16 June, 2025 06:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મોનાલી અને સની પટેલ
નૉન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) જિલ્લો ગણાતા આણંદના કુલ ૩૩ પ્રવાસીઓએ અમદાવાદ-લંડન જતી ફ્લાઇટ ક્રૅશ થતાં જીવ ગુમાવ્યા હતા. મોનાલી અને સની પટેલનું નામ આ યાદીમાં ન હોત જો તેમણે છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો ન હોત. બે મહિના પહેલાં આણંદમાં સારવાર માટે આવેલાં મોનાલી પટેલને પરિવારજનોએ વધુ રોકાવા માટે આગ્રહ કર્યો એટલે તેમણે ૬ જૂનને બદલે ૧૨ જૂનની ટિકિટ કઢાવી હતી.
મોનાલીના કઝિન જિજ્ઞેશ પટેલે કહ્યું હતું કે ‘મોનાલીની સારવાર ચાલતી હતી અને સની બિઝનેસમાંથી બ્રેક લઈને તેની સાથે અહીં રોકાવા આવ્યો હતો. તેઓ ઍરપોર્ટ જવા નીકળ્યાં એ પહેલાં હું મારી પત્ની અને બાળકો સાથે તેમને મળવા ગયો હતો. મોનાલીએ મને હગ કર્યું. તે ખુશ હતી અને ફરી આવશે એવું પણ કહ્યું. ચેક-ઇન પ્રક્રિયા પતાવીને છેલ્લે ૧.૨૦ વાગ્યે તેણે મેસેજ કર્યો કે બધું બરાબર પતી ગયું છે. આશીર્વાદ આપ્યા અને ગુડબાય કહ્યું. થોડી જ મિનિટો બાદ અમદાવાદથી ટેક-ઑફ થયેલું વિમાન ક્રૅશ થયાના સમાચાર મળતાં મેં મારી પત્ની સાથે મોનાલીની ફ્લાઇટ-ડિટેઇલ ચેક કરી અને તે એ ફ્લાઇટમાં જ હતી. અમે પૅસેન્જર-લિસ્ટ ચેક કર્યું અને અમદાવાદ જવા નીકળી ગયાં.’
મોનાલીનાં મમ્મી-પપ્પા મુકેશભાઈ અને જયશ્રીબહેન તાત્કાલિક લંડનથી ભારત આવવા નીકળી ગયાં હતાં. શરૂઆતમાં તેમને મોનાલી અને સની ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેમણે બન્નેએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર આપતાં તેઓ ભારે દુખી થઈ ગયાં હતાં. મુકેશભાઈએ મોનાલીની ઓળખ માટે તેમનાં DNA-સૅમ્પલ આપી દીધાં હોવાનું જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.