ધંધુકામાં હત્યા માટે પિસ્તોલ આપનાર અમદાવાદના મૌલવીની ધરપકડ થઈ

29 January, 2022 09:20 AM IST  |  Mumbai | Shailesh Nayak

આરોપી શબ્બીર અને દિલ્હીના મૌલાના મુંબઈમાં મળ્યા હતા એમાં ચર્ચા થઈ હતી કે એવા વિડિયો કે પોસ્ટ મૂકે તો માફ નહીં કરવાના

ધંધુકામાં કિશન બોળિયાની હત્યા કરનાર શબ્બીર ચોપડા અને ઇમ્તિયાઝ પઠાણની પોલીસે ધરપકડ કરી હતી

આરોપી શબ્બીર અને દિલ્હીના મૌલાના મુંબઈમાં મળ્યા હતા એમાં ચર્ચા થઈ હતી કે એવા વિડિયો કે પોસ્ટ મૂકે તો માફ નહીં કરવાના: ધંધુકા હત્યાકેસના પડઘા પડ્યા ગુજરાતમાં  ઃ રાણપુર, વિરમગામ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, દુધરેજ, જોરાવરનગર, હળવદ, વાઘોડિયામાં વિરોધ વ્યક્ત થયો : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મરનારના પરિવારની મુલાકાત લીધી 

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ધંધુકામાં કિશન બોળિયા નામના યુવાનની હત્યામાં વપરાયેલી પિસ્તોલ અમદાવાદના મૌલવીએ આરોપીને આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે અમદાવાદના મૌલવી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધંધુકા હત્યાકેસના ગુજરાતમાં પડઘા પડ્યા હતા અને વિરોધ વ્યક્ત થયો હતો, એટલુ જ નહીં, આ હત્યાકેસના તાર મુંબઈ સાથે પણ જોડાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ધંધુકા હત્યાકેસના પડઘા ગુજરાતમાં પડ્યા હતા. ગઈ કાલે રાણપુર બંધ રહ્યું હતું અને ઘટનાના વિરોધમાં મૌન રૅલી નીકળી હતી. બીજી તરફ વિરમગામ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, દુધરેજ, જોરાવરનગર, હળવદ અને વાઘોડિયામાં આ હત્યાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તો ક્યાંક મૌન રૅલી નીકળી અને ક્યાંક બજાર બંધ રહ્યાં હતાં તથા કલેક્ટર તેમ જ મામલતદારને આવેદનપત્ર આપીને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં આ કેસ ચલાવવા અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મરનાર કિશન ભરવાડના પરિવારની લીધી મુલાકાત હતી અને સાંત્વના પાઠવીને ઝડપી ન્યાય મળશે એવી ખાતરી આપીને કહ્યું હતું કે આ ઘટના સાથે સંકળાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.’
હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘૨૦ દિવસની દીકરીના પિતાની હત્યા કરી છે, જેમાં રિવૉલ્વર આપનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તપાસ કરતાં પોલીસને જે જાણકારી મળી એમાં એક મૌલવી સંડોવાયેલા હતા. આ હત્યા પાછળ જે યુવાનો છે એ બન્ને યુવાનોને પકડી લેવાયા છે. એક રિવૉલ્વર અને પાંચ કારતૂસ મૌલવીએ યુવાનને આપી હતી અને એ યુવાને કિશનભાઈની હત્યા કરી હતી.’ અમદાવાદ ગ્રામ્યના એસપી વીરેન્દ્રસિંહ યાદવે ગઈ કાલે સાંજે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ કેસની વિગતો આપતાં કહ્યું હતું કે ‘પોસ્ટ બાબતે સમાધાન થઈ ગયું હતું, પણ આરોપી શબ્બીરને આ સમાધાન ગમ્યું નહોતું. શબ્બીરે મરનારને શબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. શબ્બીર બન્ને મૌલવીઓને મળ્યો હતો. બન્ને મૌલવીઓના કેવા સંબંધ છે, કેવી ચર્ચા કરતા હતા, બીજું કોઈ ષડ્‍યંત્ર છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. કેવી રીતે લોકોના વિચાર પરિવર્તન કરતા હતા એની તપાસ થશે. શબ્બીર મૌલવીને મળતો હતો એમાં ચર્ચા થઈ હતી કે એવા વિડિયો કે પોસ્ટ મૂકે તો તેને માફ નહીં કરવાનો એવી ચર્ચા થઈ હતી અને એવો વિચાર પેદા કર્યો હતો.’
પોલીસે કિશન પર ફાયરિંગ કરનાર ધંધુકાના શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને બાઇક ચલાવનાર ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ મેહબૂબ પઠાણની ધરપકડ કરી છે તેમ જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ પૂરી પાડનાર મૌલાના મોહમ્મદદ ઐયુબ યુસુફ જાવરાવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.
આરોપી શબ્બીર એકાદ વર્ષ પહેલાં દિલ્હીમાં રહેતા મૌલાના જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલા છે તેના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામથી આવ્યો હતો. તેમને મળવા માટે ૯ મહિના પહેલાં શબ્બીર મુંબઈ ગયો હતો, જ્યાં તેને ઇસ્લામ વિરુદ્ધમાં કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા સંબંધે ચર્ચા થયેલી અને અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલાના મોહમ્મદ ઐયુબ યુસુફ જાવરાવાલાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શબ્બીર મૌલાનાને અમદાવાદમાં મળ્યો હતો.
કિશન બોળિયાએ સોશ્યલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરી હતી જેમાં ધંધુકાના મુસ્લિમ સમાજે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બનાવના પાંચ-છ દિવસ પહેલાં શબ્બીર ચોપડા અમદાવાદમાં મૌલાના ઐયુબને મળવા ગયો હતો અને કિશનને મારી નાખવા માટે ચર્ચા કરીને હથિયાર માગ્યું હતું જેથી મૌલાના જાવરાવાલાએ હથિયારની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર બાદ કિશનની રૅકી કરીને તેના પર ફાયરિંગ કર્યું હતું.

gujarat gujarat news ahmedabad Crime News shailesh nayak