દક્ષિણ ગુજરાતના વાપીમાં ધોધમાર સાડાછ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

02 July, 2026 06:55 AM IST  |  Vapi | Gujarati Mid-day Correspondent

આજે સુરત જિલ્લામાં રેડ અલર્ટ, ભારે વરસાદની આગાહી: ભેસાણમાં ૪ ઇંચથી વધુ અને ઉમરગામમાં સવા પાંચ ઇંચ પડ્યો વરસાદ: વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ

વાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.

દક્ષિણ ગુજરાતના વાપીમાં ગઈ કાલે સાડાપાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એટલું જ નહીં, ગુજરાતમાં કેટલીક જગ્યાએ ડાઇવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટવાયો હતો. જોકે વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. બીજી તરફ આજે સુરતમાં રેડ અલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૮૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાંથી ૩૧ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓ, નાળાં અને વોકળામાં નવાં નીર આવ્યાં છે.  

વાપીમાં વહેલી સવારે ૬થી ૮ વાગ્યાના બે કલાકમાં ધોધમાર ૪ ઇંચથી વધુ વરસાદ પડતાં લોકો ઊંઘતા ઝડપાઈ ગયા હતા. કંચનનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું.  

વાપી અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં તો અપ્રોચ રોડ થોડોક દબાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. 

બીજે ક્યાં કેટલો વરસાદ?

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં કુલ ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં બપોરે બેથી ૪ વાગ્યાના બે કલાકમાં જ સવાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. 
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૪ ઇંચ, જૂનાગઢના માળિયા મિયાણામાં પોણાચાર ઇંચ જેટલો અને રાજકોટના લોધીકામાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
જેતપુર પંથકમાં દેવકી ગલોલ ગામે ગાલોરિયા નદીના ધસમસતા પ્રવાહમાં ડાયવર્ઝન ધોવાયું હતું જેના કારણે જેતપુર–બગસરા માર્ગનો વાહનવ્યવહાર અટવાયો હતો.
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં કરજવાટ ગામે ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાતાં વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી. 
રાજુલા તાલુકાના ચિત્રો ગામ પાસે રાયડી નદીમાં પાણી આવતાં નદીના પટમાં ૩૫ બકરા અને પશુપાલક ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં અબોલ જીવોને બચાવવા લોકો દોડી ગયા હતા અને મહામુસીબતે બકરા અને પશુપાલકને બહાર કાઢ્યા હતા.
નવસારી જિલ્લામાં દેવધા ડૅમના દરવાજા ખોલીને અંબિકા નદીમાં પાણી છોડાતાં ૧૬ ગામોને અલર્ટ કરાયાં હતાં.

૩ અને ૪ જુલાઈએ ભારે વરસાદનું ઑરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સુરતની સાથે નજીકના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની ચેતવણીનું રેડ અલર્ટ અને ઑરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

gujarat news gujarat junagadh saurashtra Gujarat Rains monsoon news indian meteorological department navsari surat