૨૧૫ લોકોનાં DNA-સૅમ્પલ મૅચ થયાં, ૧૯૮ મૃતદેહો સોંપાયા

20 June, 2025 10:27 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

૭ પોર્ટુગલના, ૩૨ બ્રિટનના, ૧ કૅનેડાનો નાગરિક તેમ જ ૯ નૉન-પૅસેન્જર હતા. ૧૫ પાર્થિવ દેહને વિમાનમાર્ગે અને ૧૮૩ પાર્થિવ દેહને બાય રોડ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

અમદાવાદમાં પ્લેન-ક્રૅશની ગોઝારી ઘટનાનો ભારત ઉપરાંત પોર્ટુગલ, બ્રિટિશ અને કૅનેડિયન નાગરિકો પણ ભોગ બન્યા છે. ગઈ કાલે સાંજ સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧૫ લોકોના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ મૅચ થયાં છે અને એમાંથી ૧૯૮ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘પાંચ પરિવારો સવાર સુધીમાં તેમના સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. ૩ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૯ પરિવારો બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઈ રહ્યા છે. ૧૯૮ લોકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એમાં ૧૪૯ ભારતના નાગરિકો હતા; જ્યારે ૭ પોર્ટુગલના, ૩૨ બ્રિટનના, ૧ કૅનેડાનો નાગરિક તેમ જ ૯ નૉન-પૅસેન્જર હતા. ૧૫ પાર્થિવ દેહને વિમાનમાર્ગે અને ૧૮૩ પાર્થિવ દેહને બાય રોડ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૬ દરદીમાંથી એક દરદીને રજા આપવામાં આવી છે, જ્યારે પાંચ દરદીનું આરોગ્ય સ્થિર છે.’

ગાંધીનગરમાં ગઈ કાલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રાર્થનાસભા યોજાઈ હતી. એમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી અને પુત્ર રુષભ રૂપાણી સહિત પરિવારજનોને મળીને સાંત્વન આપ્યું હતું.

ahmedabad plane crash plane crash ahmedabad gandhidham Vijay Rupani bhupendra patel gujarat news news gujarat