હવે ચાલો દરિયો છોડીને મધ્ય ન્યુ ઝીલૅન્ડની સફરે

25 February, 2024 11:26 AM IST  |  Washington | Manish Shah

ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટનથી નૉર્થ આઇલૅન્ડના મધ્યમાં આવેલા રોટોરુઆ સુધીની સાડાચારસો કિલોમીટરની સફરમાં અજાયબીઓ, વચ્ચે આવેલાં રમણીય ગામો અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ અદ‍્ભુત અને ઐતિહાસિક સેન્ટ પૉલ ચર્ચની મુલાકાત કરીને સફરની વાતો કરીએ

બુલ્સ ગામનું પોલીસ સ્ટેશન -પૂર્ણ નિરાંત.

નૉર્થ આઇલૅન્ડ, સાઉથની સરખામણીએ હજી હૂંફાળો કહેવાય. વેલિંગ્ટન તો આમ પણ ગીચ છે એટલે હૂંફાળું જ રહેવાનું. ક્યુબા સ્ટ્રીટમાં રખડીને, શૉપિંગ કરીને, બકેટ ફાઉન્ટનની વાંછટમાં પલળીને કોપથૉર્ન પહોંચ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. ડિનર આજે પણ બહાર પતાવ્યું. વેલિંગ્ટન પ્રમાણમાં ઘણું નાનું લાગ્યું. અમારી યાદીમાં એકાદ-બે આકર્ષણો જ બાકી હતાં એ કાલે થોડાં વહેલાં પતાવીને પછી આગળ નીકળી જઈશું એમ રાતે નક્કી કર્યું હતું. આવતી કાલનો દિવસ થોડો લાંબો બની રહેવાનો હતો એમ લાગી રહ્યું હતું. આગલો પડાવ હતો લગભગ સાડાચારસો કિલોમીટરના અંતરે આવેલું રોટોરુઆ. રોટોરુઆ નૉર્થ આઇલૅન્ડની એકદમ મધ્યમાં આવેલું છે. એને અહીંના મૂળભૂત નિવાસી માઓરીઓનો પ્રદેશ કહી શકાય. રોટોરુઆ અને એની આજુબાજુનો વિસ્તાર કુદરતી અજાયબીઓનો પ્રદેશ છે એમ કહી શકાય. રાતે નકશો ખોલ્યો.

સેન્ટ પૉલ્સ ચર્ચ - ગોથિક આર્કિટેક્ચર અને લાકડાની કમાલ.

ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરીને અહીંનાં તમામ આકર્ષણોની યાદી બનાવી નાખી, પરંતુ ઇન્ટરનેટ પરના એક વિસ્તારપૂર્વકના લેખે મારી ઉત્સુકતા ઑર વધારી દીધી. આ લેખ વેલિંગ્ટનથી નીકળીને રોટોરુઆના રૂટ વિશે લખેલો હતો. સાડાચારસો કિલોમીટર લાંબા આ પટ્ટાનાં આકર્ષણોની વાત વિસ્તારપૂર્વક લખી હતી. કેમ કરી છોડાય? મનોમન ઘણું બધું નક્કી કર્યું. બીજી એક યાદી બનાવીને પછી જ હું પથારીમાં પડ્યો. ન્યુ ઝીલૅન્ડમાં આગળ લખ્યા મુજબ કોઈ ડર રાખવો જ નહીં; નહીં માણસોનો, નહીં કોઈ પ્રાણીઓનો. કોઈનો નહીં, કારણ કે માણસો તો ખૂબ સારા છે અને હિંસક પ્રાણીઓ અહીં છે જ નહીં. ટાપુ ખરાને, એ હિસાબે કાળક્રમે કદાચ હશે તો પણ હિંસક પ્રાણીઓ વિલુપ્ત થઈ ગયાં અને હવે કોઈ એવું પ્રાણી રહ્યું જ નથી જેનાથી આપણે ડરવું પડે. હા, ડર રાખવો તો ફક્ત કુદરતી આપદાઓનો, જે ક્યારે, કઈ ક્ષણે બદલાઈ જાય એની ખબર ન પડે. વિશાળ પૅસિફિક અર્ણવમાં, ન્યુ ઝીલૅન્ડ આખરે તો બે ટપકાં જને. દરિયો ક્યારે વીફરે, કાંઈ કળી જ ન શકાય. એ સિવાય ડરવું નહીં એ તો સમજાઈ ગયું હતું. આરામથી અડધી રાતે પણ હોટેલમાં પહોંચીએ તો જરાય વાંધો નહીં એ પાક્કું. સવારે વહેલાં ઊઠ્યાં અને નાસ્તો કરીને, બૅગ ભરીને નીકળી ગયાં.

