અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પર AIની નજર

04 September, 2025 11:36 AM IST  |  Banaskantha | Gujarati Mid-day Correspondent

બનાસકાંઠા પોલીસે માઈભક્તોની સુરક્ષા માટે પહેલી વાર કર્યો AI આધારિત સર્વેલન્સ સિસ્ટમનો પ્રયોગ : ૨૪ કલાકમાં અધધધ ૭ લાખ ૭૦ હજારથી વધુ માઈભક્તોએ અંબાજીમાં અંબે માતાજીના ચરણે શીશ નમાવ્યું

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પર AIની નજર

ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અને વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તોની સુરક્ષા અને સલામતી માટે તેમ જ મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ દ્વારા પહેલી વાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થતા ૨૪ કલાકમાં અધધધ ૭ લાખ ૭૦ હજારથી વધુ માઈભક્તોએ અંબાજીમાં અંબે માતાજીના ચરણે શીશ નમાવીને નવરાત્રિમાં પોતાને ત્યાં આવવા ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવ્યું હતું. મેળાના ત્રણ દિવસમાં ૯૯,૩૦,૮૮૧ રૂપિયા માતાજીના ચરણે માઈભક્તોએ શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યા છે.

ભાદરવી પૂનમના મેળામાં AI આધારિત સિસ્ટમ દ્વારા મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડ-સંચાલન માટે નજર રાખવામાં આવી રહી છે. સ્માર્ટ કન્ટ્રોલ રૂમ દ્વારા અંબાજીમાં લગાડાયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાથી લાઇવ મૉનિટ​રિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેએ કહ્યું હતું કે ‘CCTV સર્વેલન્સ સાથે AI ટેક્નૉલૉજીનો સમન્વય સાધી મેળામાં યા​ત્રિકોની સલામતી અને સુરક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક સમયે મંદિરમાં કેટલા લોકોએ દર્શન કર્યાં એનો અંદાજ મેળવીને ભીડને નિયંત્રણ કરી શકાય છે. આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોલીસતંત્ર રાઉન્ડ ધ ક્લૉક માઈભક્તો માટે સેવા કરી રહી છે.’

ભાદરવી પૂનમની નંબરગેમ

૧૨ પીપલ-કાઉ​ન્ટિંગ કૅમેરા

૧૨ AI કૅમેરા

૧૨ સોલર બેઝ કૅમેરા

૨૦ બૉડી-વૉર્ન કૅમેરા

૯૦ પોલીસ વ્હીકલ માઉટિંગ કૅમેરા

૧૪,૯૯,૬૭૪ માઈભક્તોએ ત્રણ દિવસ દરમ્યાન અંબાજીમાં દર્શન કર્યાં

૧૧૦૦ ધજારોહણ થયું.

૧૧,૦૪,૦૦૫ મોહનથાળના અને ૧૩,૩૭૨ ચીકીના પ્રસાદનાં પૅકેટનું વિતરણ થયું

૪.૮૬૦ ગ્રામ સોનું મંદિરમાં અર્પણ

૫૦૦ ગ્રામ ચાંદી મંદિરમાં અર્પણ

ambaji gujarat religion religious places ai artificial intelligence technology news gujarat news news gujarat government