લાઇફ સ્કિલ શીખવા આ ફૅમિલી ગામડાંઓ ખૂંદવા નીકળી પડે છે

08 September, 2022 12:22 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સતત પ્રવાસમાં રહેતા આ પરિવારના સભ્યો અનસ્કૂલિંગ જર્નીમાં શું શીખ્યા એ જોઈ લો

મિતલ અને રુશિલ અને પરાગ

ચટાઈ પાથરીને સૂઈ જવું, જંગલી પ્રાણીઓ સાથે દોસ્તી કરવી ને લૅબોરેટરીમાં આવતી રસાયણોની ગંધ વચ્ચે રાતવાસો કરવો એ જ સાચો અભ્યાસક્રમ છે એવું માનનારાં બોરીવલીનાં મિતલ અને પરાગ સાલિયાએ દીકરાની સ્કૂલ છોડાવી ભારતભરનો પ્રવાસ શરૂ કરી દીધો. સતત પ્રવાસમાં રહેતા આ પરિવારના સભ્યો અનસ્કૂલિંગ જર્નીમાં શું શીખ્યા એ જોઈ લો

સ્કૂલ ગોઇંગ સંતાનને તમે વૈજ્ઞાનિકની લૅબોરેટરીમાં રાતવાસો કરવા મોકલ્યો છે? જંગલી પ્રાણીઓ વચ્ચે એકલો છોડી દીધો છે? દીકરો ખોવાઈ ગયો છે એવી જાણ થયા બાદ શાંતિથી સૂઈ જાઓ? અરે, પાણીનો લોટો લઈને તે ખેતરમાં શૌચક્રિયા માટે જાય એવું તમે ઇચ્છો? મુંબઈ જેવા શહેરમાં રહેતા એજ્યુકેટેડ પેરન્ટ્સને આવા વિચિત્ર સવાલો પૂછવામાં આવે તો હાસ્યાસ્પદ લાગે. જોકે દુનિયામાં ગણ્યાંગાંઠ્યાં માતા-પિતા છે જેઓ પોતાના સંતાનને જીવનના પાઠ શીખવવા પ્રયોગો કરતાં અચકાતાં નથી. બોરીવલીમાં રહેતાં મિતલ અને પરાગ સાલિયા એમાંનાં એક છે. દીકરા રુશિલને રિયલ લાઇફ સ્કિલથી પરિચિત કરાવવા તેમણે તેની સ્કૂલ છોડાવી ભારતભરનો પ્રવાસ શરૂ કરી દીધો અને થયું એવું કે દીકરાની સાથે તેઓ પણ એ બધું ભણ્યા જે નાનપણમાં સ્કૂલમાં શીખવવામાં નહોતું આવ્યું. આજની ટ્રાવેલ સ્ટોરીમાં સાલિયા ફૅમિલી વાત કરે છે અનસ્કૂલિંગ જર્નીની.