પ્રકાશના શેરડામાં ચમકતી સુંદર ઈમારતો - બુલ્સ ગામ.

પહેલું આકર્ષણ હતું સેન્ટ પૉલ ચર્ચ. છેક ઈસવી સન ૧૮૬૬માં સંપૂર્ણપણે સ્થાનિક વૃક્ષોનાં લાકડાંમાંથી બનાવેલું આ ચર્ચ ખાસ છે. વેલિંગ્ટનના ઇતિહાસનું એક અણમોલ રત્ન છે આ ચર્ચ. આ ચર્ચની રચના કરી પાદરી શ્રીમાન ફ્રૅડરિક થેચરે, વ્યવસાયે આર્કિટેક્ટ પણ હતા તેમણે કરી હતી. લાકડાંના બનાવેલા આ ચર્ચની બાંધણી ગોથિક શૈલીમાં છે અને આ ગોથિક બાંધકામ જ આ ચર્ચને બીજાં બધાં પ્રાર્થનાસ્થળોથી અલગ પાડે છે. ઈસવી સન ૧૯૬૦માં બિસ્માર હાલતમાં કોહવાઈ રહેલા આ ચર્ચને લોકોએ પોતાને હસ્તક લઈ લીધું અને ઈસવી સન ૧૯૬૭માં આ ચર્ચ સજીવન થઈ ઊઠ્યું, ઇતિહાસ જીવંત. સંકલ્પ અને સંગઠન-શક્તિનો અનોખો દાખલો. અમે વહેલાં હતાં, લગભગ સાડાઆઠે અને ચર્ચ બંધ હતું. ન જાણે કેમ, પરંતુ ચર્ચનાં પ્રથમ દર્શને જ મન મોહી લીધું. કાંઈક તો હતું જે આ ઇમારતને જોતાં જ મનને શાતા બક્ષતું હતું. એની બાંધણી, ચર્ચનો ક્રીમ રંગ કે પછી આજુબાજુ પથરાયેલી હરિયાળી, ખબર નહીં, પરંતુ જે પણ હતું ખૂબ સુંદર હતું. મનને શાંત કરી દે એવાં આ તત્ત્વને શું કહેવું? કદાચ જગ્યાનાં સ્પંદન, અહીં એક્ઠી થયેલી સદીઓની ઊર્જા!! જે પણ હોય, પરંતુ ખૂબ સારું લાગ્યું. શાંતિથી થોડો સમય વિતાવી અમે નીકળી ગયાં હજી જે બાકી હતું એ પણ એક ચર્ચ જ હતું, પરંતુ અમારા કોઈની ઇચ્છા નહોતી અને વળી રસ્તાનાં આકર્ષણોનું આકર્ષણ પણ ખરું જ. નીકળી ગયાં.

વેલિંગ્ટનથી વિદાય લીધી ત્યારે ઘડિયાળમાં સાડાનવ વાગી રહ્યા હતા. આકાશ સાફ હતું. વાદળાંઓ ખરાં, પણ કુમળો તડકો રસ્તાને ચમકાવી રહ્યો હતો. આ દેશમાં દરેક વખતે આવા લાંબા અંતરે જવું હોય ત્યારે રસ્તાની ગુણવત્તા જોઈને જ બધી શંકા શમી જાય. વેલિંગ્ટનથી નીકળ્યાં ત્યારથી રસ્તાની ડાબી બાજુએ અલગ-અલગ દરિયાકિનારાનાં ગામનાં નામ જ આવ્યા કરે. સતત દરિયાને સમાંતર જ અમે આગળ વધી રહ્યાં હતાં. દરિયાની અહીં કોઈને કાંઈ નવાઈ છે જ નહીં. જાણે માની ગોદમાં બાળક એવી જ રીતે દરિયાની ગોદમાં આ દેશ અને અમે જાણે માની આંગળી પકડીને નીકળી પડેલાં રખડુઓ. બારીના કાચ ઉતારી નાખ્યા. ચિત-પરિચિત દરિયાઈ હવા શ્વાસમાં ભરાઈ ગઈ હતી. મુંબઈ હોય કે ન્યુ ઝીલૅન્ડ, દરિયાઈ હવાની તાજગી તો એવી જ રહેવાનીને! મુંબઈ અમને જાણે ભેટીને નીકળી ગયું. દરિયા સાથેનું મુંબઈગરાનું ઋણાનુબંધ કેમ છૂટે? રસ્તા ખુલ્લા હતા, પરંતુ રસ્તાની શિસ્ત તો કેમ ચુકાય? આ ન્યુ ઝીલૅન્ડ છે. ૧૦૦ કિલોમીટરની ગતિથી વૅન આગળ વધી રહી હતી. બધાં વાતોએ વળગ્યાં હતાં. રસ્તો હવે જમણે ફંટાતો હતો. દરિયાથી અમે દૂર જઈ રહ્યાં હતાં. ૧૫૦ કિલોમીટર વટાવ્યાં અને યાદીનું પહેલું નામ હું બોલ્યો. પહેલો વિરામ બુલ્સ ગામ.

