13 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિજય રૂપાણી અંગેનું ટ્વિટ અને વાયરલ સેલફી (તસવીર: મિડ-ડે)
અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના દરમિયાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ તેમાં હતા એવા સમાચાર સામે આવ્યા હતા. જોકે દુર્ઘટનામાં તેમના જખમી થયા હોવાના કે તેમના મૃત્યુ બાબતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નહોતી, પણ જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને રૂપાણી અંગે અંગેની માહિતી આપી હતી. આ સાથે વિજય રૂપાણીની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ફ્લાઇટમાં બેસેલા જોઈ શકાય છે.
"અમદાવાદ ઍરપોર્ટ નજીક ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણી દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે ઓમ શાંતિ," પરિમલ નથવાણીએ X પર લખ્યું હતું.
નથવાણીએ આ પોસ્ટ કર્યાના થોડા સમય પછી તેને ટ્વિટ ડિલીટ કરી હતી, જેથી વિજય રૂપાણીના મૃત્યુ અંગે સસ્પેન્સ બની રહ્યો છે. વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર ઉમટી છે. આ સમાચાર બાદ રૂપાણીના નિવાસસ્થાને ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા છે.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને જવા નીકળ્યા હતા. પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જોકે તેમણે મીડિયામાં અંગે કોઈ નિવેદન આપ્યું નહોતું. બીજી તરફ, રૂપાણીના ઘરની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને તેઓ પૂર્વ મુખ્ય પ્રધાનની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી અંગે સરકાર દ્વારા કે ભાજપ દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
વિજય રૂપાણીની છેલ્લી તસવીર વાયરલ?
બીજા મુસાફર દ્વારા ક્લિક થયેલી સૅલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઍર ઇન્ડિયા વિમાનમાં આ સૅલ્ફી ક્લિક કરવામાં આવી હતી. જોકે, વિજય રૂપાણીની આ તસવીર ખેરખર આજની છે કે નહીં તે બાબતે કોઈ માહિતી મળી શકી નથી, અને આ મહિલા પણ કોણ છે તે પણ જાણી શકાયું નથી.