કુદરતી સૌંદર્ય પછી હવે ન્યુ ઝીલૅન્ડના શહેરી મિજાજને માણવા ચાલો

18 February, 2024 11:18 AM IST  |  Washington | Manoj Shah

વેલિંગ્ટનમાં માઉન્ટ વિક્ટોરિયા આઉટલુક પૉઇન્ટથી લઈને ન્યુ ઝીલૅન્ડનું જૂનામાં જૂનું ક્રિકેટ સ્ટેડિયમ બે​ઝિન રિઝર્વ ગ્રાઉન્ડ અને શૉપિંગ માટે પ્રખ્યાત ક્યુબા સ્ટ્રીટની સફર મજાની છે

ન્યુઝી લેન્ડ

ભારતમાંથી ફેરીનું આરક્ષણ કરતી વખતે અંદાજ હતો જ કે વેલિંગ્ટન પહોંચતાં રાત પડી જશે, કારણ કે શિયાળાના હિસાબે દિવસો ટૂંકા જ હોવાના. હોટેલ વેલિંગ્ટનના બારાથી નજીક જ હોવી જોઈએ એટલે રાત્રે વધારે કડાકૂટ ન થાય. ઇન્ટરનેટ પર તપાસ કરતાં ખબર પડી કે વેલિંગ્ટન અને અમારા આગલા પડાવ રોટોરુઆમાં એક જ ગ્રુપની હોટેલો આવેલી છે. એકમાં બુક કરાવો તો બીજા સ્થળે એ જ ગ્રુપની હોટેલમાં એકદમ વાજબી કહો કે ઓછા ભાવે તમને રૂમ મળી જાય. સામાન્ય રીતે વિદેશોમાં આપણે લગભગ બહાર જ રખડતા હોઈએ છીએ. હોટેલ તો ફક્ત થોડા વિરામ માટે અથવા કહો કે રાત્રે સૂવા માટે જ ઉપયોગમાં લેવાતી હોય છે. ફાઇવસ્ટારના ખોટા ધખારા ન રાખતાં મધ્યમ દરજ્જાની સારી હોટેલ હોય તો ચાલી જાય. ફાઇવસ્ટાર હોટેલનો એક આગવો અંદાજ, અલગ જ મિજાજ હોય છે એની ના નહીં; પરંતુ વધુ રખડવાનો શોખ ધરાવતા પ્રવાસીઓએ આ વિચારવા જેવું ખરું નહીં? અહીં અમારી હોટેલ હતી હોટેલ કૅપથૉર્ન (Copthorne), જે એકંદરે ઘણી જ સારી હોટેલ હતી. સૌથી મોટું આકર્ષણ કહો કે ફાયદો કહો - આ હોટેલ એકદમ જ બારાની સામે આવેલી છે.

વેલિંગ્ટન પ્રમાણમાં ઘણું નાનું છે એટલે બધું નજીક જ હોય છે, પરંતુ રાત્રે થોડી માનસિક રાહત રહે ખરી. વેલિંગ્ટનનું બારું રાત્રિના પ્રકાશમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. વૅનમાં ગોઠવાયા અને હોટેલ પર પહોંચ્યા. રૂમમાં સામાન હજી તો મૂક્યો અને ફોનની ઘંટડી રણકી. છોકરાઓને વેલિંગ્ટનનું રા​ત્રિદર્શન માણવું હતું. આમ પણ ઘણા દિવસો પછી ​નિયોન લાઇટ્સ જોઈ હતી. શહેરી ઝાકઝમાળ. ક્રાઇસ્ટ ચર્ચમાં ઓછો સમય મળ્યો. આ ઉપરાંત રિસૉર્ટ પણ શહેરથી દૂર ખરા. લગભગ નવેક દિવસ પછી શહેરની સોડમ માણી રહ્યા હતા. નકારને અવકાશ જ નહોતો. આમ પણ ડિનર તો બહાર જ લેવાનું નક્કી હતું એટલે થોડું રખડીશું અને પછી ડિનર. આજે દેશી, ભારતીય નહીં પણ વિદેશી વાનગીઓને ન્યાય આપીએ. રાત્રિના નવ વાગે વેલિંગ્ટન બંધ થવાની તૈયારીમાં જ હતું. ટ્રાફિક નહીંવત્ એટલે શહેરમાં ફરવાની મજા આવી. અડધો કલાક ફર્યા પછી મુખ્ય માર્ગ પર જે સારી રેસ્ટોરાં દેખાઈ એમાં પીત્ઝા, પાસ્તા, ઠંડાં પીણાંની જ્યાફત ઉડાવી બહાર નીકળ્યા ત્યારે ઘડિયાળ સાડાદસ દેખાડી રહી હતી. વેલિંગ્ટન બંધ. મુંબઈમાં તો ઘણા લોકોનો આ ઘરે પહોંચવાનો સમય હોય છે. અહીં વિકસિત રાષ્ટ્રોના લોકોને એક નિરાંત હોય છે. બહુ હાયવોય નહીં. આમ પણ બધા એકલા જ રહેતા હોય છે.

