ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળોઃ ૨૪ કલાકમાં ૨૨૬૫ કેસ નોંધાયા

05 January, 2022 08:56 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં છેલ્લા ૮ દિવસમાં ૩૮૯૯ કેસ અને સુરતમાં ૧૨૮૮ કેસ નોંધાયા, ગુજરાતમાં છેલ્લા ૮ દિવસમાં કોરોનાના કુલ ૭૭૩૦ કેસ નોંધાયા છે અને ૯ દરદીઓનાં મૃત્યુ થયાં

ફાઈલ તસવીર

ગુજરાતમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં ભારે ઉછાળો આવ્યો છે અને લાંબા સમય બાદ એક જ દિવસમાં ૨૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ ઘણા દિવસો પછી એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર થઈ ગઈ છે અને અમદાવાદમાં કુલ ૧૨૯૦ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં વધતું જતું કોરોના સંક્રમણ ચિંતાજનક બની જવા પામ્યું છે અને સુરતમાં આગામી ૪૫ દિવસ ક્રિટીકલ હોવાનું જણાઈ રહ્યું છે, જેના પગલે અમદાવાદ અને સુરતમાં સત્તાવાળાઓ સતર્ક બન્યા છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના કુલ ૨૨૬૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૪૦ દરદીઓ સાજા થયા હતા અને બે દરદીનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં ગઈ કાલ સુધીમાં કુલ ૭૮૮૧ ઍક્ટિવ કેસ હતા. અમદાવાદમાં જાણે કે એક જ દિવસમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ ગઈ કાલે ૧૨૯૦ કેસ નોંધાયા હતા. સુરતમાં ૪૧૫, વડોદરામાં ૮૬, આણંદ જિલ્લામાં ૭૦, કચ્છમાં ૩૭, રાજકોટમાં ૩૬ કેસ નોંધાયા હતા. નવસારી જિલ્લામાં ૧ અને  ભાવનગર જિલ્લામાં ૧ દરદીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ગઈ કાલે ગુજરાતમાં ઓમાઇક્રોનના વધુ બે કેસ નોંધાયા હતા અને એ બન્ને અમદાવાદમાં નોંધાયા હતા.
અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. છેલ્લા ૮ દિવસામાં અમદાવામાં ૩૮૯૯ અને સુરતમાં ૧૨૮૮ કેસ નોંધાયા છે. અમદાવાદમાં વધતા જતા કેસોના કારણે ગઈ કાલે બીજા વધુ ૨૧ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા હતા. આ સાથે અમદાવાદમાં કુલ ૮૬ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર થયા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને અમદાવાદ કૉર્પોરેશનના હેલ્થ વિભાગે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં વધતા જતા કેસોના મુદ્દે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) ડૉ. આશિષ નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતમાં ડબલિંગ રેટ વધી ગયો છે. પહેલાં ડબલિંગ રેટ ૧૫ દિવસ હતો એ બે દિવસનો થઈ ગયો છે. ગઈ કાલે સુરતમાં એક દિવસમાં ૪૧૫ કેસ નોંધાયા છે એ છેલ્લા ૬ મહિનામાં સૌથી વધુ છે. સુરતમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને ૧૫૦ ધન્વંતરી રથ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને ટેસ્ટિંગ વધ્યું છે એટલે પૉઝિટિવ કેસ વધ્યા છે. આગામી દોઢેક મહિનામાં ઉત્તરોત્તર કેસ વધી શકે છે.’ 

1892
ભારતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

37,379
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા.

gujarat gujarat news coronavirus covid19 shailesh nayak