ગુજરાતની પ્રગતિમાં પાટીદાર સમાજે આપેલું યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે

12 December, 2021 09:39 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં ઉમિયાધામ કૅમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં અમિત શાહે આમ જણાવ્યું

અમદાવાદમાં ગઈ કાલે ઉમિયાધામ કૅમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પાટીદાર અગ્રણીઓ.

ગુજરાતના અમદાવાદમાં ગઈ કાલે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજિત ઉમિયાધામ કૅમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ગુજરાતના વિકાસ અને પ્રગતિમાં પાટીદાર સમાજે આપેલું યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. ત્રણ દિવસ ચાલનારા શિલાન્યાસ મહોત્સવમાં ગઈ કાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના અગ્રણીઓ અને પાટીદાર સમાજના આગેવાનો તેમ જ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે મંદિરો એ માત્ર ધર્મ કેન્દ્ર નથી પરંતુ સમાજના ઊર્જા કેન્દ્ર છે અને તે સમગ્ર સમાજને એક તાંતણે બાંધે છે. પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયા માતાજીનાં મંદિર નિર્માણ માટે અભિનંદન પાઠવું છું અને તે પાટીદાર સમાજનું ઉત્કર્ષ કેન્દ્ર બની રહે તેવી શુભકામના પાઠવું છું. અમિત શાહે કાશી વિશ્વનાથ મંદિર અને કેદારનાથ ધામના પુનરુદ્ધારના ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાનાં કેન્દ્રો પુનજીર્વિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. શિલાન્યાસ મહોત્સવમાં ઉપસ્થિત ઉપરાંત સૌ કૌઈને કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા માટે અમિત શાહે અપીલ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ઉમિયા માતાજીનું મંદિર પાટીદાર સમાજની સામાજિક ચેતનાનું કેન્દ્રબિંદુ બની રહેશે તેવો મને વિશ્વાસ છે. આ પ્રકારનાં કાર્યો માત્ર ઇશ્વરીય મદદથી જ પાર પડી શકે છે. પાટીદાર સમાજ વૈશ્વિક કુટુંબ-ભાવનામાં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ તે હંમેશાં સૌની સેવા માટે તત્પર રહે છે. પાટીદારોએ ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી છે જેમાં પોતે કમાઈને બીજાને ખવડાવવાનો સેવાભાવ રહેલો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના અધ્યક્ષ મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. 
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ગુજરાત પ્રધાન મંડળના સભ્યો ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, પ્રદીપ પરમાર, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, ભૂતપૂર્વ પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા અને સૌરભ પટેલ, ઉમિયાધામ મંદિર સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

gujarat gujarat news shailesh nayak amit shah