૧૨ જ્યોતિર્લિંગની ૧૧,૦૦૦ કિલોમીટરની પદયાત્રા પર નીકળ્યું છે અમદાવાદનું આ શિવભક્ત નવયુગલ

03 May, 2026 11:17 AM IST  |  Mumbai | Varsha Chitaliya

લોકો તેમના માર્ગમાં ફૂલો પાથરે છે તો કોઈ તેમના સ્વાગતમાં ભજનના કાર્યક્રમ રાખે છે

સિંધી પરિવારમાં જગરાતાનો કાર્યક્રમ અને સિંધી પરિવાર દ્વારા સ્વાગત.

શિવ-પાર્વતીના વિવાહ થયા હતા એ જ સ્થળે ત્રિયુગી નારાયણ મંદિરમાં ગયા વર્ષે લગ્નગ્રંથિથી જોડાયેલાં અમદાવાદનાં નીલેશ અને સોનિયા રાજાણી ૨૦૨૫ની ૨૩ જુલાઈથી પગપાળા ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા નીકળ્યાં છે. અત્યાર સુધીમાં આ નવપરિણીત યુગલે ૮૮૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૮ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં છે. હાલમાં તેઓ મધ્ય પ્રદેશથી ઉત્તરાખંડમાં કેદારનાથ તરફ જઈ રહ્યાં છે. ઑગસ્ટ મહિના સુધીમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગનાં દર્શન સાથે યાત્રા પૂરી થવાની અપેક્ષા છે. સનાતન ધર્મની જ્યોતને દિલમાં જલાવીને આગળ વધી રહેલા રાજાણી દંપતીની હિંમત, ઉત્સાહ અને શ્રદ્ધાની ભરપૂર પ્રશંસા થઈ રહી છે.

અનાદિકાળથી ભારત તીર્થભૂમિ છે અને આધ્યાત્મિક યાત્રાઓ ભારતની પરંપરા. દર વર્ષે હજારો ભાવિકો જુદાં-જુદાં તીર્થસ્થાનોની યાત્રાઓ કરે છે. સોશ્યલ મીડિયાના યુગમાં યુવા પેઢીમાં કૃષ્ણ અને શિવ પ્રત્યે આસક્તિ વધી છે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી સાથેની ધાર્મિક યાત્રાઓ યુવાનોમાં પૉપ્યુલર થઈ રહી છે. જોકે અમદાવાદના નવપરિણીત યુગલ નીલેશ રાજાણી અને સોનિયા રાજાણીની હિંમતને ૧૦૦ તોપોની સલામી આપવી પડે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને હૈયામાં રાખીને આ દંપતીએ ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ૧૧,૦૦૦ કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી છે. ‘દો દિલ, એક યાત્રા’ સ્લોગન સાથે ગયા વર્ષે જુલાઈમાં અમદાવાદથી નીકળેલા આ યુવા દંપતીએ ૮ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં છે અને હાલમાં મધ્ય પ્રદેશના ખંડવાથી ઉત્તરાખંડમાં કેદારનાથ તરફ જઈ રહ્યું છે. ભારતમાં પ્રથમ વાર કોઈ દંપતી આવી કઠિન યાત્રા પર છે. શિવભક્તોમાં તેમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. તેઓ જ્યાં પહોંચે ત્યાં લોકો પુષ્પવર્ષા કરે છે. આજે આપણે પણ છલોછલ આત્મવિશ્વાસ અને શિવજીનાં દર્શનની તીવ્ર ઝંખના સાથે આગળ વધી રહેલા રાજાણી દંપતીની યાત્રા સાથે જોડાઈશું. પહેલાં વાત કરીએ તેમના દામ્પત્યજીવનના સંકલ્પની.

