કાશ્મીરની કાયાપલટ શરૂ થઈ ગઈ છે, ખરેખર?

30 October, 2022 02:49 PM IST  |  Mumbai | Ruchita Shah

આતંકના માહોલથી જીવ બચાવવા પોતાનું વતન છોડીને ભાગેલા પંડિતો અત્યારે સતત સાંભળવા મળતા હિન્દુઓના ટાર્ગેટ-કિલિંગને કઈ રીતે જુએ છે? આ માહોલમાં પણ તેઓ કયા આધારે કહે છે કે આવનારો સમય ઉજ્જવળ છે?

પ્રતીકાત્મક તસવીર

આર્ટિકલ ૩૭૦ હટાવ્યાને આવતી કાલે ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ સમયગાળામાં કોઈ બદલાવ થયો છે? આતંકના માહોલથી જીવ બચાવવા પોતાનું વતન છોડીને ભાગેલા પંડિતો અત્યારે સતત સાંભળવા મળતા હિન્દુઓના ટાર્ગેટ-કિલિંગને કઈ રીતે જુએ છે? આ માહોલમાં પણ તેઓ કયા આધારે કહે છે કે આવનારો સમય ઉજ્જવળ છે? કાશ્મીરને બહેતર ભવિષ્ય મળે એ માટે તેઓ સરકારને કઈ સલાહ આપે છે? ‘મિડ-ડે’એ ગ્રાઉન્ડ રિયલિટી જાણવા જમ્મુ ઍન્ડ કાશ્મીરના સ્થાનિક લોકો સાથે કરેલી રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ વાતો પ્રસ્તુત છે અહીં...

ઑગસ્ટ ૨૦૧૯માં પાર્લમેન્ટનાં બન્ને હાઉસ દ્વારા ‘જમ્મુ ઍન્ડ કાશ્મીર રીઑર્ગેનાઇઝેશન ઍક્ટ, ૨૦૧૯’ પાસ કરવામાં આવ્યો. નવા ફેરફાર પ્રમાણે જમ્મુ ઍન્ડ કાશ્મીરને આર્ટિકલ ૩૭૦ અંતર્ગત આપવામાં આવેલું સ્પેશ્યલ સ્ટેટસ હટાવીને એને ભારતની યુનિયન ટેરિટરીમાં સામેલ કરી દેવામાં આવ્યો. ઑગસ્ટમાં થયેલી જાહેરાતનું ફુલફ્લેજ્ડ અમલીકરણ થયું ૨૦૧૯ની ૩૧ ઑક્ટોબરે. આવતી કાલે ઐતિહાસિક કક્ષાના આ બંધારણીય બદલાવને ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે જમ્મુ ઍન્ડ કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ કેવી છે? મીડિયા થકી આપણા સુધી પહોંચે છે એ અને હકીકત સરખા છે કે અલગ? ટેરરિસ્ટ દ્વારા હિન્દુઓના ટાર્ગેટ-કિલિંગના સમાચાર સાંભળવામાં આવી રહ્યા છે છતાં ત્યાંના લોકલમાં શેનો આશાવાદ છે? બત્રીસ વર્ષ પહેલાંના કાશ્મીર કરતાં આજના કાશ્મીરમાં શું બદલાવ આવ્યા છે અને આવી રહ્યા છે? આવા અઢળક પ્રશ્નોના જવાબ સાથે ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં તમે ન જોઈ શક્યા હો એવી કેટલાક લોકોની હૃદયદ્રાવક આપવીતી સાથેની હૃદયસ્પર્શી વાતો પ્રસ્તુત છે અહીં. 

