એક દિવસમાં ઍર ઇન્ડિયાની ૭ ફ્લાઇટ રદ થઈ, મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી

18 June, 2025 01:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તમામ ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતી અને મોટા ભાગની ફ્લાઇટ્સ ટેકઑફ પહેલાં થતી ચકાસણીને પગલે રદ કરવામાં આવી હતી.

ઍર ઇન્ડિયા વિમાન

અમદાવાદમાં તાજેતરમાં જ બનેલી પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ ઍર ઇન્ડિયાએ મંગળવારે ૭ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરતાં મુસાફરોનો આક્રોશ વધ્યો હતો. અગાઉથી આ વિશે કોઈ સૂચના અપાઈ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ તમામ ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતી અને મોટા ભાગની ફ્લાઇટ્સ ટેકઑફ પહેલાં થતી ચકાસણીને પગલે રદ કરવામાં આવી હતી.

રદ થયેલી ફ્લાઇટમાં AI-૯૧૫ દિલ્હી-દુબઈ, AI-૧૫૩ દિલ્હી-વિયેના, AI-૧૪૩ દિલ્હી- પૅરિસ, AI-૧૫૯ અમદાવાદ-લંડન,  AI-૧૩૨ લંડન-બૅન્ગલોર, AI-૩૦૮ દિલ્હી- મેલબર્ન અને AI- ૧૭૦ લંડન-અમ્રિતસરનો સમાવેશ થાય છે. ઉપરાંત AI-૧૩૩ બૅન્ગલોર-લંડન અને AI- ૧૪૨ પૅરિસ-દિલ્હી બુધવારે રદ રહેશે. મંગળવારે સવારે AI-૧૮૦ સૅન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં કલકત્તામાં રોકવી પડી હતી.

ઍરલાઇન્સના નિવેદન મુજબ મુસાફરોને રોકવા માટે હોટેલ-બુકિંગ, વૈકલ્પિક ફ્લાઇટમાં ટિકિટ રીશેડ્યુલ કરવાની સગવડ અને ટિકિટ કૅન્સલ કરવી હોય તો પૂરું રીફન્ડ આપવામાં આવશે. તેમ છતાં અનેક મુસાફરો ફ્લાઇટના સમયે ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમને ફ્લાઇટ કૅન્સલ થઈ હોવાનું જણાતાં તેઓ ઍરપોર્ટ પર અટવાયા હતા. અનેક મુસાફરોએ ઍરલાઇન્સ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.

ahmedabad plane crash ahmedabad plane crash air india airlines news news gujarat gujarat news