આગામી 3 દિવસમાં ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

15 July, 2019 04:28 PM IST  |  અમદાવાદ

આગામી 3 દિવસમાં ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતને છોડીને બાકીના જિલ્લાઓ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, પરંતુ મેઘમહેર નથી થઈ રહી. ભરચોમાસે પણ રાજ્યમાં ઉનાળા જેવો માહોલ છે. ઉપરથી આભ વરસતું નથી અને નીચે ધરતી તપી રહી છે. વચ્ચે લોકો શેકાઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદ આ વખતે ખૂબ જ ખેંચાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અનરાધાર વરસ્યો તો બાકીના વિસ્તારો સાવ કોરાધાકોર રહી ગયા છે.

ત્યારે લાંબા સમયે હવે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસમાં હળવો વરસાદ ખાબકી શકે છે. આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા દિવસે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છ સહિત દીવ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચોઃ જ્યારે વર્લ્ડ કપ માટે સજ્જ થયા ભગવાન સ્વામિનારાયણ, જુઓ મનમોહક તસવીરો

બીજા દિવસે પણ દમણ, દાદરા નગર હવેલી, સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, કચ્છ, દીવ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દીવનસહિત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarat ahmedabad news