બદલાવ તો છે

‘આપ કો તો હમારે લિએ અલ્લાહને ભેજા હૈ’ એવું જ્યારે આર્ટ ઑફ લિવિંગ, કાશ્મીરનાં રિજનલ ડિરેક્ટર અને યોગ-ટીચર વંદના દફ્તરીને મુ​સ્લિમ બહેને કહ્યું ત્યારે તેમની આંખો ભરાઈ આવી હતી. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જેમને સાધ્વી વંદના દફ્તરી તરીકે ઉલ્લેખે છે એવાં વંદનાજી ૨૦૨૦માં લૉકડાઉનના જસ્ટ પહેલાં આર્ટ ઑફ લિવિંગનાં પ્રતિનિધિ તરીકે કાશ્મીરના લોકોને યોગ સાથે પરિચય કરાવવા અહીં આવ્યાં અને આજ સુધીમાં હજારો કાશ્મીરીઓને તેઓ તેમની સંસ્થાના મેન્ટલ પીસ અને ફિઝિકલ હેલ્થ વધારતા અભ્યાસ શીખવી ચૂક્યાં છે. બાવીસ વર્ષથી યોગની આ અગ્રણી સંસ્થા સાથે સંકળાયેલાં વંદના દફ્તરી પોતે પણ કાશ્મીરમાં જ જન્મ્યાં છે અને ૯૦ના દસકામાં અહીં માહોલ બગડ્યો ત્યારે ૪ વર્ષની ઉંમરે પરિવાર સાથે તેમણે પણ માઇગ્રેશન કરેલું અને તેમનો આખો પરિવાર પુણે સેટલ થયો. ત્યાર પછી છેક હવે કાશ્મીર આવવાનો મોકો મળ્યો અને તેમણે અત્યારના કાશ્મીરમાં ઘણા બદલાવ જોયા છે. તેઓ કહે છે કે ‘આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમે સેન્સિટિવ કહી શકાય એવા ડિસ્ટ્રિક્ટ અને ગામમાં જઈને મેડિકલ કૅમ્પ કર્યા અને હજારો લોકોએ એનો લાભ લીધો છે. કાશ્મીરના દસેદસ ડિસ્ટ્રિક્ટમાં આર્ટ ઑફ લિવિંગનો હૅપીનેસ પ્રોગ્રામ કર્યો એમાં પણ ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો અમને. બેશક, પહેલાં તેમને છોછ હતો. મારે તેમને સમજાવવું પડતું હતું કે આમાં કોઈ હિન્દુ ધર્મની વાત નથી. આ તમારા શ્વાસ સાથે સંકળાયેલી બાબત છે. પ્રૅક્ટિસ કર્યા પછી તેમને સારું લાગ્યું હોય, યોગાભ્યાસથી તેમના દુખાવામાં રાહત મળી હોય પછી તેમનો જે ઉત્સાહ હતો એનું વર્ણન કરવું મુશ્કેલ છે. લૉકડાઉન દરમ્યાન મેડિકલ અને પૅરામેડિકલ સ્ટાફ માટે પણ ભરપૂર કામ કર્યું. ત્યાંના ગવર્નમેન્ટ ઑફિસરો માટે વર્કશૉપ્સ કરી. ઘણાં મુસ્લિમ ભાઈઓ-બહેનો આવીને યોગ કરતાં ત્યારે તેમને કોવિડ ગાળામાં પ્રૅક્ટિસથી થયેલો ફાયદો વધુ લોકો સુધી પહોંચ્યો અને એ પછી સતત લોકો જોડાતા ગયા છે. આ વર્ષે હાઇએસ્ટ ટૂરિસ્ટ હતા અને લોકોનો અભિગમ હવે પૉઝિટિવ થતો દેખાયો છે. હવે અમે કૉલેજિસમાં જઈને યુથ પ્રોગ્રામ કરવાનાં છીએ. ત્યાંના લોકલ ઍડ્મિનિસ્ટ્રેશન પાસેથી અમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે.’