અહીંની સામાજિક વ્યવસ્થા આપણા કરતાં ઘણી જ ભિન્ન છે. છોકરાઓ સત્તર-અઢાર વર્ષે તો બહાર નીકળી જ જાય. મા-બાપ એકલાં એકબીજાના સહારે વૃદ્ધ થયા કરે, પરંતુ પ્રવૃત્તિમય જીવન ખરું. બધું કામ જાતે કરવું, ઘરની અને બગીચાની સાફ-સફાઈ. આ ઉપરાંત વ્યક્તિગત શોખને પણ પૂરતો સમય આપવો. આ બધું અહીં ઘણું જ સામાન્ય હોય છે. આપણા જેટલું સામાજિક જીવન આમ પણ અહીંના લોકો જીવતા નથી. શનિ-રવિ પૂરતું ઠીક. બાકી કામ કરો, મજા કરો એ જ જીવનમંત્ર.

કાલે શૉપિંગ કરવાનો બધાનો વિચાર હતો. મેં થોડાં મુખ્ય આકર્ષણોની મુલાકાત લઈને પછી શૉપિંગ કરીશું એવો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ થોડી આનાકાની પછી પસાર થઈ ગયો. ચાલો સરસ. પોતપોતાની રૂમમાં ગયા. મેં બારીમાંથી થોડો સમય બંદરની લાઇટો જોઈ, મકાનો જોયાં. પછી સવારે વહેલા ઊઠવાનું નક્કી કરીને પથારીમાં. વહેલી પડે સવાર. સવારે વાતાવરણ ખુશનુમા હતું. આકાશમાં વાદળો છવાયેલાં, પણ વરસાદ નહીં. વાદળિયું કહી શકાય. બારી ખોલી... મસ્ત ઠંડો પવન જાણે અટકેલો હોય એમ ધસી આવ્યો. રૂમમાં સવારની તાજગી છવાઈ ગઈ. આજે રૂમમાંથી જ ફોટોગ્રાફી કરી. બંદર ખૂબ જ આકર્ષક. મકાનોની બાંધણી, સુરેખ રીતે લાંગરેલી બોટ્સ. એકદમ જ ડાબે ખૂણે આવેલા મેદાનમાં કબૂતરોની આવન-જાવન. બધાં એકસાથે બેઠાં હોય અને કંઈક અવાજ આવતાં બધાં જ એકસાથે ઊડે, ચક્કર લગાવી પાછા સમૂહમાં બેસી પડે. ફોટોગ્રાફીની મજા આવી ગઈ. થોડો સમય પસાર થયો એટલે શહેરનો નકશો લઈને બેઠો. બધા હજી આરામમાં હતા. બહાર નીકળતાં બાર તો વાગશે જ એવું લાગી રહ્યું હતું.