ટફ ડિસિઝન

આપણી એજ્યુકેશન સિસ્ટમ ટોટલી સિલેબલ આધારિત છે જે પ્રૅક્ટિકલ લાઇફમાં ખાસ કામમાં આવતી નથી. સ્કૂલ ટીચર્સને ટ્રેઇનિંગ આપી ચૂકેલાં એજ્યુકેટર મિતલ સાલિયા કહે છે, ‘શિક્ષણ જગત સાથે નજીકનો નાતો રહ્યો હોવાથી એમાં રહેલી ત્રુટિઓ દેખાતી હતી. રુશિલને અમે માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવા નહોતાં માગતાં. તેને રસોઈ બનાવતાં અને કૂવામાંથી પાણી ભરતાં આવડવું જોઈએ. લક્ઝરી હોટેલમાં રહેવું એ જ જીવન નથી. ખેતરમાં કામ કરીને પસીનો પણ પાડવો જોઈએ. સર્વાઇવલ સ્કિલ શું છે એ અનુભવથી શીખવા મળે, સિલેબસમાં ન હોય. અગાઉના સમયમાં ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે વિવિધ પ્રકારની સ્કિલ શીખતા હતા એ પરંપરાનું આકર્ષણ હોવાથી અનસ્કૂલિંગ (ઘણા એને હોમ સ્કૂલિંગ પણ કહે છે) કમ્યુનિટી વિશે રિસર્ચ કર્યું. આઠમા ધોરણમાં અભ્યાસ કરતા રુશિલની સ્કૂલ છોડાવવાનો ડિસિઝન ટફ હતો. અમારી આસપાસના લોકોમાં હજારો પ્રશ્નો અને શંકાઓ હતી કે આ શું કરી રહ્યાં છો? જોકે અમે પ્રાચીન શિક્ષણપદ્ધતિને અનુસરવાના નિર્ણયમાં મક્કમ હતાં. ૨૦૧૫થી અમારી અનસ્કૂલિંગ ટ્રાવેલિંગની શરૂઆત થઈ.’

કમ્યુનિટી કૉન્ટૅક્ટ

રિયલ લાઇફ સ્કિલ શીખવા ભારતનાં ગામડાંઓથી બહેતર સ્થળ હોઈ જ ન શકે. અમે તેમના ઘરમાં રહીને અનુભવ લેવા માગતા હોવાથી સોશ્યલ મીડિયા પર હોમ સ્કૂલિંગ કમ્યુનિટીના સભ્યો સાથે કૉન્ટૅક્ટ વધાર્યો એવી માહિતી આપતાં મિતલ કહે છે, ‘સામાન્ય રીતે અમારો પ્રવાસ એક વીકનો હોય. ચાર દિવસ સ્થાનિક રહેવાસીના ઘરમાં રહીને તેમની રહેણીકરણી, વ્યવસાય અને કલ્ચરનો અભ્યાસ કરીએ. બાકીના દિવસોમાં આજુબાજુની ઓછી જાણીતી જગ્યાઓ શોધીને ભોમિયાની જેમ રખડપટ્ટી કરવાની. કોઈ પણ સ્થળે જતાં પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીએ. ફૉલોઅર્સની સંખ્યા ઘણી હોવાથી અમારા ઘરે રહેજો એવો રિસ્પૉન્સ લગભગ મળી જાય. અમે ક્યારેય હોટેલ બુક કરતાં નથી. કમ્યુનિટી મેમ્બર ન મળે તો હોમ સ્ટે શોધી લઈએ. કલ્ચર એક્સચેન્જ સૌથી શ્રેષ્ઠ અભ્યાસક્રમ છે. તેમની જીવનશૈલીમાંથી સિચુએશન સાથે કઈ રીતે ટૅકલ કરવું, ક્યાં શું લૉજિક લગાડવું, ઑન્ટ્રપ્રનરશિપ કોને કહેવાય એ બધાનું પ્રૅક્ટિકલ નૉલેજ મળે. સ્કૂલના સિલેબસમાં જે નથી એ બધું શીખવાની શરૂઆત થતાં અમારો ટ્રાવેલિંગનો પર્પઝ ફુલફિલ થતો દેખાવા લાગ્યો. વાસ્તવમાં રુશિલની સાથે અમારો સ્ટડી પણ શરૂ થયો. ક્યારેક ત્રણેય સાથે જઈએ, કોઈક વાર હું અને રુશિલ, ક્યારેક રુશિલ તેના પપ્પા સાથે જાય તો કોઈક વાર તેને એકલો મોકલીએ.’