વંદનાજીની આ જ વાતમાં સૂર પુરાવે છે જમ્મુના કિશ્તવારમાં રહેતા પ્રદીપ પરિહાર. એક જમાનામાં જમ્મુમાં ડોડા જિલ્લો પણ આતંકવાદીઓ માટે હૉટસ્પૉટ સમાન હતો. પછી ડોડામાંથી ત્રણ ડિસ્ટ્રિક્ટ બન્યા; ડોડા, રામબન અને કિશ્તવાર. અત્યારે પણ જમ્મુ-કાશ્મીરનો સૌથી મોટો જિલ્લો એટલે કિશ્તવાર. અહીંથી જ શ્રીનગર જવાય અને લદાખ પણ જવાય. લગભગ દોઢેક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા આ જિલ્લામાં લગભગ ૫૦ ટકા હિન્દુઓ છે. અહીં જ જન્મેલા અને સરકારી નોકરી કરતા પ્રદીપભાઈ કહે છે, ‘૨૦૦૮ અને ૨૦૧૩માં એક નાનકડી વાતમાં આખેઆખું માર્કેટ સળગી ગયું હોય એવી ઘટનાઓ મેં જોઈ છે. ગોળીથી વીંધાયેલી અઢળક લાશો મેં જોઈ છે, ૨૦૧૯ નહીં, પણ ૨૦૧૪થી મને અમારા વિસ્તારમાં ખાસ્સો બદલાવ જોવા મળ્યો છે. પહેલાં તમે અહીં ‘ભારત માતા કી જય’ જાહેરમાં બોલો તો મર્યા જ સમજો. આ વખતે ‘હર ઘર તિરંગા’ કૅમ્પેને અદ્ભુત રીતે લોકોને તિરંગા સાથે જોડવાનું કામ કર્યું છે. લોકો હવે ભારત માટે પોતાના પ્રેમને જાહેર કરતાં ડરતા નથી. ટાર્ગેટ-કિલિંગ અહીં પણ થયાં છે. ૨૦૧૯માં કિશ્તવારના ચંદ્રકાંત શર્માને મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાઓની ડેન્સિટી ખૂબ ઘટી છે. કાશ્મીરની જલદતામાં ઓછપ ૧૦૦ ટકા આવી છે. નાનકડી વાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે રમખાણ થઈ જતાં હતાં એ સ્થિતિ હવે કન્ટ્રોલમાં છે.’ 

લોકલ રાજકારણીઓ ઉઘાડા

કાશ્મીરમાં ૩૭૦ હટ્યા પછી આમજનતાને ખાસ કોઈ ફરક નથી પડ્યો, પણ અહીંના રાજકારણીઓની હવા નીકળી ગઈ અને અત્યારે પણ જે છમકલાં થતાં હોય છે એમાં ફરી સત્તા પર આવવા થનગનતા રાજકારણીઓનો બહુ મોટો રોલ હોય છે એવું અહીં વસતા લોકો માને છે. માત્ર હિન્દુઓ જ નહીં, અહીંના આમ મુસ્લિમો પણ આ વાત હવે સમજી ચૂક્યા છે એમ જણાવીને જમ્મુના ડોડા જિલ્લાના રહેવાસી અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ વિકાસ મનહાસ કહે છે, ‘કાશ્મીરમાં બધું સામાન્ય કરવું હશે તો તમારે ૨૦ વર્ષ આપવાં પડશે અને હજી બે-ત્રણ વર્ષ અહીં લોકલ ઇલેક્શન ન થાય એવી ગોઠવણ કરીને લોકલ નેતાઓને દૂર રખાય એ બહુ જરૂરી છે. ૧૯૯૦ અને અત્યારની સ્થિતિ ખૂબ અલગ છે. ત્યારે અહીંના લોકલ મુસ્લિમોનું બ્રેઇનવૉશ કરવું આસાન હતું અને તેમને માટે બધું જ નવું હતું. આજે તેઓ સમજી ગયા છે કે જે પાકિસ્તાનના આધારે તેઓ આ આંતકવાદી જૂથને સાથ આપવા માંડ્યા હતા એ પાકિસ્તાનની દુનિયામાં શું દશા છે અને પાકિસ્તાનના પોતાના લોકો કેવા ભૂખે મરે છે. કોઈ પણ પ્રજા ફેલ્યર સાથે આગળ જવામાં ન માને. બલકે, આ વર્ષે ટૂરિસ્ટના ધસારા વચ્ચે લોકલ પબ્લિક સમજી ગઈ છે કે આખરે તો ડેવલપમેન્ટ અને સારી ગુણવત્તાયુક્ત લાઇફ જ મહત્ત્વની છે. બાળકોને સારું એજ્યુકેશન મળે, સારી મેડિકલ ફૅસિલિટી હોય અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કરી શકે એ તેમને સમજાઈ ગયું છે. અહીં ડેવલપમેન્ટ પણ સારા પ્રમાણમાં શરૂ થયું છે. કાશ્મીરમાં સિનેમા હૉલ શરૂ થવા અને એ પણ ટેરર ઍક્ટ માટે બદનામ ગણાતા એરિયા પુલવામામાં એ બહુ મોટા બદલાવની નિશાની છે. પહેલાં અહીંના લોકલ લોકો પાસે કામ નહોતું એટલે તેઓ પથ્થરમારા માટે સમય કાઢી શકતા હતા. હવે તેમને ખબર છે કે પથ્થરમારામાં પકડાયા તો ‘ગયા કામથી’ અને એની સામે એટલા જ સમયમાં કામ કરીને ઘરમાં આવક વધારી શકાય એમ છે. અહીં સ્કૂલોને નૉર્મલાઇઝ કરવાની, મૉલ્સ અને સિનેમા હૉલ્સ ખોલવામાં, નવી રોજગારી તક ઊભી કરવામાં, રસ્તાઓની કનેક્ટિવિટી સુધારવામાં સરકાર નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહી છે અને એને કારણે આવી રહેલો બદલાવ લોકો પોતે જ મહેસૂસ કરી રહ્યા છે. એટલે મારી દૃ​ષ્ટિએ કાશ્મીર બદલાઈ તો રહ્યું છે, પરંતુ એને ફરીથી ૧૯૮૯થી પહેલાં જેવું સંપૂર્ણ ટેરર-ફ્રી થવા દેવા માટે તમારે કમસે કમ ૨૦ વર્ષ જેટલો સમય આપવો પડશે.’

