૧૫ વાર વીઝા રિજેક્ટ થયા પછી ૧૬મા પ્રયાસે મળ્યા, પણ દીકરા પાસે તો પહોંચી જ ન શક્યાં

16 June, 2025 06:56 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

છેલ્લે ૧૫ વર્ષ પહેલાં દીકરા પાસે લંડન ગયેલાં મંજુલા પટેલ ખુશખુશાલ હતાં, પણ નિયતિમાં કંઈક બીજું જ લખ્યું હતું

દીકરાને મળવાની જેમની આશા અધૂરી રહી ગઈ એ મંજુલા પટેલ.

તમારા વીઝા સતત રદ થતા હોય અને તમે દસેક વર્ષથી વિદેશ જવા પ્રયાસ કરી રહ્યા હો છતાં પણ વીઝા મળતા ન હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ નાસીપાસ થઈ જાય, પરંતુ મધ્ય ગુજરાતના બોરસદનાં મંજુલા પટેલે હિંમત હારી નહીં અને દીકરાને ત્યાં લંડન જવા માટે સતત વીઝા માટે અરજી કરતાં રહ્યાં. આખરે તેમને ૧૬મી ટ્રાયલમાં વીઝા મળ્યા અને બહુ જ ખુશખુશાલ થવા સાથે લંડન જવા ઉત્સુક હતાં, પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. દીકરાને વર્ષો પછી મળવાનાં સપનાંઓ આંખમાં આંજીને લંડન જવા નીકળેલાં મંજુલા પટેલ પ્લેન-ક્રૅશમાં ભસ્મીભૂત થઈ ગયાં અને દીકરા સાથે લંડનમાં રહેવાની આશા કાયમ માટે અધૂરી રહી ગઈ

પંદર વર્ષ પહેલાં મંજુલાબહેન એક વાર હસબન્ડ સાથે લંડન જઈ આવ્યાં હતાં, પરંતુ એ પછી દસેક વર્ષ પહેલાં તેમણે ફરીથી લંડન જવાની ઇચ્છાથી વીઝા માટે અપ્લાય કર્યું હતું. ત્યારથી તેમને વીઝા મળી નહોતા રહ્યા. દીકરો હજી જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ વખતે આવીને મળી ગયો હતો. 

અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનાની કરુણાંતિકામાં ભોગ બનનાર બોરસદનાં મંજુલા પટેલ પણ એક હતાં. આ માતા તેમના દીકરાને મળવા એવી તો ઉત્સાહી હતી કે જેવા વીઝા મળ્યા એની સાથે જ દીકરાને ફોન કરીને કહી દીધું કે બેટા, મારી ટિકિટ કઢાવી દે, વીઝા મળી ગયા છે, હું લંડન આવું છું. લંડન જતાં પહેલાં ગામમાં આવેલા મંદિરમાં હવન પણ કરાવ્યો અને ફળિયામાં હસતા મોઢે ખુશી-ખુશીથી બધાને મળીને આવજો કહીને લંડન જવા નીકળેલાં મંજુલા પટેલ અમદાવાદની હદ પણ વટાવી શક્યાં નહીં અને જે પ્લેનમાં તેઓ લંડન જઈ રહ્યાં હતાં એ ઍરપોર્ટની ભાગોળે જ તૂટી પડતાં તેમને જીવ ખોવાનો વારો આવ્યો હતો.

રાસ ગામમાં મંજુલા પટેલના પાડોશમાં રહેતા ઉર્મિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંજુલા જગદીશ પટેલ ગામમાં અમારી સામે જ રહેતાં હતાં. તેમનો દીકરો લંડન રહે છે, જ્યારે તેમની બે દીકરીઓ આફ્રિકામાં રહે છે. તેમના પતિનું થોડાં વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને તેઓ રાસ ગામ અને બોરસદમાં એકલા રહેતાં હતાં. તેઓને લંડન જવા માટે વીઝા મળ્યા ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં કેમ કે આ પહેલાં ૧૫ વખત તેમને વીઝા મળ્યા નહોતા અને છેલ્લાં દસેક વર્ષથી દીકરાને ત્યાં લંડન જવા પ્રયત્ન કરતાં હતાં. જોકે તેમને વીઝા મળતાં તેમના દીકરા નિકુંજને ફોન કરીને કહ્યું હતું કે મને વીઝા મળી ગયા છે તો મારી ટિકિટ બુક કરાવી દે. તેઓ ૧૫ વર્ષ પહેલાં તેમના પતિ સાથે દીકરાને ત્યાં ગયાં હતાં અને આટલાં વર્ષો બાદ તેઓ લંડન જઈ રહ્યાં હતાં એટલે બહુ જ ખુશ હતાં. લંડન જતાં પહેલાં આગલા દિવસે ગામના મંદિરમાં હવન કરાવ્યો હતો. ગામમાં બધાને મળ્યાં હતાં અને મને વીઝા મળી ગયા છે એમ કહીને ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘ગામવાસીઓએ તેમને ભાવભરી વિદાય આપી હતી અને હસતાં-હસતાં તેઓ દીકરાને ત્યાં લંડન જવા ગામમાંથી રવાના થયાં હતાં, પણ વિમાન-દુર્ઘટનામાં તેમના સમાચાર સાંભળીને ગામમાં શોક ફેલાઈ ગયો અને લોકો ગમગીન બની ગયા હતા. તેમના દીકરા નિકુંજને આ ઘટનાની જાણ કરાઈ હતી અને તે ગઈ કાલે ભારત આવ્યો છે.’

gujarat news ahmedabad plane crash plane crash ahmedabad london gujarati community news