19 May, 2026 02:29 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પાઇલટ સુમિત સભરવાલ
અમદાવાદમાં થયેલી પ્લેન-ક્રૅશની દુર્ઘટના પછી સિવિલ હૉસ્પિટલના મૉર્ગમાં જનારી એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે અકસ્માતમાં જીવ ગુમાવનારા વિમાનના પાઇલટ સુમિત સભરવાલના હાથમાં સ્ટીઅરિંગ કન્ટ્રોલ હતું. આ વાત દર્શાવે છે કે પાઇલટ પોતાની અંતિમ ક્ષણો સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દુર્ઘટનામાં અમદાવાદના રહેવાસી રોમિન વોહરાનાં કાકી યાસ્મિન, લંડનમાં ઍમૅઝૉન માટે કામ કરતા તેના ભાઈ પરવેઝ અને તેમની ૩ વર્ષની ભત્રીજીએ જીવ ગુમાવ્યો હતો. રોમિન વોહરાએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળામાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પૅથોલૉજી લૅબ અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હોવાથી અને ત્યાં લોકોને ઓળખતો હોવાથી તે મૉર્ગમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. તેને આશા હતી કે તેના સંબંધીઓના અવશેષો ઓળખી શકાશે.
રોમિન વોહરાએ દાવો કર્યો હતો કે મૉર્ગની અંદરનું દૃશ્ય કોઈ ભયાનક વાર્તાથી ઓછું નહોતું. ઘણા મૃતદેહો ફ્લોર પર એકસાથે પડેલા હતા, જ્યારે અન્ય ખરાબ રીતે બળી ગયા હતા. તેણે કપાયેલાં હાથ, પગ અને માથાં પણ જોયાં હતાં. એક માતાનો મૃતદેહ તેના બાળકને પકડીને મળી આવ્યો હતો, જેનાથી હાજર લોકો ધ્રૂજી ગયા હતા. આ મૃતદેહોમાંથી રોમિન વોહરાને એક છોકરીનો સંપૂર્ણપણે બળી ગયેલો મૃતદેહ મળ્યો અને તેણે તેને તેની ૩ વર્ષની ભત્રીજી તરીકે ઓળખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
જોકે રોમિન વોહરાએ વિમાનના કૅપ્ટન સુમિત સભરવાલ વિશે ગંભીર દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે કૅપ્ટન સભરવાલે જાણીજોઈને વિમાનની ફ્યુઅલ સ્વિચ બંધ કરી હતી જેને કારણે અકસ્માત થયો હતો, પણ રોમિન વોહરાએ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે જે સાબિત કરે છે કે કૅપ્ટન તેમના છેલ્લા શ્વાસ સુધી વિમાનને બચાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા. રોમિન વોહરાએ જણાવ્યું હતું કે ‘કૅપ્ટન સભરવાલના મૃતદેહને મૉર્ગમાં અન્ય લોકોથી અલગ રાખવામાં આવ્યો હતો. કૅપ્ટનનો મૃતદેહ બેસેલી સ્થિતિમાં હતો અને તેમનો યુનિફૉર્મ મોટા ભાગે અકબંધ દેખાયો હતો. કૅપ્ટનનું સફેદ શર્ટ, ખભા પર ચાર ગોલ્ડન સ્ટ્રાઇપ, ટાઇ અને તેમનાં જૂતાં સંપૂર્ણ સ્થિતિમાં હતાં. કૅપ્ટનના હાથે તેમના મૃત્યુ પછી પણ વિમાનના ડબલ હૅન્ડલ યોક, સ્ટીઅરિંગ કન્ટ્રોલને મજબૂતીથી પકડી રાખ્યા હતા.’