ટાર્ગેટ-કિલિંગનું શું?

એક તરફ કાશ્મીરમાં વસતા હિન્દુઓ પૉઝિટિવિટીની વાતો કરી રહ્યા છે છતાં ત્યાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને પસંદ કરીને મારી નાખવામાં આવે છે, એનું શું? ૧૯૮૯માં કાશ્મીરમાં ભયંકર સંજોગો વચ્ચે પણ પોતાનું ઘર નહીં છોડનારા ૬૦ વર્ષના મખ્ખનલાલ બિંદરુને ગયા વર્ષે ગોળીથી ઉડાડી દેવામાં આવ્યા. આ વ્યક્તિએ જાતપાતનો ભેદ રાખ્યા વિના લોકોને ભરપૂર મદદ કરી હતી. શ્રીનગરમાં સૌથી વધુ વિશ્વસનીય મેડિકલ સ્ટોર ધરાવતા આ સજ્જનના પરિવારજનો ‘મિડ-ડે’ને કહે છે કે ‘અમારે માટે આ કમનસીબ ક્ષણ છે. જેમણે માત્ર લોકોની ભલાઈ કરી તેમને વિશ્વાસ હતો કે તેમને કંઈ નહીં થાય, પરંતુ તેમની ભલાઈનું આ જ પરિણામ આવ્યું. દરેક પક્ષે અમારી સાથે થયેલો આ વિશ્વાસઘાત છે. ૧૦૦ ટકા હવે અહીં ડર લાગે છે, પણ અમે જઈએ ક્યાં? ઘરબાર અને વેપાર બધું મૂકીને કેવી રીતે બહાર નીકળીએ હવે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે કાશ્મીર એના બેસ્ટ સમયમાં હતું એમ કહી શકાય. ભાઈચારો અને સુરક્ષિતતાના માહોલ વચ્ચે આ ઘટનાએ અમને ઝંઝોડી નાખ્યાં છે.’

૧૯૬૬માં શ્રીનગરમાં શરૂ થયેલી શક્તિ સ્વીટ્સના માલિક વિશાલ શોકલ.