વાઈટેટોકો વૉટર ફ્રન્ટની વિશાળ જળરાશિ અને કાળા હંસલાની જોડી.

ગામમાં પ્રવેશતાં જ મોહક બાંધણી ધરાવતાં મકાનોએ મન મોહી લીધું. બળતણ પણ પુરાવવાનું હતું એટલે પેટ્રોલ પમ્પ દેખાયો એવો અંદર પ્રવેશી ગયો. સુંદર સવાર માણવા બધા જ નીચે ઊતર્યા. પમ્પનો સંચાલક એકદમ ભલો માણસ હતો. અમે પ્રવાસીઓ છીએ એ તે સમજી ગયો. અમને પેટ્રોલ પમ્પની પાછળના મેદાનમાં વૅન પાર્ક કરવાનું કહી ગામ જોઈ આવવાનું કહ્યું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી એમ પણ કહ્યું. વૅન પાર્ક કરીને અમે નીકળ્યાં. છોકરાંઓને ભૂખ લાગી હતી. સબવે દેખાયો. ચાલો અંદર. મને બહુ ભૂખ નહોતી એટલે હું થોડો અવઢવમાં બહાર ઊભો રહ્યો. ત્યાં તો એકદમ સામે નજર પડી. સુંદર નાનકડા મકાનની ઓસરીમાં દીવાલ પર લખેલા નામને જોઈને કુતૂહલ થયું. દિવાલ પર લખેલું હતું, ‘That little shop in Bulls.’ અરે વાહ! કોઈ નાનકડી દુકાન લાગી. ચાલો, જોઈએ તો ખરા. રસ્તો વટાવ્યો અને અંદર પ્રવેશ્યો. સરસ, સુઘડ સજાવટે મન આકર્ષી લીધું. હાથબનાવટની વસ્તુઓ, કપડાં, ચાદર અને એવું બધું. વસ્તુઓ ખરેખર એકદમ હટકે હતી. સફેદ અર્ધ-પારદર્શક સ્થાનિક પથ્થરનાં બનેલાં ફળોએ વિશેષ ધ્યાન ખેંચ્યું. દ્રાક્ષનું ઝૂમખું, સફરજન અને પેર! વાહ! ભાવ પણ એકદમ વાજબી. કદાચ આજનો હું પહેલો ગ્રાહક હોઈશ. કોઈ દુકાનમાં હાજર નહોતું. એક ઘંટડી પડી હતી. હવે સમજાયું કે ઘંટડી પર હાથ પછાડ્યો. એક રણકાર અને થોડી વાર પછી પગલાંનો અવાજ. મીઠું સ્મિત રેલાવતી એક યુવતી રૂમમાં પ્રવેશી. ચહેરા પરથી જ કોઈ કલાકાર છે એની ખબર પડી જાય. અહીં રાખેલાં કપડાં પણ સુંદર હતાં એટલે મેં ફોન કરીને બાળકોને બોલાવ્યાં. તેમને પણ દુકાન ખૂબ ગમી ગઈ હતી. થોડાં વસ્ત્રો પણ ખરીદ્યાં. પથ્થરનાં ફળો એ યુવતીના કહેવા પ્રમાણે અહીંની સ્થાનિક બનાવટ હતી અને બીજે ક્યાંય પણ મળશે નહીં એવું તેણે ખાતરીપૂર્વક કહ્યું. તે પોતે ફૅશન-ડિઝાઇનર હતી એવું તેણે જણાવ્યું અને પછી તેણે બે મકાન છોડીને બીજી એક દુકાનમાં જવાનું કહ્યું. એ દુકાન સૌંદર્ય પ્રસાધનોની હતી. હાથબનાવટનાં સાબુ, શૅમ્પૂ, ક્રીમ વગેરે, પરંતુ એ દુકાન ખૂબ મોંઘી હતી. ૫૦ ટકા ડિસ્કાઉન્ટનું પાટિયું મારેલું હતું, પરંતુ ડિસ્કાઉન્ટ પછી પણ વસ્તુ ઘણી મોંઘી લાગી. કાંઈ જ ન લીધું. ગુણવત્તા સારી હશે, પરંતુ એમ પૈસા ખર્ચી ન નખાય. બહાર નીકળ્યાં. થોડું ચાલ્યાં અને ગામનું પોલીસ-સ્ટેશન દેખાયું. નાનું, નાજુક, નમણું પોલીસ-સ્ટેશન. ખરેખર આ દેશમાં ગુનાનું પ્રમાણ નહીંવત્ છે એટલે આ મકાનને પણ નિરાંત હોય એવું લાગ્યું. હળવી શૈલીના એક ભીંતચિત્રે બધાના મોઢા પર સ્મિત રેલાવી દીધું. ચાલો આગળ વધીએ.

