અને તેઓ આત્મનિર્ભર બની હતી.

આવતી કાલે ૧૮ જૂને નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે ત્યારે આ બહેનો કલાકારીગરી દ્વારા બિન્દીઓનું અનોખું ફૉર્મેશન રચીને ૧૦૦ ફુટ લાંબું બિન્દી મોઝેઇક બનાવી રહી છે અને તેઓ નરેન્દ્ર મોદીનો કલા દ્વારા આભાર માનશે.

gujarat gujarat news vadodara narendra modi shailesh nayak