૧૯૬૬માં શરૂ થયેલી શક્તિ સ્વીટ્સ અત્યારે ટૂરિસ્ટોમાં ખાસ્સી પૉપ્યુલર છે. કાશ્મીરની બહુ જ જાણીતી આ પ્યૉર વેજ રેસ્ટોરાં-કમ-શૉપના માલિક વિશાલ શોકલ કહે છે, ‘મારા દાદાજી મહેંગારામજીએ અહીં મીઠાઈની દુકાન શરૂ કરેલી. અમે કાશ્મીરી નથી, મૂળ પંજાબના છીએ. જોકે ૧૯૮૯માં થોડા સમય માટે અમે પણ પલાયન કરેલું. હું ત્યારે હૉસ્ટેલમાં ભણતો હતો. પથ્થરબાજી, ગ્રેનેડ-અટૅક વગેરે અમારી દુકાન પર પણ થયું છે. અત્યારે થઈ રહેલા ટાર્ગેટ-કિલિંગનો ભય તો છે, પણ કામધંધો છોડીને જવાનું ક્યાં? પરિવારની સેફ્ટી માટે તેમને દિલ્હીમાં રાખ્યા છે. હું અને મારો ભાઈ અને બાકી અમારો સ્ટાફ દુકાન સંભાળે છે. અમારે સતત અમારું રૂટીન બદલતા રહેવું પડે છે. બહાર કંઈ ટેન્શન હોય તો તરત જ મેસેજ મળી જાય છે. ૫૦૦-૬૦૦ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના પરિવારો આ રીજનમાં અત્યારે છે, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. છેલ્લાં ચાર વર્ષમાં અહીં સ્થિતિ બગડી નથી એવું દૃઢતાપૂર્વક કહી શકું. રસ્તા બની રહ્યા છે. ટૂરિસ્ટ વધ્યા છે. કૉમન મૅનમાં આશાવાદ જાગ્યો છે. આજે પણ અમે સતત ભય વચ્ચે હોઈએ છીએ, બહાર અને ઘરની અંદર બન્ને જગ્યાએ. ખુલ્લા મને જ્યારે કાશ્મીરમાં ફરી શકીએ ગોળીના ડર વિના ત્યારે કાશ્મીર ખરેખર સ્વર્ગ હશે.’

અત્યારે અહીં વધેલા ટાર્ગેટ-કિલિંગ માટે અહીંના કેટલાક લોકો પાંચ ટકા જૂથનો છેલ્લો ફફડાટ તરીકે પણ મૂલવે છે. આઠ મહિના શ્રીનગર અને ચાર મહિના જમ્મુમાં રહેતા અને ૧૯૮૯માં કાશ્મીરના શોપિયાં જિલ્લામાં પોતાનો ઘરસંસાર છોડીને જમ્મુમાં સ્થળાંતરિત થવા મજબૂર થયેલા ૬૦ વર્ષના કાશ્મીરી પંડિત રમેશ પંડિતા કહે છે, ‘અમે કાશ્મીરને ભડકે બળતું જોયું છે અને અમારું ઘર પણ એ જમાનામાં જલાવી દેવામાં આવ્યું હતું. એ પછી અત્યારના કાશ્મીરને જોઈને ખરેખર આનંદ થઈ રહ્યો છે કે મારું વતન પાછું પહેલાં જેવું થઈ રહ્યું છે. બેશક, ટાર્ગેટ-કિલિંગ ચિંતાનો વિષય છે, પરંતુ અત્યારે થઈ રહેલી આ ઘટનાઓ તો આ ગણ્યાગાંઠ્યા વિરોધીઓ પોતાની હયાતીનો સંદેશ આપવા માટે કરી રહેલી છટપટાહટ છે. બુઝાતો દીવો વધુ ઉજ્જ્વળ દેખાવાના પ્રયાસ કરે એવી સ્થિતિ અત્યારે આ પાંચ ટકા આતંકવાદી જૂથોની છે. મને ભરોસો છે કે થોડા સમયમાં તેમના પર પણ કન્ટ્રોલ કરી લેવામાં આવશે અને સ્થિતિ બદલાશે. અમારામાંના ઘણા આતુર છે પાછા પોતાના મૂળ વતન સ્થાયી થવા માટે. સ્થિતિ બદલાઈ રહી છે અને બને કે બેથી ત્રણ વર્ષમાં પાછા પોતાના ઘરે લોકો રહેવાનું શરૂ કરે.’

કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક  

વિકાસ મનહાસ, પ્રદીપ પરિહાર અને રમેશ પંડિતા

ચૌદ વર્ષની ઉંમરે શ્રીનગરના જાણીતા વિસ્તારમાં પાંચ માળનું મકાન પાંચ મિનિટમાં પહેરેલે કપડે છોડી દેનારાં પ્રતિભા ભટ આજે પણ એ દિવસને યાદ કરે છે ત્યારે તેમનું હૃદય દ્રવી ઊઠે છે. એક પછી એક કાશ્મીરી પંડિતોને મારવાનું એક લિસ્ટ જાહેર કરાયેલું, જેમાં પ્રતિભાજીના પિતાજીનું નામ પણ હતું. ઉપરના ત્રણ લોકોને ઑલરેડી મારી નાખવામાં આવેલા એટલે પછીનો નંબર પિતાજીનો એવું જ્યારે ખબર પડી ત્યારે ઘરમાં જે માહોલ સર્જાયો એની કલ્પના ન કરી શકો તમે. પ્રતિભાજી કહે છે, ‘બાર-તેર વર્ષની ઉંમરે સ્કૂલ જવા માટે ગોળીથી ચાળણી થયેલી લોકોની લોહીલુહાણ લાશ પરથી કૂદકો મારીને જવાનું તમારે જોવું પડ્યું હોય તો તમને ત્યારના કાશ્મીર અને આજના કાશ્મીરનો ભેદ સમજાય. કત્લેઆમ અને ડરના માહોલ વચ્ચે ‘કશ્મીર ફાઇલ્સ’માં તમે જોયું એના કરતાં અનેકગણું કાશ્મીરી પંડિતોએ સહ્યું છે. પોતાનો ઘર-સંસાર છોડીને નીકળવું આસાન ન હોય. જમ્મુમાં ગયા પછી પણ કંઈ અમને ચાર હાથે સ્વીકારી નહોતા લેવાયા. ‘માઇગ્રેટ’ થયેલા છે એવું જ્યારે કહેતા ત્યારે ખબર પડી કે અમે તો વિસ્થાપિતો છીએ પોતાના જ દેશમાં. ત્યારે આ શબ્દની સાથે આવતા ભારની ખબર પડી. જમ્મુમાં એ સમયે માઇગ્રેટ થયેલા લોકો અને મૂળ જમ્મુના લોકો એમ બે ભેદ વચ્ચે બધું જ જુદું-જુદું હોય. સ્કૂલમાં અમારા ક્લાસ જુદા. અમારા માટે માર્કેટમાં મળતી વસ્તુઓના ભાવ જુદા. સારા-ખરાબ અનુભવો વચ્ચે બહુ ખરાબ દશા કાશ્મીરી પંડિતોએ જોઈ છે અને હવે કાશ્મીરી પંડિતોએ કે હિન્દુઓએ ન સહેવું પડે એ માટે ખરેખર સરકાર કડક પગલાં ઉઠાવે. ઑલરેડી સરકાર આજની સ્થિતિને સુધારવા માટે ભરપૂર પ્રયાસ કરી જ રહી છે, પરંતુ આ કિલિંગ બંધ થવું જોઈએ. જો પાકિસ્તાનમાં જઈને બાલાકોટના ટેરરિસ્ટોને ધૂળ ચટાડી શકતા હોઈએ તો આ તો આપણો પોતાનો એરિયા છે. આપણી આર્મી, ઇન્ટેલિજન્સ અને સરકારની ઇચ્છાશક્તિ એટલાં તો સબળ છે જ કે ટાર્ગેટ-કિલિંગમાં ઍક્ટિવ જૂથને ખલાસ કરી શકે.’

પ્રતિભા ભટ હવે મુંબઈમાં સેટલ થયાં છે અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યા પછી બૅન્કમાં જૉબ કરે છે. તેઓ કહે છે, ‘એ દિવસ પછી અમે અમારા ઘરે પાછાં નથી ગયાં. હિંમત જ નથી થઈ. ગલીમાંથી પસાર થવામાં પણ કંપારી છૂટી જાય છે. ૨૦૦૫થી અમારા ગુરુજીના આશ્રમમાં દર વર્ષે બે વાર અમે આઠથી દસ દિવસ માટે શ્રીનગર જઈએ છીએ. એ દૃિષ્ટએ છેલ્લાં ત્રણ વર્ષમાં લોકોના અભિગમમાં મિક્સ અપ્રોચ દેખાયો છે. ૨૦૧૯ પહેલાં ત્યાંના લોકલ લોકોમાં એમ જ હતું કે ઇન્ડિયા જુદું છે. ‘તુમ ઇન્ડિયન હો’ એ વાતનો તુચ્છકાર હતો તેમની વાણીમાં અને તેઓ પોતાને સ્વતંત્ર માનતા હતા. હવેના લોકો પોતાને ભારતનો હિસ્સો ગણાવતા થયા છે. એવું નહીં કે બધા જ. અમુક ટકા લોકો આજે પણ ભારતીયો તરીકે આપણને જુદી જ દૃ​ષ્ટિથી જુએ છે, પણ ઓેવરઑલ એક ચેન્જ દેખાવાનું જરૂર શરૂ થયું છે. તમે ભારત માટે ચાર સારા શબ્દો બોલશો તો તમને ગોળીથી ઉડાડી દેવામાં આવશેવાળો ભય કાશ્મીરમાં પહેલાં જેટલા પ્રમાણમાં નથી રહ્યો હવે. લોકલ લોકોનું માઇન્ડસેટ કન્વર્ટ થઈ રહ્યું છે. કાશ્મીરમાં આવેલા બદલાવથી મૅજોરિટી કૉમનમૅન ખુશ હોય એવું દેખાઈ રહ્યું છે. જે એલીટ વર્ગ છે એ બધા જ મુસ્લિમોનાં બાળકો બહાર ભણી રહ્યાં છે. આ વખતે ટૂરિસ્ટોને જોઈને પણ મને બાળપણવાળું શ્રીનગર યાદ આવી ગયેલું.’

