ન્યુ યરની ઉજવણીમાં અમદાવાદમાં ૩૫ મિનિટ જ ફટાકડા ફોડી શકાશે

30 December, 2022 01:41 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ફટાકડાની લૂમ ફોડી નહીં શકાય, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુંઃ થર્ટીફર્સ્ટને લઈને અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતમાં પોલીસ અલર્ટ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે એને વધાવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે ૩૧ ડિસેમ્બરે મધરાતે અમદાવાદમાં માત્ર ૩૫ મિનિટ જ ફટાકડા ફોડી શકાશે અને એમાં ફટાકડાની લૂમ ફોડી નહીં શકાય. બીજી તરફ થર્ટીફર્સ્ટને લઈને અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતમાં પોલીસ અલર્ટ બની છે અને પોલીસ-બંદોબસ્ત ચુસ્ત કર્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતી સરહદો પર પોલીસ ચેકિંગ સઘન કર્યું છે.

નાતાલના પર્વમાં થર્ટીફર્સ્ટની મોડી રાતે નવા વર્ષની ઉજવણી દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, નાગરિકોની સલામતી માટે અને પબ્લિકને અગવડ ન પડે એ માટે અમદાવાદ શહેર વિસ્તારમાં ફટાકડાની ખરીદી, વેચાણ તથા એને ફોડવા પર અમદાવાદ પોલીસને નિયંત્રણો મૂકવાં જરૂરી લાગ્યાં છે. અમદાવાદના પોલીસ-કમિશનર સંજય શ્રીવાસ્તવે ફટાકડાના મુદ્દે જાહેરનામું બહાર પાડીને સૂચનાઓનું પાલન કરવા ફરમાન કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નવા વર્ષની ઉજવણી અંતર્ગત ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૧.૫૫ વાગ્યાથી પહેલી જાન્યુઆરીના ૦૦.૩૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સિરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી એ રાખી નહીં શકાય, ફોડી ન્હીં શકાય કે વેચાણ નહીં કરી શકાય. હૉસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન ગણવામાં આવે છે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી નહીં શકાય. 

gujarat gujarat news new year ahmedabad shailesh nayak