અહીંનાં ત્રણ મુખ્ય આકર્ષણો છે. સૌપ્રથમ આવે માઉન્ટ વિક્ટોરિયા આઉટલુક પૉઇન્ટ. લગભગ ૬૫૦ ફુટની ઊંચાઈએ આવેલો આ પૉઇન્ટ એટલે વેલિંગ્ટનનું સૌથી ઊંચું સ્થાન. આ ટેકરી અને આજુબાજુનો હરિયાળો વિસ્તાર લગભગ ૨૭૦ એકરમાં પથરાયેલો છે. અહીંથી વેલિંગ્ટન શહેરનો નજારો બેનમૂન છે. ૩૬૦ ડિગ્રીનો વ્યુ ધરાવતા માઉન્ટ વિક્ટોરિયા પૉઇન્ટ પરથી આજુબાજુનાં દૃશ્યો માણવાની મજા જ અનોખી છે. અમે હોટેલથી નીકળ્યા અને પહેલાં આ પૉઇન્ટની મુલાકાત લેવાનું નક્કી કર્યું. છેક ઉપર સુધી ગાડી લઈ જઈ શકાય છે. ઘણા લોકો ગાડી નીચે પાર્ક કરીને આ નાની ટેકરી ચડવાની મજા લેતા હોય છે, પરંતુ અમારો આવો કોઈ ઇરાદો નહોતો. ગાડી ઉપર સુધી લઈ ગયા, પાર્ક કરી અને પછી જઈ પહોંચ્યા એક વિશાળ ચોકમાં. વાહ, આખા વેલિંગ્ટનનો ભવ્ય નજારો. આ ઉપરાંત બંદરગાહ અને દરિયો તો ખરા જ. અહીં ઘણાં જ જૂનાં મકાનો આવેલાં છે એટલે ગેરુ રંગનાં છાપરાં તમારું ધ્યાન આકર્ષિત કરે ખરાં. એક બાજુ વળી આધુનિક, વિકસી રહેલું આ શહેર તમારું ધ્યાન ખેંચે. જગતની ખ્યાતનામ સલાહકાર કંપની ડેલોઇટની કાળા કાચ અને હીરા જેવા પાસા ધરાવતી ઇમારત અહીંથી ખૂબ જ આકર્ષક લાગે છે. એની બાજુમાં વળી ન્યુ ઝીલૅન્ડના પોસ્ટ ખાતાનું મકાન અને એની બાજુમાં પ્રસિદ્ધ વિક્ટોરિયા યુનિવર્સિટીનું મકાન. તો વળી એક બાજુ ક્રિકેટનું ગોળ સ્ટેડિયમ પણ દેખાય. અને આ શું છે વળી? દરિયાઈ બારાની બરોબર બાજુમાં રનવે દેખાયો! રનવે? હા જી. એકદમ જ અનોખો રનવે! દરિયો જેવો સમાપ્ત થાય કે આ હવાઈપટ્ટી શરૂ. વિમાન દરિયા તરફથી જ ઉતરાણ કરે અને આગળ વધી U ટર્ન લઈને દરિયા પરથી જ ઉડાણ પણ ભરે. દૂરથી તો આ રનવે નાનો લાગે. કદાચ નાનાં વિમાનો અહીંથી ચડ-ઊતર કરતાં હશે એવું પહેલી નજરે લાગ્યું, પરંતુ અમારી નજર સામે જ ઍરબસ ૩૫૦નું જહાજ ઊતર્યું ત્યારે સમજાયું કે આ તો એક પૂર્ણ વિકસિત વિમાનમથક પણ છે. જે પણ હોય, આ ઍરપોર્ટ દુનિયાનાં સૌથી સુંદર ઍરપોર્ટની યાદીમાં એકથી દસમા નંબર સુધીમાં ક્યાંય પણ મૂકી શકાય એટલું સુંદર છે. પવન સરસ ફૂંકાઈ રહ્યો હતો. બધા આમતેમ વિચરી રહ્યા હતા. ચોકમાં એક છેડે કાંસાની બનાવેલી તોપ પણ મૂકેલી છે
ઓગણીસમી સદીમાં સ્થપાયેલી આ તોપનો ઉપયોગ શું થતો હશે એ જાણવું છે? ૧૮૭૭થી ૧૯૦૦ એટલે કે ૨૪ વર્ષ સુધી આ તોપમાંથી બરોબર બાર વાગ્યે ગોળો છોડવામાં આવતો. આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ ધડાકો એક ઘડિયાળની ગરજ સારતો. તોપના આવા પણ ઉપયોગ વિશે તો પહેલી વાર જાણ્યું. ઉપર એક સુંદર કૅફેટેરિયા પણ આવેલી છે. અહીંના મૂળ નિવાસી માઓરીનાં લાલ રંગે રંગાયેલા લાકડાનાં આકર્ષક બાવલાં પણ તમારું ધ્યાન ખેંચે ખરાં. માઉન્ટ વિક્ટોરિયાની મુલાકાત વગર તમારી વેલિંગ્ટનની મુલાકાત અધૂરી છે એ જાણશો. આગળ લખ્યા મુજબ માઉન્ટ વિક્ટોરિયાની બાજુમાં જ એક ગોળ ક્રિકેટ સ્ટેડિયમ તમારું ધ્યાન આકર્ષિત કરે છે. આ છે ન્યુ ઝીલૅન્ડનું જૂનામાં જૂનું ક્રિકેટ સ્ટેડિયમ બે​ઝિન રિઝર્વ ગ્રાઉન્ડ. અહીં પહેલી મૅચ રમાઈ હતી ૧૧-૧-૧૮૬૮ના દિવસે. છેક ૧૮૬૮માં સ્થપાયેલા ન્યુ ઝીલૅન્ડના આ ક્રિકેટ સ્ટેડિયમનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. વાચકમિત્રો, અહીં પહેલાં એક સરોવર, જળાશય લહેરાતું હતું જેને સ્થાનિક લોકો બે​ઝિન લેક કહેતા હતા. મૂળભૂત રીતે તો અહીં બંદર વિકસાવવાનું પણ નક્કી જ હતું, પરંતુ કુદરતને કદાચ એ મંજૂર નહીં હોય. ઈસવીસન ૧૮૫૫માં અહીં આઠની માત્રાનો અતિ તીવ્ર ભૂકંપ આવ્યો અને માનશો, આ આખો ભૂખંડ લગભગ છ ફુટ ઊંચકાઈ ગયો! સરોવરની જગ્યાએ મેદાન આવી ગયું. સરોવર સુકાઈ ગયું અને સરોવરનું સ્થાન લીધું કાદવ-કીચડથી ગંધાતી કળણભૂમિએ. કાળક્રમે કળણ સુકાતાં ગયાં અને અહીં ભરવાડો ઘેટાં ચરાવવા આવવા લાગ્યા. ધીમે-ધીમે સ્થાનિક લોકો અહીં રમતો રમવા લાગ્યા. માઉન્ટ વિક્ટોરિયા નજીક જ હોવાથી જમીન સમથળ થતી ચાલી.