અજબગજબ પાઠ્યક્રમ 

પ્રવાસ દરમિયાન શીખેલા પાઠ વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, ‘અમારા પ્રવાસમાં ખેતીવાડી, વિજ્ઞાન, વાઇલ્ડલાઇફ, હિસ્ટરી બધું પ્રૅક્ટિકલ નૉલેજના રૂપમાં સામેલ છે. એક વાર હું અને રુશિલ બૅન્ગલોર ગયાં હતાં. થોડા દિવસ સાથે એક્સપ્લોર કર્યા બાદ તેને બે મહિના માટે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ પાસે મૂકી દીધો. ત્યાંથી આવ્યા બાદ જંગલી પ્રાણીઓ સાથે દોસ્તી કરતાં શીખી ગયો. ૧૪ વર્ષની એજમાં બસ, ટ્રેન અને ફ્લાઇટમાં એકલો પ્રવાસ કરવા લાગ્યો. કોઇમ્બતુરમાં ઑર્ગેનિક ફાર્મિંગ શીખવા ત્રણ દિવસ ખેડૂતના ઘરે રોકાયા હતા. તેમના ઘરમાં જરૂરિયાત પૂરતી સુવિધા માંડ હતી. ચટાઈ પર સૂવાનું, સવારે લોટો લઈને ખેતરમાં શૌચક્રિયા માટે જવાનું અને કૂવામાંથી પાણી ખેંચીને નહાવાનું. તેમની પાસેથી સર્વાઇવલ સ્કિલ શીખ્યા. સાયન્સનું નૉલેજ મેળવવા સાયન્ટિસ્ટની લૅબોરેટરીમાં પણ રાતવાસો કર્યો છે. લદાખમાં એક પરિવાર સાથે રહેવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો.’

પ્રવાસ વિશે વધુ જાણકારી આપતાં પરાગભાઈ કહે છે, ‘જુદી-જુદી રીતે લગભગ આખા ભારતનો પ્રવાસ કર્યો છે. અમે ત્રણેય હંમેશાંથી પ્રકૃતિપ્રેમી રહ્યાં છીએ અને હવે પ્રાણીઓ સાથે પણ સારોએવો સમય વિતાવીએ છીએ. કેટલાક પ્રવાસ ઍડ્વેન્ચર સ્કિલ શીખવા માટે કર્યા છે. સ્કૂબા ડાઇવિંગનો કોર્સ કરવા લક્ષદ્વીપનો પ્રવાસ કર્યો હતો. રાજસ્થાનના સરદારશહરમાં અનસ્કૂલર્સ સાથે ખાસ્સો સમય ગાળ્યો છે. તમે જેટલા નવા લોકોને મળો છો તેમની પાસેથી કમ સે કમ એક સ્કિલ જરૂર શીખો છો. હોમ સ્કૂલિંગમાં ઘરે રહીને ભણવાનું હોય, જ્યારે અમે લોકો પ્રવાસ કરીએ છીએ તેથી એને અનસ્કૂલિંગ જર્ની કહીશ. શરૂઆત કરી ત્યારથી જૂની શિક્ષણપદ્ધતિ તરફ વધુ ને વધુ આકર્ષિત થઈ રહ્યા છીએ. એવું પણ નથી કે ક્યારેય લક્ઝરી પ્રવાસ ન કરવો. સિંગાપોર, મલેશિયા, દુબઈના પ્રવાસમાં પણ ઘણું શીખ્યાં છીએ.’

અનેક અવરોધો સાથે સાલિયા ફૅમિલીએ અનસ્કૂલિંગ ટ્રાવેલ ચાલુ રાખ્યું છે. જોકે ભવિષ્યમાં રુશિલને વિદેશ મોકલવા માટે કાયદેસરની પેપરની ડિગ્રીની જરૂર પડશે એ વાસ્તવિકતાને સ્વીકારી ટેન્થ અને ટ્વેલ્થની પ્રાઇવેટ એક્ઝામ અપાવી છે. ગ્રૅજ્યુએશનની ડિગ્રી પણ એ રીતે મેળવશે.

