ગુજરાતનાં આઠ મહાનગરોમાં મેગાસિટી મિલેટ એક્સ્પો યોજાશે

13 January, 2023 12:03 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મિલેટ પકવતા ખેડૂતો સાથે કર્યો સંવાદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાતમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા માટે વર્ષ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને એના ભાગરૂપે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મિલેટ મહોત્સવ ઊજવાયો હતો એટલું જ નહીં, પરંતુ અગામી સમયમાં ગુજરાતનાં આઠ મહાનગરોમાં મેગાસિટી મિલેટ એક્સ્પો યોજાશે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત પરિવારો સાથે ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. તેમણે મિલેટ્સ પકવતા ખેડૂતોની વિવિધ પ્રોડક્ટ્સ નિહાળી હતી અને મિલેટ્સની વાનગીઓના ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

આ પણ વાંચો : સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ૧૮ દેશોના પતંગબાજોનાં કરતબ જોવાનો આનંદ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી પારંપરિક ખેતીની પેદાશો જાડા ધાન–મિલેટ્સને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની સફળતા યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી મેળવી છે. હવે તો પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવાં પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલાં અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે. આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવાં બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે એવી વડા પ્રધાનની સંકલ્પના યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે.’

ગુજરાતનાં આઠ મહાનગરોમાં મેગાસિટી મિલેટ એક્સ્પો યોજાશે જેથી શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને મિલેટ્સ પકવતા ખેડૂતો અને ગ્રાહકોને કૉમન પ્લૅટફૉર્મ મળશે. ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ ૨૪ વર્કશૉપ અને તાલુકા સ્તરે ૨૫૨ સેમિનાર યોજાશે, જ્યારે નવસારી ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાશે.

gujarat news ahmedabad gandhinagar commodity market bhupendra patel gujarat cm