વેલિંગ્ટન શહેરનો પણ વિકાસ થઈ રહ્યો હતો. સ્થાનિક રમતગમતની સંસ્થાની અહીં નજર પડી અને અહીં એક મેદાન બનાવવાનું નક્કી કર્યું. ઇંગ્લૅન્ડને હિસાબે અહીં ક્રિકેટની ઘેલછા વધી રહી હતી અને શહેરમાં જ આવેલા આ મેદાનને સ્ટેડિયમ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું. બાકી તો પછી ઇતિહાસ સાક્ષી છે. પૂર્ણ વિકસિત આ સ્ટેડિયમ વેલિંગ્ટન શહેરનું નહીં પણ ન્યુ ઝીલૅન્ડનું નાક છે એમ કહી શકાય. આ માઉન્ટ વિક્ટોરિયા સાથે તો હૉલીવુડ પણ સંકળાયેલું છે એ તો પછીથી ખબર પડી. લૉર્ડ ઑફ ધ રિંગ્સના બે એપિસોડનું અહીં શૂટિંગ થયું છે એ જાણ ખાતર. 
માઉન્ટ વિક્ટોરિયાથી નીચે ઊતરવા માઉન્ટન બાઇક્સ એટલે કે સ્પેશ્યલ પ્રકારની સાઇકલ પણ મળે છે, પરંતુ અતિશય તીવ્ર ઢોળાવ ધરાવતી આ ટેકરીનાં હરિયાળાં જંગલોમાંથી પસાર થવું આસાન નથી એટલે આવું જોખમ ન લીધું. કૅફેમાં અમે થોડા જણે કૉફી પીધી અને નાસ્તો કર્યો. પછી નીચે ઊતરી ગયા.

