15 June, 2025 06:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઇરફાન શેખ
અમદાવાદની પ્લેન-ક્રૅશની ઘટનામાં જીવ ગુમાવનારા પિંપરી-ચિંચવડના ૨૨ વર્ષના ઇરફાન સમીર શેખે બે વર્ષ પહેલાં એવિયેશન ઇન્ડસ્ટ્રી જૉઇન કરી હતી અને હવામાં (પ્લેનમાં) ઊડતો રહેતો હતો. તેની ઇચ્છા કારકિર્દીમાં પણ ‘આસમાન છૂના હૈ’ની હતી. જોકે તેની સાથે તેની એ ઇચ્છા પણ ધરાશાયી થઈ ગઈ હતી એમ તેના કાકા ફિરોઝ શેખે જણાવ્યું હતું.
ફિરોઝ શેખે કહ્યું હતું કે ‘ઇરફાને ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કરીને બે વર્ષ પહેલાં કૅબિન-ક્રૂ તરીકે વિસ્તારા ઍરલાઇન જૉઇન કરી હતી. એ પછી વિસ્તારા ઍર ઇન્ડિયામાં મર્જ થઈ જતાં તેને ઍર ઇન્ડિયાની ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો હતો. તે કારકિર્દીમાં પણ બહુ ઊંચે જવા માગતો હતો, તેનાં સપનાં ઊંચાં હતાં. ઇરફાન તેની ડ્યુટીનું ટાઇમટેબલ તેના પરિવારને જણાવતો હતો. એથી ફ્લાઇટ-ક્રૅશના સમાચાર આવતાં જ તેની મમ્મી ભાંગી પડી હતી, કારણ કે તેને ખબર હતી કે તેનો દીકરો એ જ ફ્લાઇટમાં હતો. ઇરફાનના પિતાની દુકાન છે, મમ્મી ગૃહિણી છે અને તેનો મોટો ભાઈ સૉફ્ટવેરની ફર્મમાં જૉબ કરે છે. પ્લેન ક્રૅશ થયાના સમાચાર મળ્યા બાદ એ ત્રણેય અમદાવાદ જવા નીકળી ગયાં હતાં.’