ખેસ નહીં, હવે ટોપી

12 March, 2022 08:26 AM IST  |  Ahmedabad | Rashmin Shah

બીજેપીએ એની ઓળખ સમાન ભગવા ખેસને તિલાંજલિ આપીને એના સ્થાને ભગવા રંગની સુભાષચંદ્ર બોઝ પહેરતા એ પ્રકારની ટોપી ગઈ કાલે અમદાવાદમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી: આવતા સમયમાં આ ટોપી દેશભરના બીજેપીના કાર્યકરોના મસ્તક પર સ્થાન લઈ લેશે

ભગવા રંગની ટોપી અને ખેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગઈ કાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક નવા રૂપમાં જોવા મળ્યા હતા. તેમના ખભા પર ભગવા રંગનો બીજેપી લખેલો અને બીજેપીના ઇલેક્શન-સિમ્બૉલ એવા કમળનું ચિત્ર ધરાવતા પેઇન્ટિંગના સ્થાને મોદીના મસ્તક પર ભગવા રંગની ટોપી હતી, જેના ફ્રન્ટ ભાગમાં કમળનું નિશાન અને બીજેપી લખેલું સ્પષ્ટ વંચાતું હતું. આ પ્રકારની ટોપી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ સી. આર. પાટીલ અને અન્ય સિનિયર નેતાના શિરે પણ જોવા મળી હતી. હકીકત એ છે કે ગઈ કાલે આ ટોપીને બીજેપીમાં સિમ્બૉલ તરીકે દાખલ કરવામાં આવી અને ભગવા ખેસને તિલાંજલિ આપવામાં આવી હતી.

બીજેપીના તમામ કાર્યકરોને પણ આ ટોપી પહેરવાની સૂચના આપી દેવામાં આવી છે એટલે આગામી સમયમાં ધીમે-ધીમે આ ટોપી બીજેપીના કાર્યકરોના શિરે રેગ્યુલર જોવા મળશે. ગઈ કાલે ખાસ મહાનુભાવો માટે જ આ ટોપી મગાવવામાં આવી હતી, પણ નજીકના ભવિષ્યમાં ૧૦ લાખથી વધારે ટોપી ગુજરાતમાં આવશે અને તમામ કાર્યકરો સુધી એ પહોંચાડવામાં આવશે. આ ટોપી વિશે વાત કરતાં ગુજરાત બીજેપીના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે ‘૧૦થી વધારે ડિઝાઇનરની હેલ્પ આ ટોપી બનાવવા માટે લેવામાં આવી છે અને એ પછી ટોપીની ડિઝાઇન ફાઇનલ થઈ છે. બીજેપીની ઓળખ સમાન કેસરી રંગ ટોપીમાં છે, તો એનું ચૂંટણી-ચિહ્ન અને પાર્ટીનું નામ પણ ટોપી પર અંકિત છે. ટોપી પહેરવામાં આસાન હોવાથી એને હવે પાર્ટીમાં દાખલ કરવામાં આવી છે.’

આમ આદમી પાર્ટીના કાર્યકરો ટોપી પહેરે છે, પણ એ ટોપી અને બીજેપીની ટોપી વચ્ચે ફરક છે. આમ આદમી પાર્ટી જે ટોપી પહેરે છે એ ગ્રામોદ્યોગ ભંડારમાં મળતી ટોપી જેવી સામાન્ય ટોપી છે, જ્યારે બીજેપીએ બનાવેલી ટોપી સુભાષચંદ્ર બોઝ પહેરતા એ પ્રકારની મધ્ય ભાગમાં એટલે કે મસ્તક ભાગમાં ખાંચ સાથેની છે. આ ટોપી સામાન્ય સ્તરે સૈનિક કે પછી સુરક્ષા દળના જવાન પહેરતા હોય છે. યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ મસ્તક પરથી પડે નહીં એનું ધ્યાન એ ટોપી બનાવતી વખતે રાખવામાં આવે છે અને એ જ ધ્યાન બીજેપીએ પણ ટોપીની ડિઝાઇનમાં રાખ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ ખાખી ટોપી દસકાઓથી પહેરવામાં આવે છે, એ ટોપીને બીજેપીમાં પાર્ટીના ભગવા રંગ સાથે દાખલ કરીને આડકતરો સંદેશ એ પણ આપવાનો પ્રયાસ થયો છે કે બીજેપી સંઘના માર્ગે છે અને બીજેપીના સિનિયર નેતાઓને એ સંદેશથી કોઈ ફરક નથી પડતો. બીજેપીના એક નેતાએ કહ્યું કે ‘સંતાન હંમેશાં પિતાના રસ્તે હોય, અમે પણ એ જ માર્ગ પર છીએ અને એનો અમને ગર્વ પણ છે.’

gujarat gujarat news bharatiya janata party narendra modi ahmedabad Rashmin Shah