હવે વારો હતો અહીંની પ્રખ્યાત અને ઐતિહાસિક વૅલેન્ટાઇન કેબલકારનો. અમને લાગ્યું કે ટ્રૉલી હશે અને કોઈ બીજી ટેકરી પરથી શહેરનો નજારો પાછો માણી શકાશે એટલે આ કેબલકારની સવારી કરવાનું નક્કી કરીને અમે તો શહેરની મધ્યમાં આવેલા લેમ્બટન કવે વિસ્તારમાં પહોંચી ગયા. અહીં હવે કેબલકાર લેનને જ ગોતવાની હતી. વૅન પાર્ક કરીને અમે ચાલી નીકળ્યા. એકાદ જગ્યાએ પૂછ્યું તો થોડુંક જ આગળ છે એમ જણાવ્યું. થોડું નહીં પણ ઘણા આગળ નીકળી ગયા. વળી પાછું બીજે પૂછ્યું તો કહે કે તમે તો આગળ આવી ગયા, વળો પાછા. પાછા વળતાં પણ આ લેન ચોક્કસ ચુકાઈ જ જાત, પરંતુ ભલું થજો કે એક સાંકડી શેરીના નાકે એક થાંભલા પર કેબલકારની પ્રતિકૃતિ દેખાઈ ગઈ. કેટલી સાંકડી શેરી? કંઈ મજાક છે કે શું? આ એકદમ જ સાંકડી શેરીના છેડે બોર્ડ લાગેલું હતું કેબલકાર લેન. હાશ, ચાલો અંદર. પરંતુ આ શું? અંદર થોડું ચાલ્યા કે રસ્તો પહોળો થઈ ગયો. જમણે એક કાઉન્ટર હતું અને એક માણસ ટિકિટ વેચી રહ્યો હતો. ગિરદી પ્રમાણમાં ઓછી હતી, પરંતુ થોડી નવાઈ તો લાગતી જ હતી. આવી સાંકડી ગલીમાં થઈને થોડા વિશાળ કોઈ મકાનના છેડેથી તમે ઐતિહાસિક કેબલકારનો પ્રવાસ કરશો. માનવામાં જ ન આવે, પરંતુ આ હકીકત હતી. ટિકિટ લઈને અંદર પ્રવેશ્યા અને આંખો ખૂલી ગઈ. ના... ના... ફાટી ગઈ. આ કોઈ ટ્રૉલી કાર નહોતી. આ તો પાટા પર ચાલતી ટ્રામ હતી. ટિકિટ પ્રમાણમાં મોંઘી હતી, પરંતુ આનું ઐતિહાસિક મહત્ત્વ છે એટલે પૈસા વધારે ચચર્યા નહીં. ચાલે. આમ જુઓ તો એક આખી ઢોળાવવાળી ટેકરી હતી. ટ્રામમાં બેસો અને ઉપર લાગેલા કેબલના હિસાબે ધીમે-ધીમે ટ્રામ ઉપરની તરફ ચાલે. ગીચોગીચ શહેરની મધ્યમાંથી તમે જાણે ઉદય પામો છો અને ધીમે-ધીમે ઊંચાઈ સર કરતાં-કરતાં, આજુબાજુનો નજારો માણતાં-માણતાં પાંચ મિનિટમાં જ ઉપર પહોંચી જાઓ છો. આ ટોચને અને આજુબાજુના વિસ્તારને કેલબર્ન (Kelburn) કહે છે. વધારે નવાઈની વાત એ છે કે અહીં માણસો વસે છે. આ ધનાઢ્ય લોકોનો રહેણાક વિસ્તાર છે. ધ્યાન રાખવું. ભૂલેચૂકે કોઈના ઘરમાં ડોકિયાં કરવાના પાપમાં ન પડી જવાય. અહીં તેમણે એક નાનકડું ટ્રામ મ્યુઝિયમ પણ બનાવ્યું છે. આ ઉપરાંત ટેકરીની મધ્યમાં આવેલી શાળાનું મેદાન પણ દેખાય ખરું. ઘણું જ અજુગતું લાગે, પરંતુ આ એક હકીકત છે. એવું પણ હોઈ શકે કે પ્રથમ આ ટેકરી પર ટ્રામ ઉપર-નીચે આવ-જા કરતી હોય અને પછીથી એની આજુબાજુ માલદાર લોકોએ રહેઠાણ વસાવી લીધાં હોય. આ સવારી નાના છોકરાઓ માટે બરાબર છે, પરંતુ આપણા માટે આ વસ્તુ કામની નથી. છેતરાયાની લાગણી થાય. ખેર છોડો.

