વિજયભાઈ પૉલિટિક્સના માણસ જ નહોતા

19 June, 2025 06:59 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રાર્થનાસભા માટે ખાસ રાજકોટ આવેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલ વિજયભાઈના સ્વભાવ અને વ્યક્તિત્વથી ભારોભાર પ્રભાવિત હતા. તમે પૉલિટિક્સના માણસ જ નથી એવું તેમણે વિજયભાઈને રૂબરૂ કહ્યું હતું

ગઈ કાલે રાજકોટમાં વિજય રૂપાણીની પ્રાર્થનાસભામાં અરવિંદ કેજરીવાલ. તેમણે વિજયભાઈના પુત્ર રુષભને સાંત્વન આપ્યું હતું.

ગુરુવારે પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ગઈ કાલે તેમના વતન રાજકોટમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સર્વેસર્વા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ખાસ આવ્યા હતા. આમ જોવા જઈએ તો વિજયભાઈ ક્યારેય દિલ્હીની રાજનીતિમાં હતા નહીં અને કેજરીવાલને ક્યારેય ગુજરાતના પૉલિટિક્સ સાથે સીધો સંબંધ રહ્યો નથી એટલે વિજયભાઈની પ્રાર્થનાસભામાં કેજરીવાલ અંગત રીતે હાજરી આપે એ સ્વાભાવિક રીતે અચરજ આપવાનું કામ કરે છે. ખાસ તો ત્યારે જ્યારે દેશની અન્ય મહત્ત્વની પાર્ટીમાંથી કોઈ રાજકોટ સુધી આવ્યું ન હોય. કેજરીવાલ ખાસ પોતે કેમ આવ્યા એ કારણ જાણવા જેવું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘વિજયભાઈ પૉલિટિક્સના માણસ જ નહોતા. કોઈ માને નહીં કે તેઓ રાજકારણમાં છે. તેમનો સ્વભાવ એકદમ સાલસ અને તેઓ પરોપકારી વ્યક્તિ. હું તેમને બે-ત્રણ વાર રૂબરૂ મળ્યો છું. અમે અનાયાસ જ દિલ્હી ઍરપોર્ટ પર મળી ગયા હતા. મેં પહેલી મુલાકાત વખતે જ તેમને કહ્યું હતું કે તમે પૉલિટિશ્યન છો જ નહીં. મને તેમણે ગાંધીનગર કે રાજકોટ આવો ત્યારે ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, જે શક્ય નહોતું બન્યું.’

અરવિંદ કેજરીવાલ અને વિજયભાઈની મુલાકાત દરમ્યાન તેઓ જે રીતે અન્ય લોકોને મળતા હતા એ જોઈને પણ કેજરીવાલને નવાઈ લાગી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘પાર્ટીને એક નવો પ્રોટોકૉલ આપે અને પોતાની ગાડી પર લાલ લાઇટ જાતે હટાવી દે એ વાત બહુ મોટી છે. મને તેમની બીજી વાત જે બહુ ગમી હતી એ ઍનિમલ-ઍમ્બ્યુલન્સની હતી. તેમણે ગુજરાતમાં ઍનિમલ ઍમ્બ્યુલન્સની ફ્રી સર્વિસ શરૂ કરાવી એ ખરેખર ઇમોશનલ વ્યક્ત‌િ જ વિચારી શકે.’

પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરીબોનાં ૫૦૦૦ જેટલાં બાળકોનું એજ્યુકેશન વિજયભાઈએ દત્તક લીધું છે અને એ પણ બે દસકાથી, એ જાણ્યા પછી કેજરીવાલે કહ્યું હતું કે ‘તમે પૉલિટિક્સમાં ન હોત તો પણ જાહેર જીવનમાં તો હોત જ અને વિજયભાઈએ તેમને હસતાં-હસતાં જવાબ આપ્યો હતો, ‘બધું મૂકીને જવાનું છે તો શું કામ આપણે ઇચ્છા મુજબ બધાને ખુશ કરીને ન જઈએ.’

વિજયભાઈ અને કેજરીવાલની થયેલી અનાયાસ મુલાકાતો સમયે બન્ને પોતપોતાના ક્ષેત્રના મુખ્ય પ્રધાન હતા.

અમિત શાહ સાતમાંથી પાંચ કલાક ખડેપગે

વિજયભાઈના અંતિમ સંસ્કાર માટે ખાસ રાજકોટ આવેલા કેન્દ્ર‌ીય ગૃહપ્રધાન અમિત શાહ ૭ કલાક રાજકોટ રોકાયા હતા. આ ૭ કલાકમાંથી તેઓ સતત પાંચ કલાક ઊભા રહ્યા હતા. તેમની બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ વારંવાર ઊભા થવું પડતું હોવાથી એક તબક્કે અમિતભાઈએ પોતે જ એ ચૅર હટાવવાનું તેમના કમાન્ડોને ઇશારો કરીને કહી દીધું હતું.

રાજકોટના રામનાથ પરા સ્મશાનમાં જ્યારે વિજયભાઈને અંત્યેષ્ટિ માટે લઈ જવામાં આવ્યા ત્યારે અમિતભાઈએ કમાન્ડોને સૂચના આપી હતી કે મારી આસપાસ રહેવું જરૂરી નથી, અહીં બધાં સગાંવહાલાંઓ જ છે એટલે અંદર ગયા પછી બીજાને નડતર ન થાય એનું ધ્યાન રાખજો.

Vijay Rupani arvind kejriwal amit shah rajkot ahmedabad plane crash plane crash gujarat news gujarat news political news