હૈયાફાટ આક્રંદ સાથે સ્વજનોને વિદાય

16 June, 2025 07:21 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

શોકમગ્ન બન્યું ગુજરાત : રવિવારની મોડી સાંજ સુધી ૩૩ મૃતદેહ સોંપાયા : પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોના અંતિમ સંસ્કાર શરૂ

વડોદરાનાં અંજુ શર્માનો મૃતદેહ ઘરે આવતાં સ્વજનોએ હૈયાફાટ કલ્પાંત કર્યો હતો.

ગુજરાતના અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મોતના મુખમાં ધકેલાઈ ગયેલા લોકોની ગઈ કાલે ભારે હૈયે અરથીઓ ઊઠી હતી. અમદાવાદ, વિસનગર, વડોદરા સહિતનાં સ્થળોએ પરિવારજનોએ પોતે ગુમાવેલી વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા હતા. સ્વજનોની ભીની આંખો વચ્ચે પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. સ્વજનોના આક્રંદથી સમગ્ર ગુજરાત શોકમગ્ન બન્યું હતું. ગઈ કાલે મોડી સાંજ સુધીમાં ૮૦ ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ મૅચ થયાં હતાં જે પૈકી સ્વજનોને ૩૩ ડેડ-બૉડી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્થાનિક ૮ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘૪૭ DNA સૅમ્પલ મૅચ થયાં છે અને ૪૪ પરિવારોનો સંપર્ક કરીને અત્યાર સુધીમાં ૨૭ મૃતદેહ સગાંઓને સોંપવામાં આવ્યા છે. એમાં અમદાવાદ, ખેડા, અરવલ્લી, બોટાદ, મહેસાણા, ઉદયપુર સહિતનાં સ્થળોએ રહેતા પરિવારજનોને સન્માનપૂર્વક પાર્થિવ દેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ૫૧ લોકો ઇન્જર્ડ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા, જેમની તબિયત સારી થતાં રજા આપવામાં આવી છે. હાલમાં ૧૩ ઇન્જર્ડ પેશન્ટને સારવાર અપાઈ રહી છે.’

અંતિમયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી સ્વજનોને મૃત્યુ પામેલી વ્ય​ક્તિના પાર્થિવ દેહ મળતાં પોલીસ એસ્કોર્ટ સાથે ઍમ્બ્યુલન્સમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ગઈ કાલે અમદાવાદ, વડોદરા, બાયડ, વિસનગર સહિતનાં શહેરોમાં ડેડ-બૉડી આવતાં સ્વજનો તૂટી ગયા હતા અને હૈયાફાટ આક્રંદથી વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. મૃત્યુ પામેલી વ્ય​ક્તિના ઘરે તેમની અંતિમવિધિ કરીને સ્મશાનયાત્રા યોજાઈ ત્યારે કઠળ કાળજાના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અંતિમયાત્રા નીકળતાં લોકો એમાં સ્વયંભૂ જોડાયા હતા. સ્મશાનમાં સ્વજનોએ અંતિમક્રિયા કરી હતી અને તેમના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. 

અંતિમયાત્રા ઘરેથી નીકળી ત્યારે સ્વજનોએ રસ્તામાં ગુલાબ પાથર્યાં હતાં.

વધી શકે છે DNA ટેસ્ટની સંખ્યા

અમદાવાદમાં જે રીતે વિમાન-દુર્ઘટના થઈ અને પ્લેન બિ​લ્ડિંગને જોશભેર ટકરાયું અને આગ ફાટી નીકળી એ પછી ઘટનાસ્થળના પરિસરમાંથી ઠેર-ઠેર માનવ મૃતદેહો અને તેમનાં અંગો; હાથ, પગ કે શરીરના બીજા અંગો મળી આવ્યાં હતાં. એના કારણે DNA ટેસ્ટની સંખ્યા વધી શકે છે એવો અંદાજ એક અધિકારીએ વ્યક્ત કર્યો હતો. અધિકારીના કહેવા પ્રમાણે પ્લેનમાં ૨૩૦ પૅસેન્જર અને ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા, આમ પ્લેનમાં ૨૪૨ લોકો હતા. ઘટનાસ્થળેથી એક જ વ્યક્તિની બૉડીના ત્રણ પાર્ટ્સ મળ્યા છે તો ઘણા બધા બૉડી-પાર્ટ્સ અલગ-અલગ મળ્યા છે. આ બૉડી-પાર્ટ્સ કોના છે એ કહેવું મુશ્કેલ હોવાથી એની DNA ટેસ્ટ કરવામાં આવશે, એટલે ટેસ્ટની સંખ્યા વધી શકે છે.

અંજુ શર્માના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર વખતે અનેક લોકો હાજર રહ્યા હતા.

ત્રણ મુસાફરોના સંબંધીઓનાં સૅમ્પલ લેવાનાં બાકી

દુર્ઘટનાનો ભોગ બનેલા ત્રણ મુસાફરોનાં સગાંસંબંધીઓનાં સૅમ્પલ લેવાનાં બાકી છે. આ સગાં હાલ ઇંગ્લૅન્ડમાં રહે છે અને આગામી બે-ત્રણ દિવસમાં સૅમ્પલ આપવા આવશે. પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી માટે પરિવારજનો સાથે સંકલન માટે ૨૫૦થી વધુ નોડલ અધિકારીઓ અને અસિસ્ટન્ટ નોડલ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત DNA સૅમ્પલથી લઈને પાર્થિવ દેહ ઘર સુધી પહોંચાડવાની કામગીરી અને અંત્યે​ષ્ટિ સુધી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહે છે.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન અને કન્ટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં ૧૭૦૦ ફોન-કૉલ્સ મળ્યા છે.

 

ahmedabad plane crash ahmedabad ahmedabad municipal corporation gujarat gujarat government gujarat news news