પ્રેમ, વિવાહ અને સંકલ્પ

૨૬ વર્ષના નીલેશ અને ૨૪ વર્ષની સોનિયાની પ્રેમકહાણી ટીનેજમાં શરૂ થઈ હતી. સોશ્યલ મીડિયા પર શિવમંદિરોની રીલ્સ જોતાં-જોતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. જોકે લગ્ન માટે રાહ જોવી પડી. તેમની લવસ્ટોરી વિશે જણાવતાં નીલેશ કહે છે, ‘મહાદેવની કૃપાથી અમે મળ્યાં. અમદાવાદમાં એક જ વિસ્તારમાં રહેતાં હતાં અને એક જ્ઞાતિના હોવા છતાં કોઈ દિવસ મુલાકાત નહોતી થઈ. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ લાઇક કરવામાં ઓળખાણ થઈ. ૨૦૧૭માં પહેલી વાર મળ્યાં. થોડો સમય ડેટ કર્યા પછી ફૅમિલીને જણાવ્યું. સગાઈ થઈ ગઈ પછી વધુ મળવા લાગ્યાં. અમારી વચ્ચે કૉમન લિન્ક હતી શિવભક્તિ. વાતોનો વિષય પણ સનાતન ધર્મ હોય. અમે બન્નેએ પોતપોતાની રીતે અગાઉ પણ કેદારનાથની યાત્રા કરી છે. દેવભૂમિ ઉત્તરાખંડ સાથે અતૂટ નાતો છે. લગ્નગ્રંથિથી જોડાવાનો સમય આવ્યો ત્યારે નક્કી કર્યું કે રુદ્રપ્રયાગમાં આવેલા ત્રિયુગી નારાયણ મંદિરમાં જ લગ્ન કરવાં છે. નામ પ્રમાણે નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુનું મં​દિર છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ આ સ્થળે શિવ-પાર્વતીના વિવાહ કરાવ્યા હતા અને બ્રહ્માજીએ ગોરબાપા બનીને મંત્રોચ્ચાર કર્યા હતા. ૩ યુગથી અહીં પ્રજ્વલિત અખંડ જ્યોત તેમનાં લગ્નની સાક્ષી છે. કેદારનાથની યાત્રાએ આવતા તીર્થયાત્રીઓમાં આ સ્થળનું વિશેષ મહત્ત્વ છે. ત્રિયુગી નારાયણ મંદિરમાં લગ્ન કરવા માટે પરવાનગી લેવી પડે છે. ૩૧,૦૦૦ રૂપિયા ભરીને દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂરી કરી. ૨૦૨૫ની ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં. આ ધામમાં એવું દૈવી તત્ત્વ છે જે આપણામાં ઊર્જા ભરી દે, જીવનને જોવાનો નજરિયો બદલાઈ જાય. એ વખતે કેદારનાથ ધામનાં કપાટ બંધ હોય એટલે શિવજીના આશીર્વાદ લેવા ફરીથી આવીશું એવો મનોમન સંકલ્પ લીધો.’


ત્રિયુગી નારાયણ મંદિરમાં લગ્ન સમયની તસવીર, ભરવરસાદમાં કેદારનાથ ધામનાં દર્શન અને સોમનાથમાં ધજા સાથે.

દામ્પત્યજીવનની શરૂઆત એવા આધ્યાત્મિક સંકલ્પ સાથે થઈ કે સાંસારિક જીવનમાં આગળ વધતાં પહેલાં ૧૨ જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરીએ તો? એમ જણાવીને સોનિયા કહે છે, ‘જોકે હજારો કિલોમીટર ચાલવું સરળ નથી. શારીરિક અને માનસિક પડકારોને ધ્યાનમાં રાખીને વિચારવિમર્શ કર્યો, પરિવાર સાથે ચર્ચા કરી. અમારી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ જોઈને બધાએ પ્રોત્સાહિત કર્યા. ફિટનેસ માટે જિમ જતાં હતાં, પણ એટલું પૂરતું નહોતું. શારીરિક ક્ષમતા વધારવા એક મહિનો ચાલવાની પ્રૅક્ટિસ કરી. દરરોજ સવારે ઘરેથી નીકળી ચાલતાં-ચાલતાં આખું અમદાવાદ શહેર ફરતાં. લગ્નના ૪ મહિના બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનાં દર્શન કરવા પગપાળા રવાના થયાં. યાત્રા શરૂ થયાના બે દિવસમાં બાળકીને બચાવવા જતાં રસ્તામાં અકસ્માત થયો. હાથમાં ટાંકા આવતાં ૧૧ દિવસ યાત્રા અટકી ગઈ. ૨૦૨૫ની ૨૩ જુલાઈએ ફરી યાત્રા શરૂ કરી. આ વખતે સોમનાથથી શરૂ કરવાની જગ્યાએ પહેલાં કેદારનાથ ધામ જવાનું નક્કી કર્યું.’

