વલસાડની કૉલેજમાં એબીવીપીની ફ્રેશર્સ પાર્ટીમાં કોરોનાના નિયમોના ધજાગરા ઊડ્યા

31 December, 2021 09:59 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા, સોશ્યલ મીડિયામાં વિડિયો-ક્લિપ્સ વાઇરલ

વલસાડમાં ગઈ કાલે કૉલેજિયનો કૅમ્પસમાં ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે એવા સંજોગો વચ્ચે ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરની કૉલેજમાં એબીવીપી દ્વારા ફ્રેશર્સ પાર્ટી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કૉલેજિયન યુવક-યુવતીઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યાં હોવાની વિડિયો ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વલસાડમાં આવેલી આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ કૉલેજના સ્ટુડન્ટ્સ માટે એબીવીપી દ્વારા કૉલેજમાં શું ધ્યાનમાં રાખવું, કૉલેજ પછી શું કરવું એ સહિતના મુદ્દે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની વિડિયો-ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી, જેમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઊડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તો માસ્ક પણ નહોતા પહેર્યા. આટલું ઓછું હોય એમ હૉલમાં આયોજિત કાર્યક્રમ બાદ કૉલેજિયનો કૅમ્પસમાં ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. ગરબામાં મોટી સંખ્યામાં ભીડ હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહમાં નિયમોનું ભાન ભૂલ્યા હતા અને નિયમોને નેવે મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. ગરબા સહિતના કાર્યક્રમોની વિડિયો-ક્લિપ વાઇરલ થતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એક તરફ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ગુજરાત સરકાર કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવી રહી છે ત્યારે બીજી તરફ વલસાડની કૉલેજમાં કોરોના નિયમોનો ભંગ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના ૫૭૩ કેસ નોંધાયા હતા. ૨૫ ડિસેમ્બરથી ગઈ કાલ સુધી એટલે કે છેલ્લા ૬ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૨૦૭૫ કેસ નોંધાયા છે. 

573
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ નોંધાયા.

gujarat gujarat news coronavirus covid19 Omicron Variant shailesh nayak