અમદાવાદમાં ડૉગીની બર્થ-ડે પાર્ટીમાં કૅક કટિંગ, મહેમાનો ગરબે ઘૂમતા હતા અને પોલીસ પહોંચી

09 January, 2022 09:36 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં ડૉગીના બીજા વર્ષની બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન કરવું મોંઘું પડ્યું : પોલીસે ડૉગીના માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડૉગીના બર્થ ડે સેલિબ્રેશન માટે ખાસ શણગારવામાં આવેલું સ્ટેજ, અમદાવાદમાં પાલતું ડૉગીની બર્થ-ડે સેલિબ્રેશનમાં પાર્ટી પ્લોટના શણગારેલા એન્ટ્રન્સમાં ડૉગીના ફોટા

ગુજરાતમાં કોરોનાની મહામારીએ વધુ એકવાર માથું ઊંચક્યું છે ત્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં શુક્રવારે રાત્રે ઝાકઝમાળ સાથે પાલતું ડૉગીની બર્થ-ડે પાર્ટીમાં હર્ષોલ્લાસ સાથે કેક કટિંગ થઈ અને લાઇવ ગરબામાં મહેમાનો ગરબે ઘૂમતા હતા ત્યાં જ પોલીસ પહોંચી હતી અને પરવાનગી વગર યોજાયેલી આ પાર્ટી બંધ કરાવી હતી. ડૉગીની બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન કરવું ડૉગીના માલિકને મોંઘું પડ્યું હતું અને નિકોલ પોલીસે ડૉગીના માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં રહેતા ચિરાગ પટેલે તેના પાલતું ડૉગી એબીને બે વર્ષ થતાં તેની બર્થ-ડે પાર્ટી નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજી હતી. ડૉગીની બર્થ-ડેની ઉજવણી માટે ચિરાગ પટેલે પોતાના મિત્રો અને સગાંસંબંધીઓને બોલાવ્યા હતા. કૅક કટિંગ કરીને ડૉગી એબીને શુભેચ્છા પાઠવી હતી. કૅક કટિંગ બાદ કલાકારોએ રાસ-ગરબાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ડૉગીની બર્થ-ડે પાર્ટીમાં આવેલા મહેમાનોએ રાસગરબા રમવાના શરૂ કર્યા હતા. આ વાતની જાણ નિકોલ પોલીસને થતાં પોલીસ કર્મચારીઓ તપાસ કરવા પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ પાર્ટી પ્લોટમાં જોયું તો સ્ત્રી-પુરુષો માસ્ક પહેર્યા વગર અને જરૂરી અંતર ન જાળવીને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે રાસગરબા રમતાં હતાં. ડૉગીનું બર્થ-ડે સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં યોજાયું હતું પરંતુ તેના માટે જરૂરી પરવાનગી પણ લીધી નહોતી જેથી પોલીસે બર્થ-ડે પાર્ટી યોજનાર ચિરાગ પટેલ, ઉર્વિશ પટેલ તેમ જ દિવ્યેશ મહેરિયાને અટકમાં લીધા હતા અને તેમની સામે જાહેરનામાના ભંગ બદલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૅક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડૉગીની આ બર્થ-ડે પાર્ટી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ચિરાગ પટેલે તેના ડૉગી એબી માટે સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની ચર્ચા ઊઠી હતી. પાર્ટી પ્લોટમાં એન્ટ્રસ પર લગ્ન સમારોહમાં જેમ ફોટા મુકાય છે તેવી રીતે ડૉગીના ફોટા મુકાયા હતા. પોલીસે આખરે આ પાર્ટી બંધ કરાવી હતી.

gujarat gujarat news ahmedabad shailesh nayak