આટલું અંતર કાપ્યું

નીલેશ અને સોનિયાનો હાઇવે પર અકસ્માત થયો છતાં ભય રાખ્યા વિના યાત્રા આરંભી. ૨૦૨૫ની ત્રીજી સપ્ટેમ્બરે તેઓ કેદારનાથ ધામ પહોંચ્યાં. ત્યાંથી કાશી વિશ્વનાથ આવ્યાં. પ્રથમ ૪ મહિનામાં તેમણે ૩ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં હતાં. યાત્રાના રૂટ વિશે માહિતી આપતાં નીલેશ કહે છે, ‘કેદારનાથ ધામની યાત્રા કઠિન રહી. વરસાદ પણ ખૂબ હતો. આખા ભારતમાં પદયાત્રા કરવાની હતી એટલે મક્કમ મને આગળ વધ્યા. ત્યાંથી વારાણસી આવ્યાં. કેદારનાથની જેમ કાશી વિશ્વનાથ મંદિર પણ શિવભક્તોમાં લોકપ્રિય છે એટલે ત્યાં હંમેશાં ભીડ રહે છે. અમને શાંતિથી દર્શન થઈ ગયાં. વારાણસી મંદિરોની નગરી છે. ગંગાઘાટ પર આરતી અને અન્ય મંદિરોનાં દર્શન કરીને ઝારખંડમાં આવેલા બૈદ્યનાથ ધામ તરફ રવાના થયા. ૧૨ જ્યોતિર્લિંગમાંથી આ નવમું છે. સ્થાનિક લોકો પાસેથી પૌરાણિક કથાઓ જાણવામાં આનંદ આવે છે. રાવણની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને આપેલું શિવલિંગ અહીં સ્થાપિત છે. અહીં ૫૧ શક્તિપીઠોમાંનું એક તીર્થસ્થળ છે. આ સ્થાન પર સતી (પાર્વતી)નું હૃદય પડ્યું હતું એટલે એને જયદુર્ગા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ઉજ્જૈનમાં મહાકાલની આરતી કરી. ઓમકારેશ્વર, નાગેશ્વર અને સોમનાથનાં દર્શન પછી અમારો મુકામ મહારાષ્ટ્ર હતો.’

મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછી રાજાણી દંપતીની યાત્રાનું અંતર અને સમય લંબાઈ જાય એવા સંજોગો ઊભા થયા. ત્ર્યંબકેશ્વરમાં દર્શન કર્યા પછી ખબર પડી કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મે મહિનાના અંત સુધી બંધ છે. નિરાશ થયા વિના તેઓ ફરીથી કેદારનાથ તરફ રવાના થઈ ગયાં. શિવને પામવા કસોટીમાંથી પાર નીકળવું પડશે એવું તેઓ દૃઢપણે માને છે. હાલમાં મધ્ય પ્રદેશથી ઉત્તરાખંડ તરફ આગળ વધી રહ્યાં છે. ૧૨ જ્યોતિર્લિંગની પગપાળા યાત્રામાં તેઓ બીજી વાર કેદારનાથ જશે. અત્યાર સુધીમાં ૮૮૦૦ કિલોમીટરનું અંતર કાપી લીધું છે. કેદારનાથ ધામથી પાછા મહારાષ્ટ્ર આવી ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરી દ​ક્ષિણ તરફ પ્રસ્થાન કરશે. મલ્લિકાર્જુન અને છેલ્લે રામેશ્વરમ જ્યોતિર્લિંગનાં દર્શન સાથે યાત્રા સંપન્ન થશે. ૨૦૨૬ના ઑગસ્ટના અંત સુધીમાં ૧૨ જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા પૂરી થવાની અપેક્ષા છે. મહારાષ્ટ્રમાં ફરી આવવામાં લગભગ ૬૦૦ કિલોમીટર વધી જશે, પણ સંકલ્પ પૂરો થઈ જશે એવો તેમને વિશ્વાસ છે. રાજાણી દંપતીએ માર્ગમાં આવતાં અન્ય મંદિરોમાં પણ દર્શન કર્યાં છે. બદરીનાથ, દ્વારકા, અયોધ્યા અને પાંચ શક્તિપીઠ થઈ ગયાં છે.

