21 July, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાંથી એક કાળજું કંપાવી નાખે તેવા સમાચાર (Ahmedabad News) સામે આવી રહ્યા છે. અહીં એક જ ફૅમિલીનાં પાંચ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે.
બાવળાના એક ભાડાના ઘરમાં આ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે એક જ ફૅમિલીનાં પાંચ સભ્યોએ ઝેર ખાઈને કથિત રીતે જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પુરુષ, તેની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો આ તમામ લોકોએ મોતને વ્હાલું કર્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. એક જ ફૅમિલીનાં પાંચ સભ્યોની આ રીતે આત્મહત્યા કરવાની શી મજબૂરી હશે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બાવળામાં ભાડાના મકાનમાં રહેતા ૩૨ વર્ષના વિપુલ વાઘેલા, તેની ૨૬ વર્ષની પત્ની સોનલ અને તેમના બાળકો ૧૧ વર્ષની કરીના, ૮ વર્ષનો મયુર ને પાંચ વર્ષની રાજકુમારી આ તમામ લોકોનું મોત (Ahmedabad News) થયું છે.
રિપોર્ટ પ્રમાણે શનિવારે મોડી રાત્રે એક કપલ અને તેમનાં ત્રણ બાળકોની ડેડબોડીઝ તેમના ઘરમાંથી મળી આવી (Ahmedabad News) હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ આત્મહત્યાનો કેસ હોવાની શંકા વ્યક્ત કરી છે. અમદાવાદ (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે આ ઘટના બગોદરા ગામમાં બની હતી અને પોલીસને મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ આ બનાવ વિશે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દૃષ્ટિથી એવું લાગે છે કે આ લોકોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. ઘરનો મોભી વિપુલ ઓટો-રિક્ષા ચલાવીને ફૅમિલીનું ગુજરાન ચલાવતો હતો. મૂળ આ ફૅમિલી ધોળકાની રહેવાસી હતી અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતી હતી. વિપુલ ઓટો રિક્ષા ચલાવતો હતો અને તેના પર જ આખી ફૅમિલી નિર્ભર હતી. વિપુલે લોન પર ઓટો-રિક્ષા ખરીદી હતી અને ઇએમઆઈ ચૂકવવા માટે તાણ પડતી હતી. આર્થિક તાણને કારણે તે ખૂબ જ દબાણમાં રહેતો હતો. શક્ય છે કે તેણે વધતી આર્થિક તંગીથી તંગ આવીને આ પગલું ભર્યું હોય.
અમદાવાદ (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ધંધુકા ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી અને વ્યાપક તપાસ હાથ ધરી હતી.
જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે પાંચ ડેડબૉડી મળી (Ahmedabad News) આવી હતી. તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન્સિક પરીક્ષણો આ સામૂહિક આત્મહત્યામાં વપરાયેલ ઝેરની પણ તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.