આકાશમાંથી પુષ્પો અને અમી છાંટણાં વચ્ચે પ્રભુ જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા

02 July, 2022 09:34 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બે વર્ષ બાદ રંગેચંગે અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી રથયાત્રામાં અમદાવાદનો મિજાજ જોવા મળ્યો: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પ્રભુ માટે રસ્તો સાફ કરવા કરી પહિંદવિધિ : અમિત શાહે મંગળા આરતીનો લહાવો લઈ ધન્યતા અનુભવી

અમદાવાદમાં જગન્નાથ મંદિરની બહાર ઊભા રહેલા ત્રણ રથ અને દર્શન કરવા ઊમટેલા ભાવિકો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવા છતાં શાંતિ અને શિસ્ત જોવા મળી હતી.

પહેલી વાર રથયાત્રા પર હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા થઈ : રથયાત્રાના માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો : રથયાત્રાના રૂટ પર ૨૫,૦૦૦ પોલીસ કર્મચારીઓ તહેનાત હતા

અમદાવાદમાં બે વર્ષ બાદ ગઈ કાલે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી પ્રભુ જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં અમદાવાદનો મિજાજ જોવા મળ્યો હતો. વરસાદનાં અમી છાંટણાં વચ્ચે પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરયાત્રાએ નીકળી ભાવિકોને દર્શન આપ્યાં હતાં ત્યારે લાખો ભાવિકો જગન્નાથજીના રંગે રંગાયા હતા અને ઉમળકાભેર પ્રભુને અક્ષત કુમકુમથી વધાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પહેલી વાર રથયાત્રા પર હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

બે વર્ષ બાદ અમદાવાદમાં પ્રભુ જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકો પણ જોડાવાના હોવાથી ગઈ કાલે વહેલી પરોઢથી લાખ્ખો ભાવિકોએ જગન્નાથજી મંદિરમાં પ્રભુનાં દર્શન માટે ધસારો કર્યો હતો અને મંગળા આરતીમાં ઉપસ્થિત રહીને પ્રભુની ઝાંખીનાં દર્શન કરીને ધન્ય બન્યા હતા. જગન્નાથ મંદિરમાં ગઈ કાલે સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત હતા અને પ્રભુની આરતી ઉતારીને ભાવપૂર્વક પ્રભુનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ આરતીનો લહાવો લીધો હતો.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથજીનાં દર્શન કરીને પહેલી વાર સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને પ્રભુ માટે રસ્તો સાફ કર્યો હતો. ત્યાર બાદ પ્રભુનો રથ ખેંચીને મંદિરની બહાર લાવ્યા હતા અને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ભૂપેન્દ્ર પટેલે રથાયાત્રા પર્વ નિમિત્તે સૌને શુભકામના પાઠવી હતી અને જગન્નાથજી સૌ પર કૃપા વરસાવે અને સમાજમાં સૌને આરોગ્ય સુખાકારી, સમૃદ્ધિ અને સુખશાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી.

ભૂપેન્દ્ર પટેલની ફરી વાર કરવામાં આવેલી કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમની સાથે રથ ખેંચવામાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
બે વર્ષ બાદ અમદાવાદમાં રથયાત્રામાં ભાવિકો જોડાતાં જાણે નગરજનોમાં ઉત્સાહ સાથે ઊર્જાનો સંચાર થયો હતો. ઠેર-ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જય રણછોડ માખણચોરના નારા અમદાવાદની ગલી-ગલીએ ગુંજ્યા હતા. અમદાવાદમાં જમાલપુર, દરિયાપુર, શાહપુર સહિતના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પણ મુસ્લિમ આગેવાનો અને નાગરિકોએ રથયાત્રાને વધાવી હતી. ભાવિકોમાં ખુશી અને આનંદની લહેરખી જોવા મળતી હતી અને ચારે બાજુ પ્રભુના જયઘોષ થતા હતા. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીએ પહેલી વાર બખ્તરના શણગારવાળા વાઘા પહેર્યા હતા. પ્રભુ જે રથમાં બેસીને નગરયાત્રાએ નીકળ્યા હતા એ ત્રણ રથોની આ છેલ્લી રથયાત્રા બની રહી હતી. આવતા વર્ષે ત્રણ નવા રથ બનાવવામાં આવશે. આ રથયાત્રામાં પહેલી વાર એવું જોવા મળ્યું કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રથયાત્રા સાથે જોવા મળ્યા હતા. હર્ષ સંઘવી દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં રથયાત્રા સાથે ચાલતાં-ચાલતાં જોડાયા હતા.

gujarat gujarat news ahmedabad Rathyatra shailesh nayak