15 June, 2025 06:52 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રિન્સ પટણી
પ્લેન-ક્રૅશની કરુણાંતિકામાં અમદાવાદનો યુવાન પ્રિન્સ પટણી તેની મમ્મી પાસે પેટ્રોલના પૈસા લેવા રોકાયો અને ઘટનાસ્થળના ગેટ પાસે પહોંચ્યો ત્યાં જ એવો ધડાકો થયો કે તેને પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ થયો, પરંતુ પ્રચંડ બ્લાસ્ટને કારણે એવી આગ લાગી કે જાણે તે આગ પર ઊભો હોય એવો અહેસાસ થવા સાથે ચહેરા પર ગરમ ઝાળ લાગી ગઈ હતી. જોકે આમ છતાં હિંમત હાર્યા વગર તે બચાવકામગીરી માટે મિત્રો સાથે અંદર દોડી ગયો હતો, પરંતુ મેસમાં લોહી નીકળતી હાલતમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને જોઈને તેઓ હલબલી ગયા હતા.
સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પ્રિન્સ પટણીએ કહ્યું હતું કે ‘પ્લેન-ક્રૅશના ધડાકા અને મારા વચ્ચે માત્ર ૪૦ સેકન્ડનો ફરક પડ્યો હતો. હું ગુજરાત હાઉસિંગમાં રહું છું અને ઘટનાસ્થળેથી મારું ઘર ૧૦૦ મીટર જ દૂર છે. હું મારી મમ્મી પાસે પેટ્રોલના પૈસા લેવા માટે ઊભો રહ્યો હતો અને ઘટના બની એ સ્થળના ગેટ પર હું પહોંચ્યો અને મારી નજર સામે પ્રચંડ બ્લાસ્ટ થયો. એના કારણે થોડી વાર માટે તો મારા કાનમાં અવાજ જ ન આવ્યો. બહેરાશ મારી ગઈ, કંઈ સંભળાય જ નહીં. બધાં બિલ્ડિંગો હલી ગયાં, જાણે ભૂકંપ થયો હોય એવો અહેસાસ થયો. બ્લાસ્ટ એવો પ્રચંડ થયો હતો કે મારા મોં પર ગરમ ઝાળ લાગી ગઈ હતી અને હું જાણે આગ પર ઊભો હોઉં એવો અનુભવ થયો હતો. ચારેતરફ આગ લાગી હતી અને ધુમાડો છવાઈ ગયો હતો. એ થોડું ઓછું થયું ત્યારે ખબર પડી કે પ્લેન ક્રૅશ થયું છે અને એ મેસના બિલ્ડિંગને ટકરાયું છે. એટલે મેં મારા મિત્રોને ફોન કરીને આ ઘટનાની જાણ કરીને બોલાવ્યા હતા.’
મારા મિત્રો આવ્યા એટલે અમે બધા અમારા જીવની પરવા કર્યા વગર મદદ માટે અંદર દોડ્યા હતા એમ જણાવતાં પ્રિન્સે કહ્યું હતું કે ‘અંદર જઈને જોયું તો કૅન્ટીનમાં ગૅસનાં સિલિન્ડર હતાં અને આગ એનાથી પંદરેક ફુટ જ દૂર હતી એટલે અમે મિત્રોએ આઠ જેટલાં ગૅસનાં સિલિન્ડર બહાર કાઢીને ખુલ્લી જગ્યામાં મૂકી દીધાં હતાં. અમે જોયું કે મેસમાં સ્ટુડન્ટ્સ ફસાયા છે એટલે આસપાસ નજર કરતાં ઇસ્ત્રીવાળાની દુકાન દેખાતાં એમાંથી કપડાં કાઢીને એનો ઢગલો કર્યો હતો અને સ્ટુડન્ટ્સને કહ્યું હતું કે આના પર જમ્પ કરો, પણ ગભરાટને કારણે તેઓ કૂદી શક્યા નહીં. અમે ઉપરના ફ્લોર પર પહોંચ્યા તો મેસમાં જમી રહેલા સ્ટુડન્ટ્સ ઈજાગ્રસ્ત થયેલા જોવા મળ્યા હતા, ઘણું લોહી વહી રહ્યું હતું. એક સ્ટુડન્ટના હાથમાં ચમચી હતી અને તેની બૉડી પર દીવાલ પડી હતી જેની નીચે તે દબાઈને મૃત્યુ પામ્યો હતો. અમે લગભગ વીસથી વધુ સ્ટુડન્ટ્સને બહાર કાઢ્યા હતા. બને ત્યાં સુધી અમે મદદ માટે ઊભા રહ્યા હતા.’