વિદેશોમાં નાની-નાની ખૂબીઓને પણ એટલી સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરાય છે કે તમે પણ સકંજામાં આવી જ જાઓ. જોકે આવા અનુભવો વગર આપણને આપણા વારસાની, કળાની, સંસ્કૃતિની મહત્તા સમજાતી નથી એ પણ એક હકીકત છે. આવા અનુભવો જરૂરી છે. બધા ભેગા થયા. ખૂબ જ હસ્યા.

મેં હવે ખરું રહસ્ય ખોલ્યું. જમીને પછી હવે જે સ્થળે અમે જઈ રહ્યા હતા એ આખો વિસ્તાર શૉપિંગ માટે સ્વર્ગ સમાન છે એવી ઘોષણા કરી નાખી. કરો તમતમારે ખરીદી. આ વિસ્તાર છે પ્રખ્યાત ક્યુબા સ્ટ્રીટ. અહીંની ઘણીબધી શેરીઓમાં, રસ્તા પર વાહનોને સંપૂર્ણ પ્રવેશબંધી છે એટલે મન મૂકીને ફરો તમતમારે, કોઈ વાંધો નથી. કેબલ લેનમાંથી બહાર નીકળ્યા. ક્યુબા સ્ટ્રીટ જવા માટે ડાબે વળ્યા. હજી તો આ વિસ્તાર છોડ્યો પણ નહોતો, જમવાનું પણ બાકી છે; પરંતુ લોકોનો ઉત્સાહ તો જુઓ. પચાસેક મીટર જ આગળ ચાલતાં રસ્તાની સામેની બાજુએ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ્સની દુકાન નજરે ચડી. એ તો ઠીક, પરંતુ એની બાજુમાં સિમ્પલી ન્યુ ઝીલૅન્ડ લખેલી એક આકર્ષક દુકાન હતી. આ એક સુવે​નિયર એટલે કે પ્રવાસનાં સંભારણાં ખરીદવા માટેની દુકાન છે. હજી રોકું એ પહેલાં તો અમારી સંખ્યા અડધી થઈ ગઈ. છ જણ તો રસ્તો પસાર કરીને દુકાનમાં ઘૂસી ગયા. ક્યુબા સ્ટ્રીટ હજી થોડે દૂર હતી, પરંતુ હવે કોણ સાંભળે? મારે અત્યારે કંઈ જ ખરીદવું નહોતું એટલે હું રસ્તા પર આવેલા બાંકડા પર બેસી ગયો. સામે બરાબર સ્વરોવ્સ્કીની દુકાન. દુકાનની આગળ પીળાં પાન ધરાવતું વૃક્ષ અને સૌમ્ય પ્રકાશ. સરસ સંયોજન. કૅમેરા કાઢ્યો અને ફોટો લીધા. વાચકમિત્રો, ક્યુબા સ્ટ્રીટના નામથી ખોટા ભ્રમમાં નહીં રહેતા કે ક્યુબા દેશ પરથી કે અહીં ક્યુબાથી આવેલા વસાહતીઓ પરથી આનું નામ ક્યુબા સ્ટ્રીટ પડ્યું છે. ત્રીજી જાન્યુઆરી ૧૮૪૦માં અહીં એક જહાજ નાંગર્યું હતું. નામ હતું ક્યુબા. આ જહાજ વસાહતીઓને લઈને આવ્યું હતું અને જહાજના નામ પરથી આ વિસ્તાર ક્યુબા તરીકે ઓળખાવા લાગ્યો. વસાહતીઓમાંથી પણ એક ટોંક પરિવારે અહીં સૌથી વધારે જમીન ખરીદી અને અહીં વસી ગયા. એક સમયે અહીં આ ટોંક કુટુંબનો દબદબો હતો. હજી પણ ઘણી શેરીઓને ટોંક કુટુંબના મોભીઓનાં નામ આપેલાં છે. મૂળ ક્યુબા સ્ટ્રીટ તો એક કિલોમીટર જ લાંબી છે, પરંતુ આ સ્ટ્રીટ અને એની આજુબાજુનો વિસ્તાર સમગ્ર વેલિંગ્ટનનો