વાઇટેટોકો વૉટર ફ્રન્ટનું સૌંદર્ય.

પેટ્રોલ પમ્પની પાછળ ચોગાનમાં ગયાં અને વૅનમાં બેસવા ગયા ત્યાં તો મારી નજર પાછળના મકાનના પ્રાંગણમાં ઘાસ ચરી રહેલા એક ઘેટા પર પડી. આને ઘેટું કહેવું કે ઘોડો! કાંઈ સમજાયું નહીં. વાઘ-દીપડાને પણ ભારી પડે એવું તેનું કદ હતું. એ પણ ચરવાનું છોડીને અમારી તરફ જોઈ રહ્યું હતું. ફોટો લીધા અને વૅનમાં ગોઠવાઈને આગળ નીકળ્યાં. બુલ્સ ગામ ખરેખર સુંદરમજાનું રળિયામણું ગામ. લોકો પણ મળતાવડા, હસમુખા અને હૂંફાળા. મદદ કરવા હંમેશાં તત્પર. સંચાલકનો આભાર માનીને નીકળી ગયાં.

હવે દરિયો છૂટી ગયો અને મધ્ય ન્યુ ઝીલૅન્ડનો વિસ્તાર ચાલુ થઈ ગયો. થોડાં મોડાં હતાં, પરંતુ સુંદરમજાનાં દૃશ્યો નિહાળવામાંથી ફુરસદ જ નહોતી. અચાનક સોનેરી વૃક્ષોનો એક પટ્ટો આવ્યો. રસ્તાની બન્ને બાજુએ સોનેરી ઘટાદાર વૃક્ષોની હરોળ અને વચ્ચેથી પસાર થતી અમારી વૅન. લગભગ એક કિલોમીટર લાંબો પટ્ટો હશે. કિલોમીટર કપાતાં જતાં હતાં. મારી યાદી પ્રમાણે હવેનો વિરામ હતો લગભગ ૨૨૫ કિલોમીટર પછી લેક ટોઉપો પર. અહીં ક્વીન્સ ટાઉન અને માઉન્ટ કુક પછીનાં સાહસનો વારો પણ હતો. બધાં ખૂબ ઉત્સાહી હતાં. લેક ટોઉપો લગભગ પચાસેક કિલોમીટર દૂર હતો. અચાનક રસ્તાની ડાબી બાજુએ વિશાળ જળાશય દેખાયું. અતિ રમણીય દૃશ્ય હતું એ. બપોરનો સમય હતો, પરંતુ કુમળો પ્રકાશ હતો. જળાશયને સમાંતર લગભગ ત્રણેક કિલોમીટર ગાડી ચલાવી હશે. આગળ રસ્તો જમણે વળી રહ્યો હતો. મારી નજર જળાશયને આખરી વખત જોવા માટે ડાબી તરફ વળી અને મારાથી રહેવાયું નહીં. નજર ખોડાયેલી રહી અને ગાડીનું સ્ટિયરિંગ ડાબે વળી ગયું. હરિયાળાં વૃક્ષોની વચ્ચેથી કેડી જઈ રહી હતી, પછી એક મોટું મેદાન, મેદાનમાં બરોબર એકસરખા અંતરે ગોઠવાયેલી લાકડાની બે બેન્ચ અને બધું વટાવતાં જ નજરોને તરબતર કરી નાખતી વિશાળ જળરાશિ. મેદાનના એક છેડે પાર્કિંગ માટેની જગ્યા. વિવશ શબ્દનો અર્થ અત્યારે સમજાઈ રહ્યો હતો.

