જળ માટે જંગ : ખેડૂતોએ કહ્યું કે પાણી નહીં તો વોટ નહીં

27 May, 2022 10:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બનાસકાંઠામાં કરમાવદ તળાવ ભરવા જળ આંદોલન, ૧૨૫થી વધુ ગામોના ૨૦ હજાર ખેડૂતોની મહારૅલી યોજાઈ, મોટી સંખ્યામાં ખેડૂતોને જોઈને કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા

કરમાવદ તળાવ ભરવા માટે ગઈ કાલે પાલનપુરમાં મહારૅલી યોજાઈ હતી જેમાં હાથમાં પ્લૅકાર્ડ‍્સ અને બૅનરો સાથે જોડાયેલા ખેડૂતો.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલું કરમાવદ તળાવ ભરવા જળ આંદોલનમાં ૧૨૫થી વધુ ગામોના અંદાજે ૨૦ હજાર જેટલા ખેડૂતો પાલનપુર ઊમટ્યા હતા અને મહારૅલી યોજીને નર્મદાના પાણીથી કરમાવદ તળાવ ભરવા માટે માગણી કરી હતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેકટર કચેરી તરફ કૂચ કરતા સલામતીના કારણોસર કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા હતા. ખેડૂતોએ એકતા બતાવીને મહારૅલીને સફળ બનાવી હતી અને  વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એવા સંજોગોમાં ગુજરાત સરકારને વિચારતી કરી મૂકી છે. છેલ્લાં ઘણાં વર્ષથી પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીના પ્રશ્ને વિકટ સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોના જળ આંદોલનને સમર્થન આપવા માટે પાલનપુર અને વડગામ તાલુકાનાં અનેક ગામડાંઓ બંધ રહ્યાં હતાં અને ગ્રામીણ નાગરિકોએ એકતાના દર્શન કરાવ્યાં હતાં. ખેડૂત એકતા ઝિંદાબાદ, ખેડૂતો માગે પાણી, હમ અપના અધિકાર માંગતે હૈ; નહીં કિસીસે ભીખ જેવાં પ્લૅકાર્ડ અને બૅનરો સાથે હજારો ખેડૂતો ગઈ કાલે પાલનપુરની સભામાં આવી પહોંચ્યા હતા. 

gujarat news gujarat shailesh nayak ahmedabad