આઉટ ઑફ કવરેજ 

એક અનુભવ‍ શૅર કરતાં રુશિલ કહે છે, ‘મૉન્સૂનમાં પશ્ચિમ ઘાટનાં જંગલો ખૂંદવા નીકળ્યો હતો. અમે બે મિત્રો બિસલે ઘાટ જંગલ વિસ્તારમાં નાઇટવૉક માટે નીકળ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે આ રસ્તો કૅમ્પ સાઇટની નજીક સમાપ્ત થશે. સાપ અને દેડકા જોતાં-જોતાં એવા સ્થાને પહોંચ્યા જ્યાં ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો. બાજુમાં ઝરણાનું પાણી વહેતું હતું. સામાન્ય રીતે પ્રવાહની નજીકમાં કેડી કે રસ્તો હોય છે તેથી અમે પાણીમાં ચાલવા લાગ્યા. થોડા આગળ ગયા ત્યાં જોયું કે વાંસના ઢગલાથી પ્રવાહ પણ અવરોધિત છે. અમને અહેસાસ થયો કે ટૉર્ચ અને નેટવર્ક વિનાના ફોન સાથે ગાઢ જંગલમાં ખોવાઈ ગયા છીએ. વિઝિબિલિટી રેન્જ એટલી ઓછી કે ૧૦ ફીટ દૂરનો રસ્તો દેખાતો નહોતો. દુનિયાથી વિખૂટા પડી જતાં ક્ષણ‍વાર માટે ભયભીત થઈ ગયા. લગભગ ચારેક રૂટ અજમાવ્યા પછી પ્રકાશ દેખાતાં મદદ માટે બૂમો પાડી. આ અનુભવથી ઇમર્જન્સી સિચુએશનને કઈ રીતે ટૅકલ કરવી એ શીખવા મળ્યું. કુદરતની સામે આપણે કંઈ નથી એ બોધપાઠ પણ મળ્યો.’

રુશિલ આઉટ ઑફ કવરેજ એરિયામાં છે એવી માહિતી મળી પણ ભય નહોતો લાગ્યો એવી વાત કરતાં મિતલ કહે છે, ‘તેનો ફોન લાગતો નહોતો. 

સંપર્ક તૂટી ગયો હોવા છતાં શાંતિ રાખી, કારણ કે અમે બન્નેએ હંમેશાંથી અંદરથી આવતા અજ્ઞાત અવાજને ફૉલો કર્યો છે. કોઈ અદૃશ્ય શક્તિ સંકેત આપે છે કે બધું સામાન્ય થઈ જશે, રુશિલ સુર​ક્ષિત છે. અને ખરેખર આ વિશ્વાસના લીધે જ હજી સુધી ક્યારેય અસલામતી અનુભવી નથી.’

આ સ્થળોનો પ્રવાસ કર્યો

ફૅમિલી સાથે : દ​ક્ષિણ અને મધ્ય પૂર્વીય હિમાચલ પ્રદેશ, લદાખ, ઉદયપુર, ઇન્દોર, બૅન્ગલોર, મૈસૂર, કુન્નૂર, કુર્ગ, મસિનાગુડી, હમ્પી, કોઇમ્બતુર, રાજસ્થાન, સિંગાપોર, મલેશિયા
મિતલ અને રુશિલ : પૉન્ડિચેરી
પરાગ અને રુશિલ : લક્ષદ્વીપ, ધોળાવીરા કચ્છ, શ્રીનગર
રુશિલ : કચ્છ-ગુજરાત બૅકપૅકિંગ ટ્રિપ, ગોવા (સરીસૃપ શિબિર), આંદામાન-નિકોબાર, બિસ્લે ઘાટ, સકલેશપુર, અગુમ્બે મૉન્સૂન ફૉરેસ્ટ, આંબોલી જંગલ, જામનગર-હિંગોળગઢ, મહારાષ્ટ્રમાં વૉટરફૉલ રૅપલિંગ, હાઇક અને ટેક્નિકલ ટ્રેક્સ

columnists Varsha Chitaliya travelogue travel news life and style