સૌથી જીવંત વિસ્તાર ગણાય છે. અહીં સુંદર મજાની દુકાનો છે, આર્ટ ગૅલરી છે, કૅફે છે, રેસ્ટોરાં છે. વર્ષો જતાં અહીં સ્થપાયેલી ઘણી જ કૅફે, રેસ્ટોરાં, દુકાનો ક્યુબા દેશની સંસ્કૃતિને જાણે જીવંત કરતાં હોય એવું લાગે ખરું. ક્યુબાની જેમ જ આ સમગ્ર વિસ્તાર ક્યુબન સિગાર, સંસ્કૃતિ અને સાઉથ અમેરિકન સંગીતથી ધમધમે છે. આ પચરંગી, સપ્તરંગી સંસ્કૃતિ સરકારને એટલી બધી ફાવી ગઈ કે ૧૯૩૩માં સરકાર હિસ્ટોરિક પ્લે​સિસ ઍક્ટ અમલમાં લાવી. કોઈ મકાન તોડવાનું તો નહીં જ, પરવાનગી વગર નવું બનાવવાનું પણ નહીં. આ ઍક્ટથી ૪૦ ઐતિહાસિક ઇમારતો સચવાઈ ગઈ, એના મૂળભૂત સ્વરૂપમાં જળવાઈ રહી. ભલે પછી એ પીળા રંગનું બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડનું મકાન હોય કે પછી કોલંબિયા હોટેલનું લાક્ષણિક મકાન. આ બધાં મકાનો ૧૯મી સદીને અહીં જાણે જીવંત કરે છે. રંગબેરંગી આ મકાનો, આર્ટ ડેકોરની સુંદર ગુંથણી ધરાવતાં આ મકાનો ક્યુબા સ્ટ્રીટને એક અનેરી શાન બક્ષે છે. દુકાનો પણ વળી કેવી? તમે ખરેખર કોઈ દક્ષિણ અમેરિકાના શહેરમાં ફરતા હો એવું જ લાગે. સંગીતમય અને સંગીત પણ જાણે કોઈ કાર્નિવલમાં વાગતું હોય એવું. તુમતડામ. મજા આવી જાય. અમને પણ મજા પડી ગઈ. વેચાતી વસ્તુઓના ભાવ પણ એકદમ જ વાજબી. ઘણી ખરીદી કરી. ત્યાં તો વળી એક ​મિલિટરી શૉપ પર નજર પડી. આ કેવી દુકાન! ફક્ત મિ​લિટરીનો સામાન જ વેચે. ઑલિવ ગ્રીન રંગ જ બધે દેખાય. એક-એકથી ચડે એવી લશ્કરી વસ્તુઓ. આમ પણ યુનિફૉર્મનું આકર્ષણ કાયમ જ રહ્યું છે. નાની બૅગ, નાનું હોકાયંત્ર ધરાવતી કી-ચેઇન અને થોડા લશ્કરી બૅજ પણ લીધાં. સરસ મજાની દુકાન હતી. આવી વિશેષ સ્પેશ્યલ દુકાનો, જેને થીમ શૉપ્સ કહી શકાય એવી દુકાનો પણ ખરી. એક દુકાનમાં વળી ફક્ત ચોકડાવાળાં શર્ટ્સ, જૅકેટ્સ વેચાતાં મળે. ફક્ત ચોકડાવાળાં. મસ્ત, જાડા ધડસા જેવા મજબૂત ટકાઉ ચોકડાવાળાં. રસ્તાની બંને બાજુ દુકાનોની ભરમાર. દરેકેદરેક વસ્તુ અહીં મળતી હોય એવું લાગે. સાવધાની પણ રાખવી. અહીં ઝઘડો થાય તો આપણું કામ જ નહીં. એક દુકાનની બહાર ફુટપાથને અડીને જ એક મસ્ત મોટી ગાડી પાર્ક કરી હતી. બૉનેટ પર લખ્યું હતું Eldorado. જબરદસ્ત ગાડી હતી. કૅડિલેક કંપનીની આ ગાડીનું ગજબનું આકર્ષણ દુનિયાભરમાં કાયમ રહેવાનું જ. નાનપણમાં ભારતમાં આપણે આવી ગાડીઓને ઇમ્પાલા કહેતા એવું આછું-આછું યાદ છે.