સમાજ એકજૂટ થયો

રાજાણી દંપતી સિંધી સમાજનું છે. અમદાવાદમાં સિંધીઓની અંદાજિત દોઢ લાખની વસ્તી છે. નવપરિણીત યુગલ ૧૨ જ્યોતિર્લિંગની પદયાત્રા કરી રહ્યું છે એ વાત સમાજના આગેવાનો સુધી પહોંચી. નીલેશ અને સોનિયાની આ અનોખી યાત્રા સુખરૂપ અને સલામત રીતે પાર પડે એ માટે સિંધુ સમાજ એકજૂટ થયો. યુવા દંપતીના સંકલ્પમાં કોઈ બાધા ન આવે અને તેઓ સુરિક્ષત રહે એ રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું. કાશી વિશ્વનાથમાં સિંધુ એકતા મંચના મહાસચિવ ઓમપ્રકાશ ઓમીએ તેમના જમવાની અને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી હતી. અયોધ્યામાં પ્રવેશ્યા ત્યારે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઓમપ્રકાશ ઓમીના માર્ગદર્શનમાં સોશ્યલ મીડિયા ચૅટિંગ અને કૉન્ટૅક્ટ દ્વારા આગળની વ્યવસ્થા થવા લાગી. જે શહેરમાં પહોંચવાના હોય ત્યાં રહેતો સિંધી પરિવાર ઉમળકાભેર તેમને આવકારે છે. ભારતભરના શહેરમાં સિંધુ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થાય છે. કોઈ હાર પહેરાવીને તો કોઈ માર્ગમાં ફૂલો પાથરીને આવકારે છે. ઘણા પરિવારે તેમના રાત્રિરોકાણ દરમ્યાન જગરાતા (ભજન)ના કાર્યક્રમો રાખ્યા હતા. અન્ય સમાજના શિ‍વભક્તો પણ મળવા આવે છે. હરિદ્વારમાં પતંજલિ આશ્રમ સહિત અનેક તીર્થસ્થળોમાં આશ્રમો અને સાધુ-સંતોએ સનાતન ધર્મ માટેની તેમની ભાવના અને પ્રયાસોને બિરદાવ્યા છે. લોકો દ્વારા શ્રીફળ અને રામનામ લખેલા દુપટ્ટા ઓઢાડીને આગળની યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે. રસ્તામાં ગાડી ઊભી રાખીને અનેક લોકો સેલ્ફી પડાવે છે. સિંધુ ભવન, સિંધુ યુથ વિંગ, સિંધી સેન્ટ્રલ પંચાયત, રાજ્યોના વ્યાપારી મહાસંઘ, ભારત રક્ષા મંચ સહિત અનેક સામાજિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.


યંબકેશ્વર મંદિરની બહાર પદયાત્રાના પોસ્ટર સાથે, અયોધ્યામાં પ્રવેશ્યા ત્યારે સિંધુ એકતા મંચ દ્વારા સ્વાગત અને હાઇવે પર એકમેકનો હાથ પકડીને ચાલતાં.