મિત્રો, ઘણી વખત આવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. ખાસ કરીને કુદરતના સાંનિધ્યમાં. આંખો સામે વરસાદ હોય કે પછી વરસતો બરફ હોય, ગાઢ વનરાજી હોય, અફાટ રણપ્રદેશ હોય કે જળપ્રપાતનું ચોમાસુ સૌંદર્ય એ બધા અદ્ભુત નઝારા આપણને કેટલીય વખત વિવશ કરી નાખતા હોય છે, નહીં? બધું ભૂલીને દિલોદિમાગ પર એવો કબજો જમાવી દે કે તમે તસુભર પણ સરકી ન શકો; ન તનથી, ન મનથી. અત્યારે અમે બધાં કંઈક આવું જ અનુભવી રહ્યાં હતાં. વૅન પાર્કિંગમાં ઊભી રાખીને બધાં ઊતરી પડ્યાં. અમારા સિવાય કોઈ જ નહીં. વાહનો પસાર થઈ રહ્યાં હતાં, પણ અમને નિરાંત હતી. વૅનમાંથી ફળ અને પૅક્ડ મિલ્ક લઈને નીચે ઊતર્યાં, બેન્ચ પર ગોઠવાયાં અને ફળો તથા દૂધને ન્યાય આપવાનું શરૂ કર્યું. હું અને બીના કેડી પર થોડો પગ છૂટો કરવા ટહેલવા નીકળી પડ્યાં અને ત્યાં જ ‘તેરે મેરે હોઠોં પે...’ ‘ચાંદની’નું ગીત સ્ફુર્યું. ૨૦૦ મીટર્સ જેટલું ચાલીને પાછાં પહોંચ્યાં, તો બધાં પોતપોતાની ધૂનમાં બેઠાં હતાં. માહોલ માણી રહ્યાં હતાં ત્યાં તો દેવમ એકદમ દોડીને અમારી પાસે આવ્યો અને પાણીમાં કાંઈક દેખાડવા લાગ્યો. ઓહોહો! શું નસીબ! કાળા હંસલાઓનું જોડું તરીને અમારી તરફ આવી રહ્યું હતું, વાહ! નસીબ ખૂલી ગયાં. ઘણા લોકો ખાવા માટે કાંઈક આપતા હશે એટલે એ જ આશાએ એ અમારી તરફ આવી રહ્યા હોય એવું લાગ્યું. એમને કાંઈ આપી શકાય કે નહીં એની ખબર નહોતી એટલે અમે મૂંઝાયાં અને કોઈ પહેલ ન કરી. એમને માઠું લાગ્યું હોય એમ એકદમ કર્કશ અવાજમાં જાણે ઉઘરાણી કરી. દાણ માગતાં હોય એમ અવાજ કરી રહ્યાં હતાં. મેં ફોટો લીધા. અમે બધા હંસલાને માણી રહ્યાં હતાં. પછી તો એ જમીન પર પણ આવી ચડ્યાં અને દેવમની પાછળ પડી ગયાં. મેં સફરજનની એક ચીર નાખી, પરંતુ એમને એમાં ખાસ કોઈ રસ નહોતો. બહુ રમૂજી દૃશ્ય હતું. અમે જાણે આજીજી કરી રહ્યાં હતાં અને તેઓ અમારા પર ગુસ્સો કાઢી રહ્યાં હતાં. બહુ ધ્યાન ન આપ્યું એટલે ફરી એ હંસલા પાણીમાં પ્રવેશીને તરવા લાગ્યાં. અમે બધાં બે બેન્ચ પર બેસીને આ કુદરતી સંગાથ માણી રહ્યાં હતાં. નકશી તો કુમળા ઘાસમાં, કેડીના પ્રથમ વૃક્ષને અઢેલીને આરામથી કોઈક પુસ્તક વાંચી રહી હતી. અડધો-પોણો કલાક આ માહોલ માણ્યા પછી મોડું થશે એમ સમજાવી, માંડ બધાંને વૅનમાં બેસાડી વૅન આગળ ચલાવી. આ જગ્યા હતી વેઇટેટોકો વૉટર ફ્રન્ટ. આ નામ તમને ન્યુ ઝીલૅન્ડનાં જોવાલાયક સ્થળોની યાદીમાં નહીં મળે, પરંતુ આવાં રમણીય સ્થળો હૃદયપટ પર અંકિત થઈ જાય છે. એક અવિસ્મરણીય અનુભવ. પોણો કલાકમાં તો લેક ટોઉપો આવી પહોંચ્યાં.

