સરકારના 100 ડેઝ

10 October, 2021 08:58 AM IST  |  Ahmedabad | Rashmin Shah

નવી બનેલી ગુજરાત સરકારને આટલા દિવસમાં ગવર્નમેન્ટની ઇમેજ ચેન્જ કરવાનો ટાર્ગેટ આપ્યો છે અને એને માટે આ ૧૦૦ દિવસ દરમ્યાન એક પણ મિનિસ્ટર કે તેની સાથે જોડાયેલા ઑફિસરને રજા મળવાની નથી

ભુપેન્દ્ર પટેલ

ઑગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલી આશીર્વાદ યાત્રાને નબળો પ્રતિસાદ મળ્યા પછી બીજેપીની કોર કમિટીએ ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત આખા પ્રધાનમંડળને ચેન્જ કર્યું, પણ વાત ત્યાં પૂરી નથી થતી. બીજેપીની કોર કમિટીએ ગુજરાતમાં નિમાયેલી નવી સરકારને ૧૦૦ દિવસનો ટાર્ગેટ આપ્યો છે, જે ૧૦૦ દિવસમાં ગવર્નમેન્ટની જે ઇમેજ લોકો વચ્ચે ખરડાઈ છે એને ચેન્જ કરવાની છે. આ ૧૦૦ દિવસ દરમ્યાન કામ, કામ અને માત્ર કામ પર ફોકસ કરવામાં આવે એવી સૂચના મળ્યા પછી ગુજરાત સરકારે ૧૦૦ દિવસ સુધી એક પણ મિનિસ્ટરે રજા નહીં લેવાનો અને તેમની સાથે જોડાયેલા ઑફિસરને રજા નહીં આપવાનો નિર્ણય લીધો છે.

સરકારમાં કોઈ કામ થતાં નથી અને સરકારી કામોમાં માત્ર વાયદા થાય છે એવી સતત ફરિયાદ રૂપાણી સરકાર વિરુદ્ધ શરૂ થઈ હતી. આ ફરિયાદ ઉપરાંત એવી ફરિયાદ પણ થઈ હતી કે ગુજરાત સરકાર કોવિડની સેકન્ડ વેવ સમયે બિલકુલ નિષ્ફળ ગઈ અને એ બાબતમાં કોઈ જાતનો અફસોસ દેખાડવાનું કામ પણ કહેવાતી સંવેદનશીલ સરકાર કે તેમના પ્રતિનિધિઓ દ્વારા થયું નહીં. નવી સરકાર સામે માત્ર કામનું જ નહીં, પણ લાગણી જીતવાની જવાબદારી પણ આવી છે, જેને લીધે ભૂપેન્દ્ર પટેલની સરકારે પોતાના ૧૦૦ દિવસનું શેડ્યુલ બે ભાગમાં બનાવ્યું છે.

આ ૧૦૦ દિવસમાંથી ૬૦ દિવસ સરકારી કામકાજ માટે અને ૪૦ દિવસ લોકોની વચ્ચે રહેવામાં સરકાર પસાર કરશે. ૧૦૦ દિવસ પછીનાં જે લેખાંજોખાં છે એ લેખાંજોખાં બીજેપીની કોર કમિટી જોશે અને એ જોયા પછી જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે. એવું પણ બની શકે કે જે મિનિસ્ટર કામ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમની પાસેથી જવાબદારી પાછી લઈ લેવામાં આવે, પણ એવું બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે જેની આડઅસર વિધાનસભાના આવતા વર્ષના ઇલેક્શન પર પડે.

બીજેપીનો દાવો છે કે એ વિધાનસભા ઇલેક્શનમાં ૧૫૦ બેઠક મેળવશે, પણ હકીકત એ છે કે એ ૧૨૫ બેઠકના વિજયને પણ પોતાની મોટી જીત માનશે, કારણ કે વચ્ચે તેમણે કોવિડમાં નિષ્ફળ નીવડેલી સરકારની નિષ્ફળતા ધોવાનું કામ પણ કર્યું ગણાશે.

gujarat gujarat news gujarat cm bhupendra patel