સાંજ પડી રહી હતી એટલે અમે એટલે કે હું અને મારો કૅમેરા પહોંચ્યા જગપ્રસિદ્ધ બકેટ ફાઉન્ટનની સામે. બીજું કોઈ દેખાતું નહોતું. બકેટ ફાઉન્ટેન એક સુંદર કૃતિ છે. ઈસવીસન ૧૯૬૯માં આ ફુવારો તત્કાલીન પ્રખ્યાત આર્કિટેક્ટ ગ્રેહામ એલારડાઇઝ ઑફ બરેન તથા કીન દ્વારા બનાવીને અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે. અલગ-અલગ બકેટ્સ એટલે કે બાલદીઓનો ટાવર જોઈ લો. ભૌતિકશાસ્ત્રના ગુરુત્વાકર્ષણ તથા જથ્થાના નિયમોનું અમલીકરણ. સાવ ઉપર નળ લાગેલો હોય. નળમાંથી આવતા પાણીથી સૌથી ઉપરની બાલદી ભરાય અને એક લેવલથી ઉપર જળસપાટી વધતાં આ બાલદી ઊલટી થાય. બાલદી ઊલટી થતાં એની અંદર રહેલું પાણી નીચેના કોઈ ખૂણે ગોઠવાયેલી બીજી બાલદીમાં ઠલવાય. બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાંથી ચોથીમાં આમ ઠલવાતું રહેતું પાણી છેલ્લે સાવ નીચે આવેલી બાલદીમાં ઠલવાઈ જાય. આ હાલકડોલક થતી બાલદીઓને એકબીજામાં ઠલવાતાં જોવાની મજા પડી જાય. એમાં વળી પાછું સંગીત પણ ચાલ્યા કરે. આ ઇન્સ્ટૉલેશનનું પહેલું નામ હતું ‘વૉટર મોબાઇલ’ એટલે કે પાણીની ગતિ, પરંતુ બધા હવે આને ધ બકેટ ફાઉન્ટન કહે છે. ક્યુબા સ્ટ્રીટનું ખાસ આકર્ષણ છે આ બકેટ ફાઉન્ટન. વળી પાછી પવનની પણ કેવી આણ. તીવ્ર પવન ફૂંકાતો આવે અને ઠલવાઈ રહેલા પાણીને પોતાની સાથે લઈને ચાલે. પાણીનો જથ્થો વાછંટમાં પરિણમે અને આજુબાજુ ટહેલી રહેલા સહેલાણીઓ પર આ વાછંટનો છંટકાવ! વાહ! જલસો પડી જાય.

આ ક્યુબા સ્ટ્રીટે તો ખરેખર અમારી બપોર અને સાંજ સુધારી નાખી. જાણે ઓગણીસમી સદીનું કોઈ શહેર જીવંત થઈ ઊઠ્યું હોય એવું લાગે. બપોરનું જમવાનું ક્યાંય વીસરાઈ ગયું. બીજી સંસ્કૃતિને ઓળખવાની, પિછાણવાની આ જ ખરી મજા છે. ક્યુબા સ્ટ્રીટ ઝળહળી રહી હતી, સંગીત વાગી રહ્યું હતું, બાલદીઓ એકબીજામાં ઠલવાઈ રહી હતી, પાણીનો છપાક-છપાક અવાજ આવી રહ્યો હતો. પવન પાણીની સિકરોથી અમને બધાને પલાળી રહ્યો હતો. બધાના ચહેરા ચમકી ઊઠ્યા હતા, મલકાઈ રહ્યા હતા. અમારો પ્રેમ પણ એકબીજા પર ઠલવાઈ રહ્યો હતો. વેલિંગ્ટન વર્તાઈ રહ્યું હતું. સંગાથનું સુગમ સંગીત રેલાઈ રહ્યું હતું. વેલિંગ્ટનથી વિદાય અને પ્રવાસના આગલા પડાવની વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે.

travel news travelogue travel new zealand columnists