આ ભવ્ય સરોવરનો ઇતિહાસ, ભૂગોળ જાણીએ. 
વિસ્તારની દૃષ્ટિએ આ સરોવર ન્યુ ઝીલૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે. ૬૧૬ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ સરોવર લગભગ ૨૫,૦૦૦ વર્ષ પહેલાં ફાટેલા જ્વાળામુખીને હિસાબે સર્જાયું છે. છેલ્લાં ૩૦,૦૦૦ વર્ષમાં આ જ્વાળામુખી ૨૯ વખત ફાટ્યો છે અને આ સૌથી ભયંકર વિસ્ફોટમાં લેક ટોઉપો સર્જાયું. હજી પણ આ એક સક્રિય જ્વાળામુખી છે અને એટલે જ અહીંના ભૌગોલિક ફેરફારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ પણ મધ્ય ન્યુ ઝીલૅન્ડમાં ભયંકર ભૌગોલિક ગતિવિધિઓ ચાલતી રહે છે અને એક જોખમ પણ હંમેશાં તોળાયેલું રહે છે, પરંતુ આ જ્વાળામુખીઓના હિસાબે જ અહીંની જમીન પણ સૌથી ફળદ્રુપ છે. તમે માનશો, આ મીઠા પાણીના સરોવરને કિનારે દરિયાનાં મોજાંની જેમ લહેરો રચાય છે. જાણે દરિયાકિનારે ઊભાં હોઈએ એવું જ લાગે. ત્રણ-ત્રણ નદીઓ અહીં ઠલવાય છે અને બહાર નીકળે છે પ્રખ્યાત વાઇકાટો નદી. વાચકમિત્રો, આ ૪૦ કિલોમીટરના પટ્ટામાં જે આટલાં સુંદર મકાનો જોયાં છે એ ક્યાંય જોયાનું યાદ નથી, અતિશય સુંદર. એક વાત અહીં ચોક્કસ લખીશ કે આ મધ્ય ન્યુ ઝીલૅન્ડનો પ્રદેશ કદાચ ન્યુ ઝીલૅન્ડનો સૌથી સુંદર પ્રદેશ છે. સાઉથ આઇલૅન્ડ અદ્ભુત છે, અલૌકિક છે, પરંતુ ફક્ત કુદરતી દૃશ્યો, કુદરતી સમૃદ્ધિ. બહુ ઓછી માનવવસ્તી. જ્યારે અહીં વસ્તી પણ સારીએવી અને એ ઉપરાંત કુદરત પણ મહેરબાન. વેલિંગ્ટનથી ટોઉપો પહોંચતા સુધીમાં જ અમે લગભગ ત્રણ સ્ટૉપ લીધાં, લેવાં પડ્યાં. કુદરતી સમતોલન જાળવીને પણ અદ્ભુત વિકાસ સાધી શકાય છે, એનો સર્વોત્તમ નમૂનો છે આ વિસ્તાર. લેક ટોઉપો પહોંચ્યાં. કિનારે થોડી વાર ઊભાં રહ્યાં અને અચાનક ઘરઘરાટી સંભળાઈ. અરે, આ તો વિમાનનો અવાજ. નજર ઊંચે મંડાઈ અને એ નજરે ચડ્યું. ઊંચે આકાશમાં વાદળાંઓ વચ્ચે નાનકડા વિમાનને જોવાનો આ સરસ લહાવો હતો. અરે આ જ તો છે અમારા 
આગલા સાહસનું ટ્રેલર. આકાશમાં વધુ ને વધુ ઊંચે જઈ રહેલા નાનકડા વિમાનને જોઈને બધાં ઝૂમી ઊઠ્યાં. રસ્તો જ વટાવવાનો હતો. સ્વાગત છે, તમારું લેક ટોઉપો સ્કાય ડાઇવિંગ ઍડ્વેન્ચર સેન્ટરમાં. ભલે પધાર્યા. ચાલો, આકાશી સફરે. કુદરત બધું તારે હવાલે. આખરે તો શ્રી કુદરત શરણમ્ મમ જને? સ્કાય ડાઇવિંગ અને લેક ટોઉપોની બહુ બધી વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે.

columnists travel travelogue travel news new zealand