ભરૂચની ૧૦૦ વિધવા બહેનોએ રાખડી બનાવીને વડા પ્રધાન મોદીને અર્પણ કરી

13 May, 2022 08:52 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ભરૂચમાં ઉત્કર્ષ સમારોહમાં નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી 

દક્ષિણ ગુજરાતના ભરૂચ પાસે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તેમ જ વર્ચ્યુઅલી સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

દક્ષિણ ગુજરાતના ભરૂચ પાસે ગઈ કાલે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારની ગરીબલક્ષી જનહિત યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લઈ પંથ કે વર્ગના ભેદભાવ વિના સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે ગરીબ કલ્યાણની તમામ યોજનાઓથી કોઈ લાભાર્થી વંચિત ન રહે એવા દૃઢ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે ત્યારે ગઈ કાલે આવી યોજનાઓના ૧૩ હજાર લાભાર્થીઓને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગરીબને સરકારી યોજનાનો લાભ મળવાથી તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. આ શક્તિ મળવાથી ગરીબ પોતે સમસ્યાનો સામનો કરવા મજબૂત બને છે. કોઈ પણ યોજનામાં સો ટકા લક્ષ્ય પ્રાપ્ત કરીએ એ માત્ર આંકડો નથી પરંતુ શાસન, પ્રશાસન ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે, સુખ-દુઃખનું સાથી છે એનું મોટું પ્રમાણ છે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ૧૦૦ જેટલી વિધવા બહેનોએ રાખડી બનાવીને નરેન્દ્ર મોદીને અર્પણ કરી હતી અને દેશમાં સુશાસન કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બીજેપી ગુજરાતના અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

gujarat gujarat news bharuch shailesh nayak narendra modi