રાજાણી દંપતી કહે છે, ‘આ યાત્રામાંથી અમે ઘણું શીખ્યાં છીએ. ભારતભરનાં શહેરોમાં સિંધીઓ વસે છે એ જાણવા મળ્યું. અત્યાર સુધીમાં ૨૨૦ એવા પરિવારોનો મળ્યા છીએ જેમને પહેલાં ક્યારેય મળ્યા નહોતા. લોકો ભેટસોગાદોથી અમારી ઝોળી ભરી દે છે અને અમારી આરતી ઉતારે છે, યાત્રા સુખરૂપ પાર ઊતરે એવી મનોકામના કરે છે. સનાતન ધર્મ સંકલ્પિત સિંધુ સમાજને અમારા આ પ્રયાસનો ગર્વ છે. સામાન્ય રીતે સામાન અમે જાતે જ ઉપાડીએ છીએ, પણ તેમને લાગે કે ભેટને કારણે વજન વધી જશે અને ચાલવામાં અસુવિધા રહેશે તો હવે પછી અમે જ્યાં પહોંચવાના હોઈએ ત્યાં સામાન પહોંચાડી દે છે. તેમનો પ્રેમ જીવનભરનું સંભારણું બની રહેશે. આ માત્ર પદયાત્રા નથી. એમાં સનાતન ધર્મના પ્રસારનો ઉદ્દેશ છે, શ્રદ્ધા અને સમર્પણ છે. ભૌતિક દુનિયાથી પર જઈને આત્મજ્ઞાન મેળવવાની તેમ જ આંતરિક શક્તિ સાથે જોડાવાની આ વ્યક્તિગત યાત્રા પણ છે.’

નીલેશ અને સોનિયાએ યાત્રાની શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે થોડા વધુ કિલોમીટર ચાલવું પડે તો વાંધો નહીં પણ હાઇવે અને સર્વિસ રોડનો જ ઉપયોગ કરવો છે. અંતર ટૂંકાવવા જંગલ અને ખેતરોમાં શૉર્ટકટ લેવાનું તેમણે ટાળ્યું છે. જરૂરિયાત પૂરતો સામાન રાખ્યો છે. રસ્તામાં ટ્રૅક પૅન્ટ પહેરવાનું પસંદ કરે છે. મંદિરોમાં દર્શન કરવા નવયુગલને શોભે એવાં કપડાં પહેરે છે, શૉપિંગ પણ કરે છે. વહેલી સવારે ચાલવાનું શરૂ કરે અને સાંજ પહેલાં ગંતવ્યસ્થાને પહોંચી જાય. દરરોજ લગભગ પચાસ કિલોમીટર ચાલવાની ક્ષમતા જાળવી રાખી છે. માસિક દરમ્યાન સોનિયાને વધુ કષ્ટ ન પડે એ માટે ૩૫થી ૪૦ કિલોમીટરમાં યાત્રા થંભાવી દે છે. હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે શરીરને ડીહાઇડ્રેટ રાખવા પ્રવાહી વધુ લે છે. યાત્રા દરમ્યાન પનીર, પરાઠા અને તળેલી વાનગીઓનો ત્યાગ કર્યો છે. તબિયત સાચવવા હળવો આહાર લે છે. હજી સુધી તેમને કોઈ મોટા પડકારોનો સામનો નથી કરવો પડ્યો. ૯ મહિનામાં મંદિરોમાં પૂજા, અભિષેક, દાન-ધર્મ, ખાવા-પીવામાં અને અન્ય ખર્ચ પેટે અંદાજે ૬ લાખ રૂપિયા ખર્ચ્યા છે. નીલેશ અને સોનિયાની પદયાત્રા યુવા પેઢી માટે એક સંદેશ છે. તેમનો હેતુ યુવાનોને સનાતન ધર્મનાં મૂળિયાં સાથે જોડી રાખવાનો છે. ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સે તેમની પદયાત્રાની નોંધ લીધી છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા ઇન્સ્ટાગ્રામ ID @dodillekyatra પર તેઓ પોતાની યાત્રાનાં અપડેટ્સ શૅર કરે છે. નીલેશની અમદાવાદમાં રેસ્ટોરાં છે અને સોનિયા ગૃહિણી છે. યાત્રા દરમ્યાન મુશ્કેલ સંજોગો અને બદલાતા હવામાન વચ્ચે તેમણે પોતાની શ્રદ્ધા અડગ રાખી છે.

ahmedabad travel mumbai travel travel news travelogue somnath temple kedarnath ujjain columnists Varsha Chitaliya