પારસધામ ગિરનારના આંગણે યોજાશે અનોખો અનુકંપા ઉત્સવ

03 October, 2025 08:37 AM IST  |  Girnar | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી નિ:શુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિર યોજાશે ૪-૫ ઑક્ટોબરે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારના કૅન્સરગ્રસ્ત, વિવિધ રોગગ્રસ્ત, ઘાયલ, વેદનાથી કણસતાં ગાય, ભેંસ, ઘોડા, ડૉગી જેવાં સેંકડો પ્રાણીઓની નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા શસ્ત્રક્રિયા કરીને શાતા પમાડવાનો એક પારમાર્થિક પ્રયાસ

૧૧૨  નિષ્ણાત ડૉક્ટર્સ ઉપસ્થિત રહેશે

૯૫થી વધુ પશુઓની ગંભીર બીમારીની થશે નિઃશુલ્ક સર્જરી

એક નાનકડો કાંટો પણ પગમાં ખૂંચી જાય તો આંખમાંથી આંસુ સારીને, શબ્દોથી વ્યક્ત કરીને કે અન્ય કોઈ પણ પ્રકારે પોતાની વેદના અને પીડાની સહજતાથી અભિવ્યક્તિ કરીને સારવાર પામી લેતા કરોડો મનુષ્યની વચ્ચે રહેતા વેદનાગ્રસ્ત, ઘાયલ અને પીડાથી કણસતાં અબોલ પશુ-પંખીઓની વેદનાને કોણ સમજે? કોણ સાંભળે? કોની પાસે જઈને પોતાના દુઃખની અભિવ્યક્તિ કરે?

અબોલ જીવોના આ નિ:શબ્દ બોલને સાંભળી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પારસધામ-ગિરનારના ઉપક્રમે પશુપાલન શાખા - ગુજરાત સરકારના સહયોગથી જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઘાયલ, બીમાર એવા સેંકડો જીવો માટેની નિ:શુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિરનું પારમાર્થિક આયોજન ચોથી અને પાંચમી ઑક્ટોબર એમ બે દિવસ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી આવી જ નિ:શુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિર ૮ મહિના અગાઉ પણ મહારાષ્ટ્ર સ્થિત પરમધામ સાધના સંકુલ ખાતે યોજાઈ હતી. એ અંતર્ગત પશુ સંવર્ધન વિભાગના નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ દ્વારા કૅન્સરગ્રસ્ત શિંગડાથી પીડાતી ગાયો, પૂંછડીના કૅન્સરથી પીડાતી ગાયો, હરણિયા, હાડકાનાં દર્દ, સ્કિન કૅન્સર, આંખનાં કૅન્સર, શરીરના અવયવોની ગાંઠ જેવા અનેક પ્રકારના દર્દથી પીડાતાં બિલાડી, ઘોડા, ડૉગી અને ભેંસ જેવાં અનેક પ્રાણીઓની ન માત્ર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, પણ એની સાથોસાથ જરૂરિયાતમંદ રોગગ્રસ્ત પ્રાણીઓ માટે કૅલ્શિયમયુક્ત મીઠાનું મિશ્રણ, ઘાસચારાની વ્યવસ્થા તેમ જ શસ્ત્રક્રિયા પછીની જરૂરી સારવાર માટે એમને રહેવા માટેની સુયોગ્ય વ્યવસ્થા કરીને એમને શાતા પમાડવામાં આવી હતી.

અબોલ જીવોની વેદનાને શાતાની વાચા આપતી આવી જ નિ:શુલ્ક શસ્ત્રક્રિયા શિબિર હવે જૂનાગઢ - ગિરનારમાં યોજાઈ રહી છે ત્યારે આસપાસના વિસ્તારમાંથી બીમાર પ્રાણીઓને લાવવાની, મોટાં-મોટાં એક્સ-રે મશીન દ્વારા એમના રોગોનું ડાઇગ્નોસિસ કરીને એમને  નિષ્ણાત ડૉક્ટર દ્વારા શસ્ત્રક્રિયા કરવાની અને એમને માટે સુયોગ્ય મેડિસિનની, એમના આહાર-પાણીની, ઑપરેશન બાદની જરૂરી સારવાર અને સાર-સંભાળની, ઑપરેશન પછી એમને જરીકેય ઈજા ન પહોંચે એ રીતે હાઇડ્રોલિક ટ્રોલી દ્વારા એમના સ્થાન સુધી પહોંચાડવાની તેમ જ એમની સાથે આવેલા પશુપાલકો માટેની રહેવા-જમવાની આદિ દરેક પ્રકારની વ્યવસ્થા આ શિબિર અંતર્ગત કરવામાં આવી છે.

કહેવાય છે કે યુગો-યુગો પહેલાં જૈનોના બાવીસમા તીર્થંકર પ્રભુ નેમનાથ ભગવાને મૃત્યુના મુખમાં જઈ રહેલાં હજારો અબોલ પ્રાણીઓનો વેદનાભર્યો ચિત્કાર સાંભળીને એમના પર કરુણા કરી. જે ભૂમિ પર એમને અભયદાન આપ્યું હતું એ જ ગિરનારની ધન્ય ભૂમિ પર એમના જ નામના ‘પ્રભુ નેમ દરબાર’માં પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી સેંકડો અબોલ જીવોને શાતા પમાડનારી આ અનોખી શસ્ત્રક્રિયા શિબિર યોજાઈ રહી છે ત્યારે આ શિબિરમાં પોતાના શક્તિ-સામર્થ્ય-સેવાનું યોગદાન આપી જીવદયાના આ કાર્યમાં સહભાગી બનવા પારસધામ ગિરનાર તરફથી સૌ જીવદયાપ્રેમી ભાવિકોને અનુરોધ કરવામાં આવે છે.

નિ:શુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું સઘળું આયોજન પ્રભુ નેમ દરબાર, રૂપાયતન રોડ, મીનરાજ સ્કૂલની સામે, ગિરનાર દર્શનની બાજુમાં, ભવનાથ, ગિરનાર, જૂનાગઢ, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.

gujarat news girnar jain community culture news gujarat kutchi community gujarati community news namramuni maharajsaheb