ગુજરાત વિદ્યાપીઠની યોજના વિદ્યાર્થીઓને આપે છે 'સ્વાભિમાન'થી જીવવાની તક

25 June, 2019 04:20 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

ગુજરાત વિદ્યાપીઠની યોજના વિદ્યાર્થીઓને આપે છે 'સ્વાભિમાન'થી જીવવાની તક

અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલું ગુજરાત વિદ્યાપીઠ ગાંધી વિચારોને કારણે જાણીતું છે. ગુજરાત વિદ્યાપીઠની ખાસ વાત એ છે કે આ યુનિવર્સિટીની સ્થાપના ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 1920માં કરી હતી. ત્યારથી આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા પરિસરમાં ગાંધી મૂલ્યોને જાળવી રખાયા છે. એટલે સુધી કે આજે પણ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી વિચાર આધારિત પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. ખાનગી યુનિવર્સિટીઓના કલ્ચરથી દૂર અહીં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ કે પીએચડીના અભ્યાસમાં પણ ખાદીનો યુનિફોર્મ પહેરે છે, એટલું જ નહીં કેમ્પસમાં મોટા ભાગનું કામ વિદ્યાર્થીઓ જાતે કરે છે.

સ્વાભિમાન યોજના

સાથે જ આ સંસ્થામાં અભ્યાસ ગુરુકુળ પદ્ધતિથી કરાવવામાં આવે છે. એટલે અહીંના કોર્સમાં એડમિશન મેળવ્યા બાદ અહીંની હોસ્ટેલમાં રહેવું જરૂરી છે. હવે આ જ ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાર્થીઓને સ્વાભિમાનથી જીવવાની તક આપી રહ્યું છે. વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે આવતા જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી ન હોય તો તેઓ રજા દરમિયાન કેમ્પસમાં રહીને જ આવક રહી શકે છે. આ માટે ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ દ્વારા ખાસ સ્વાભિમાન યોજના શરૂ કરવામાં આવી છે.

વેકેશનમાં મળે છે રોજગારી

મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક કમલેશભાઈ પટેલનું કહેવું છે કે,'સ્વાભિમાન યોજનાથી વિદ્યાર્થીઓ આગામી વર્ષના ફીના પૈસા મેળવી શકે છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રતિ કલાક 40 રૂપિયા લેખે વળતર આપવામાં આવે છે, અને દિવસનું 8 કલાક કામ સોંપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને જરૂર હોય તેઓ રજામાં કે પછી વેકેશનમાં કેમ્પસમાં રહીને આ યોજનાનો ભાગ બની શકે છે.' આ યોજના વિશે વધુ વાત કરતા કમલેશભાઈ કહે છે કે,'આ યોજનામાં કામ કરવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ નામ નોંધાવવાના હોય છે. બાદમાં તેઓ ગૃહપતિ કે ગૃહમાતાને સાથે રાખીને કામ કરી શકે છે.'

આ પણ વાંચોઃ કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ કચ્છી લોહાણા જ્ઞાતિ

વિદ્યાર્થીઓ કરી શકે છે જુદા જુદા કામ

આ યોજનામાં વિદ્યાર્થીઓને જુદા જુદા કામ સોંપવામાં આવે છે. કમલેશભાઈ પટેલના કહેવા મુજબ ચોમાસું આવતું હોય તો ખંભાતી કૂવાની સાફસફાઈ, ધાબામાં પાણી ભરાઈ જતા હોય તો તેની સફાઈ કે પછી વરસાદ પહેલા વાવણી માટે છોડ તૈયાર કરવા જેવા કામ સોંપાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મદદ કરવા જેવા કામ માટે પણ મોકલવામાં આવે છે. આ યોજના ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જરૂર હોય તેઓ વેકેશન દરમિયાન હોસ્ટેલમાં જ રહીને કામ કરે છે. વચ્ચે એકાદ સપ્તાહ માટે ઘરે જઈ આવે છે. આ સ્વાભિમાન યોજનાથી વિદ્યાર્થીઓને પણ ખાસ્સી મદદ મળી રહે છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પણ તેનાથી ખુશ છે.

gujarat news ahmedabad