20 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર
૧૨ જૂને ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રૅશથી તપાસકર્તાઓનું ધ્યાન વિમાનના જમણી બાજુના એન્જિન તરફ ખેંચાયું છે. આ એન્જિનને ફક્ત ત્રણ મહિના પહેલાં માર્ચ ૨૦૨૫માં રીપેર કરીને ફરીથી ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૨ વર્ષ જૂના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનું છેલ્લું મેઇન્ટેનન્સ ચેકિંગ ૨૦૨૩ના જૂનમાં કરવામાં આવ્યું હતું. આગામી ચેકિંગ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં થવાનું હતું.
આ દુર્ઘટના બાદ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (DGCA) ઍર ઇન્ડિયાના કાફલામાં રહેલાં તમામ ડ્રીમલાઇનર વિમાનોની એક વખતની સલામતી તપાસનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં ઍરલાઇનનાં ૩૩ બોઇંગ 787માંથી નવ વિમાનોનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે, બાકીનાં વિમાનોની તપાસ ચાલુ છે. ઍર ઇન્ડિયાએ ચેતવણી આપી છે કે આ નિરીક્ષણો ઑપરેશનલ વિલંબનું કારણ બની શકે છે, ખાસ કરીને લાંબા અંતરના રૂટ પર જ્યાં નાઇટ-કરફ્યુ લાગુ પડે છે.