Ambaji Temple: માઈ ભક્તોમાં આનંદ! અંબાજી મંદિરમાં આઠમની પૂજા પરથી રાજવી પરિવારનો વિશેષાધિકાર દૂર

25 December, 2025 09:21 AM IST  |  Ambaji | Gujarati Mid-day Online Correspondent

Ambaji Temple: અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમને દિવસે જે મહાઆરતી અને પૂજાનું આયોજન થતું હતું તેમાં દાંતાના માત્ર રાજવી પરિવારોને જ વિશેષાધિકાર આપવામાં આવતો હતો. હવે સામાન્ય શ્રધ્ધાળુઓ પણ આ પૂજાનો લાભ લઈ શકશે.

શક્તિપીઠ અંબાજી મંદિર

ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple)ને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજતેરમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંદિરની જૂની પરંપરાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમને દિવસે જે મહાઆરતી અને પૂજાનું આયોજન થતું હતું તેમાં દાંતાના માત્ર રાજવી પરિવારોને જ વિશેષાધિકાર આપવામાં આવતો હતો. પરંતુ હવે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આ પૂજામાં રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. હવે સામાન્ય શ્રધ્ધાળુઓ પણ આ પૂજાનો લાભ લઈ શકશે.

ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી (Ambaji Temple)માં આ પરંપરા તો વર્ષોથી ચાલતી આવી છે. આ જ બાબતને લઈને મંદિર ટ્રસ્ટ અને દાંતા સ્ટેટના રાજવી પરિવાર વચ્ચે કાનૂની વિવાદ પણ સતત ચાલતો રહ્યો છે. આ પૂજા મામલે રાજવી પરિવાર દ્વારા એવો દાવો કરવામાં આવતો હતો કે રાજાશાહીના કાળથી આઠમના દિવસે મંદિરમાં જે હોમ-હવન અને મહાઆરતી થતી તેમાં સૌપ્રથમ રાજવી ફેમિલીને જ અધિકાર છે. રાજવી પરિવારો તો આને પોતાનો અંગત ધાર્મિક અને કાનૂની હક પણ બતાવતા હતા. બીજી તરફ મંદિર પ્રશાસન અને સરકાર દ્વારા આ બાબતે કોર્ટમાં અનેકવાર રજોયાતો કરવામાં આવી હતી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપી દીધો છે કે ન માત્ર રાજવી પરિવાર પણ, સામાન્ય શ્રધ્ધાળુઓ પણ આ પૂજાનો લાભ લઈ શકશે.

હાઇકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ હેમંત એમ. પ્રાચ્છકે બુધવારે ૨૦૦૯ની પ્રથમ અપીલમાં અને ૨૦૧૧ની ક્રોસ-ઓબ્જેક્શનમાં ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, "તે સ્પષ્ટ છે કે આરાસુરી અંબાજી મંદિર (Ambaji Temple) એક જાહેર મંદિર છે. જ્યાં નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યાં યાત્રાળુઓના પૂજા અને પ્રાર્થના કરવાના અધિકારને ઘટાડવા માટે અપીલકર્તાની તરફેણમાં કોઈ વિશેષાધિકાર આપી શકાય એમ નથી.” હાઇકોર્ટે જણાવ્યું હતું કે ૧૯૪૮માં દાંતા રાજ્યનું ભારત સંઘમાં વિલિનીકરણ થયું હતું ત્યારથી મંદિર અને મંદિરની તમામ મિલકતો એ રાજ્યની છે. નહીં કે કોઈ ખાનગી વ્યક્તિની. ભૂતપૂર્વ મહારાણાનો જે દરજ્જો હતો તે માલિકને બદલે સંરક્ષક અથવા વ્યવસ્થાપકનો હતો. નવરાત્રી દરમિયાન લાખો લોકો મંદિરની મુલાકાત લે છે, માટે રાજવી પરિવારને આવા વિશેષાધિકારો આપવા એ બિલકુલ યોગ્ય નથી. જાહેર પ્રાર્થનામાં માત્ર એક જ ચોક્કસ પરિવારને વિશેષ પ્રવેશ આપવો એ ન તો ન્યાયી છે અને ન તો યોગ્ય છે.

તમને જણાવીએ કે અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજામાં રાજવી પરિવારની હાજરી (Ambaji Temple) ફરજિયાત જ ગણાતી હતી. પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ માઈભક્તો માટે હવન અને પૂજા આરતીની વ્યવસ્થા કરી શકશે.

 




 

 

 

gujarat news gujarat ahmedabad gujarat government gujarat high court sabarkantha religious places ambaji