છેલ્લે વિકાસ મનહાસ ઉમેરે છે, ‘ટાર્ગેટ-કિલિંગના હાઉ વચ્ચે આપણે સૌએ એ સમજવું જોઈએ કે કાશ્મીરમાં ટાર્ગેટ-કિલિંગ નવું નથી. ત્રીસ વર્ષનો ઇતિહાસ ચકાસશો તો સમજાશે. અહીં કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન અને પાછા આવવું ચાલતું રહ્યું છે. બહુ કૅલ્ક્યુલેટિવલી સરકાર પર દબાણ વધારવા માટે એને અમલમાં મુકાઈ રહ્યું છે અને એને હાઇલાઇટ પણ કરવામાં આવી રહ્યું છે. મોટો બદલાવ એ કે થોડા સમય પહેલાં થયેલા કાશ્મીરી પંડિતના ટાર્ગેટ-કિલિંગનું પ્રોટેસ્ટ કરવા માટે અનંતનાગના મુસ્મિલો બહાર આવ્યા. આવું પહેલાં ક્યારેય નહોતું થયું. હું હમણાં જ કાશ્મીરમાં હતો એ પણ ડિસ્ટર્બ ઝોન ગણાતા પંચગાવમાં. મેં ત્યાંના લોકલ લોકો સાથે વાતો કરી છે. ચાર-પાંચ કલાક એ જ એરિયામાં હતો. બધાને ખબર હતી કે હું હિન્દુ છું, છતાં બહુ સિક્યૉરિટી સાથે હું પાછો આવી ગયો. હા, ટાર્ગેટ-કિલિંગ થઈ રહ્યું છે, પણ પ્રેશર બિલ્ડઅપ કરવા માટે. ઓવરઑલ પ્રત્યેક કાશ્મીરી બેટર લાઇફ ઇચ્છે છે અને હવે છેલ્લા ત્રણ દાયકામાં તેમને સમજાઈ ગયું છે કે પાકિસ્તાનનો કે આતંકવાદનો સાથ આપવાથી તેમને બહેતર લાઇફ મળવાની નથી.’

કાશ્મીરમાં બધું સામાન્ય કરવું હશે તો તમારે ૨૦ વર્ષ આપવાં પડશે અને હજી બે-ત્રણ વર્ષ અહીં લોકલ ઇલેક્શન ન થાય એવી ગોઠવણ કરીને લોકલ નેતાઓને દૂર રખાય એ બહુ જરૂરી છે.

૨૦૨૦થી કાશ્મીરમાં યોગ શીખવી રહેલા આર્ટ ઑફ લિવિંગનાં : યોગ-ટ્રેઇનર વંદના દફતરી.

બાર-તેર વર્ષની ઉંમરે સ્કૂલ જવા માટે લોહીલુહાણ લાશ પરથી કૂદકો મારીને જવાનું તમારે જોવું પડ્યું હોય તો તમને ત્યારના કાશ્મીર અને આજના કાશ્મીરનો ભેદ સમજાય. કત્લેઆમ અને ડરના માહોલ વચ્ચે ‘કશ્મીર ફાઇલ્સ’માં તમે જોયું એના કરતાં અનેકગણું કાશ્મીરી પંડિતોએ સહ્યું છે. : પ્રતિભા ભટ

500-600
અંદાજે આટલા કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના પરિવારો આ રીજનમાં અત્યારે છે, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે.

columnists travelogue kashmir jammu and kashmir ruchita shah travel news