ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર

24 February, 2021 10:31 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર

યુનિયન મિનિસ્ટર અમિત શાહનું મોઢું મીઠું કરાવતા ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ અને બાજુમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી. તસવીર : પી.ટી.આઇ.

ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીએ સિક્સર ફટકારી છે. અમદાવાદ સહિતનાં ૬ મહાનગરોમાં નીરસ મતદાન થયું હોવા છતાં ગુજરાતનાં છ શહેરમાં બીજેપીએ ફરી એક વાર જીત મેળવવાની સાથે સત્તાનાં સૂત્રો જાળવી રાખી કેસરિયો લહેરાવ્યો છે. બીજી તરફ ૬ મહાનગરમાં કૉન્ગ્રેસનો કરુણ રકાસ થયો છે. સુરતમાં તો કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને સમખાવા પૂરતી એક બેઠક પણ જીતી નથી શકી. એટલું જ નહીં, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં તો કૉન્ગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી શકી નથી. અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી, જે બીજેપીને ફાળે ગઈ હતી. જ્યારે ૧૯૧ બેઠકમાંથી બીજેપી ૧૫૮, કૉન્ગ્રેસે ૨૫ , એઆઇએમઆઇએમ ૭ અને અપક્ષે એક બેઠક પર વિજય મેળવ્યો છે.

રાજકોટમાં કુલ ૭૨ બેઠકમાંથી બીજેપીએ ૬૮, જ્યારે કૉન્ગ્રેસનો ૪ બેઠક પર વિજય થયો છે. જામનગરમાં કુલ ૬૪ બેઠકમાંથી બીજેપીએ ૫૦ અને કૉન્ગ્રેસે ૧૧ બેઠક પર, ભાવનગરમાં કુલ બાવન બેઠકમાંથી બીજેપીએ ૪૪ અને કૉન્ગ્રેસે ૮ બેઠક પર, વડોદરાની કુલ ૭૬ બેઠકમાંથી બીજેપીએ ૬૯ અને કૉન્ગ્રેસે ૭ બેઠક પર અને સુરતની કુલ ૧૨૦ બેઠકમાંથી બીજેપીએ ૯૩ અને આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠક પર વિજય મેળવ્યો છે. કૉન્ગ્રેસ સુરતમાં એક પણ બેઠક મેળવી શકી નથી.ગુજરાતમાં મોંઘવારી, વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, દેશમાં ચાલતું ખેડૂત આંદોલન અને બેરોજગારી સહિતની સમસ્યાઓને ગુજરાતના શહેરી મતદારોએ કોરાણે મૂકીને ફરી એક વાર બીજેપીમાં વિશ્વાસ મૂકીને મત આપી વિજયી બનાવી છે.

બીજેપીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને બીજેપી એળે નહીં જવા દે અને આ મહાનગરોના વિકાસમાં પણ કોઈ કચાશ રહેવા દેશે નહીં.
- ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

સુરતમાં આપએ કઈ રીતે કર્યો ચમત્કાર?

ગુજરાતમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પહેલી વાર આમ આદમી પાર્ટી (આપ)એ જીત સાથે એન્ટ્રી કરીને ગુજરાતના રાજકારણમાં નવો રાજકીય અધ્યાય શરૂ કર્યો છે. સુરતમાં ચૂંટણી લડીને આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો છે. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ગઈ કાલે યોજાયેલી મતદાન ગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો એક પછી એક વિજય થતાં આમ આદમી પાર્ટીના ૨૭ ઉમેદવારની જીત થઈ હતી સુરતમાં કાપોદ્રા, પુણા પશ્ચિમ, પુણા પૂર્વ, ફૂલપાડા – અશ્વિનીકુમાર જેવા પાટીદારોની બહુમતી ધરાવતા વૉર્ડમાં તો મતદારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખોબલે-ખોબલે મત આપતાં આ તમામ વૉર્ડમાં આમ આદમી પાર્ટીની આખી પૅનલની જીત થઈ હતી. સુરતમાં વિજય પાછળ પાટીદાર આંદોલન જવાબદાર છે. ૨૦૧૫માં પાટીદારોએ કૉન્ગ્રેસને સપોર્ટ કર્યો હતો પરંતુ બાદમાં કૉન્ગ્રેસને બદલે ‘આપ’ને પસંદ કરી છે. જે સ્થળોએ પાટીદાર આંદોલન મજબૂત હતું ત્યાં ‘આપ’ના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. ‘આપ’નાં ગુજરાત-અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ સુરતનાં જ છે તેમ જ પાટીદારોમાં એમનું ઘણું પ્રભુત્વ છે. કૉન્ગ્રેસના નેતા હાર્દિક પટેલના સમર્થકોને પણ ટીકીટ ન અપતા ઘણાં લોકો નારાજ હતા. આમ આ તમામ બાબતો કૉન્ગ્રેસ માટે નામોશીનું કારણ બની હતી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયની ઉજવણી કરતા આપના વિજેતા ઉમેદવારો તથા સમર્થકો. તસવીર : પી.ટી.આઇ.

મોદીના ગઢમાં ઔવેસીની એન્ટ્રી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (AIMIM)એ એન્ટ્રી કરીને પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ૭ બેઠકો પર જીત મેળવીને વડા પ્રધાન મોદીના ગઢ ગણાતા ગુજરાતમાં વિજય સાથે નવો રાજકીય અધ્યાય શરૂ કર્યો છે. ઉલ્લેખયની છે કે AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં પ્રથમ વાર પહેલાં ભરૂચ અને ત્યાર બાદ અમદાવાદમાં જાહેર સભા યોજીને મતદારોને આકર્ષવા પ્રચાર કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીએ ૨૧ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી ૭ ઉમેદવારોનો વિજય થયો છે.

gujarat ahmedabad surat aam aadmi party congress bharatiya janata party shailesh nayak