ઍપલનું આ ‘લૉકડાઉન’ બધા માટે નથી

08 July, 2022 12:35 PM IST  |  Mumbai | Harsh Desai

આઇફોન, આઇપૅડ અને મૅક કમ્પ્યુટર્સ માટે પેગાસસ જેવા અન્ય વાઇરસથી બચવા માટે આ ફીચરને કરવામાં આવ્યું લૉન્ચ : પૉલિટિશ્યન, સેલિબ્રિટીઝ અને સરકારી કર્મચારીઓ; જેમના પર પ્રાઇવેટ કંપનીઓ દ્વારા વાઇરસનો અટૅક થઈ શકે એમના માટે જ આ ફીચર છે

પ્રતીકાત્મક તસવીર

ડિજિટલ સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને ઍપલે હાલપૂરતાં કેટલાંક ફંક્શન પર મહત્ત્વનું ફોકસ કર્યું છે. મેસેજિસમાં ખાસ કરીને ઇમેજને છોડીને જેટલા પણ અટૅચમેન્ટવાળા મેસેજ હશે એને બ્લૉક કરી દેવામાં આવશે.

ઍપલ દ્વારા હાલમાં જ ‘લૉકડાઉન મોડ’ની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર ખાસ આઇફોન, આઇપૅડ અને મૅક કમ્પ્યુટર્સ માટે જ ઉપલબ્ધ છે. એટલે કે આઇવૉચ માટે હજી એની જાહેરાત કરવામાં નથી આવી. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે કાઢવામાં આવ્યું છે જેમને પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવતા સ્પાયવેરથી રક્ષણ આપવામાં આવશે. થોડા સમય પહેલાં જ પેગાસસ નામના વાઇરસે કેર મચાવ્યો હતો. જોકે હવે ઍપલે એની સિક્યૉરિટીમાં ખૂબ જ વધારો કરી દીધો છે. પેગાસસ જ નહીં, પરંતુ એના બાપ હોય એવા વાઇરસ પણ હવે આ મોડ ઍક્ટિવેટ હશે ત્યારે એ ડિવાઇસને હૅક નહીં કરી શકે.

શું છે ‘લૉકડાઉન મોડ’? | પેગાસસ જેવા વાઇરસ મોબાઇલ અથવા તો કમ્પ્યુટરમાંથી ડેટા ચોરી લે છે. તેમ જ કૅમેરાનો પણ જાણ બહાર ઉપયોગ કરે છે. આ પ્રકારના ડિવાઇસનો ઉપયોગ ન થાય એ માટે ઍપલ ‘લૉકડાઉન મોડ’ લઈને આવ્યું છે. આ ફીચર ઑન હશે ત્યારે સિસ્ટમનું દરેક ઍક્સેસ ખૂબ જ લિમિટેડ થઈ જશે. તેમ જ દરેક વસ્તુ માટે યુઝરે પરવાનગી આપવાની રહેશે અને જે પરવાનગી આપશે એ જ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આથી કોઈ પણ પ્રકારનો વાઇરસ ડિવાઇસની કોઈ પણ ફીચર કે કૅમેરા કે કૉલ લૉગ ડીટેલ વગેરે ઍક્સેસ નહીં કરી શકે. આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ ફીચર છે જે અત્યાર સુધી કોઈ પણ કંપનીએ મોબાઇલ કે લૅપટૉપ માટે લૉન્ચ નથી કર્યું.

ક્યારે આવશે? | આ ફીચરને હાલમાં ડેવલપરની ઓએસમાં આપ્યું છે. આ ફીચરને iOS 16, iPadOS 16 અને macOS વેન્ચુરામાં રિલીઝ કરવામાં આવશે એવી શક્યતા છે. આ ફીચર ખાસ અને ખાસ સિલેક્ટેડ યુઝર્સ માટે જ હશે. પૉલિટિશ્યન અને સેલિબ્રિટીઝ જેવા યુઝર્સ જેમના ડેટા લીક થઈ શકે તો પ્રૉબ્લેમ આવી શકે અથવા તો સરકારી કર્મચારીઓ માટે જ આ ફીચર આવશે.

શેના પર હશે ફોકસ? | ડિજિટલ સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને ઍપલે હાલપૂરતાં કેટલાંક ફંક્શન પર મહત્ત્વનું ફોકસ કર્યું છે. મેસેજિસમાં ખાસ કરીને ઇમેજને છોડીને જેટલા પણ અટૅચમેન્ટવાળા મેસેજ હશે એને બ્લૉક કરી દેવામાં આવશે. તેમ જ લિન્ક પ્રિવ્યુ જેવાં ફીચર્સને ડિસેબલ કરી દેવામાં આવશે. વેબ બ્રાઉઝરમાં જસ્ટ-ઇન-ટાઇમ જાવાસ્ક્રિપ્ટ કમ્પાઇલેશનને ડિસેબલ કરી દેવામાં આવશે. આ સાથે જ એના જેવી કેટલીક કૉમ્પ્લેક્સ ટેક્નૉલૉજીને પણ વેબ બ્રાઉઝરમાં ડિસેબલ કરી દેવામાં આવશે. લૉકડાઉન મોડમાં યુઝર જોઈ કોઈ વેબસાઇટને ટ્રસ્ટેડ વેબસાઇટ તરીકે ઍડ કરશે તો જ એનો ઉપયોગ પણ કરી શકાશે. ઍપલ સર્વિસના ઇન્વિટેશન અને સર્વિસ રિક્વેસ્ટને બ્લૉક કરી દેવામાં આવશે. ઉદાહરણ તરીકે ફેસટાઇમ કૉલ્સ પણ બ્લૉક હશે. જો યુઝરે પહેલો કૉલ ન કર્યો હોય અથવા તો રિક્વેસ્ટ ન કરી હોય તો ફેસટાઇમના ઇનકમિંગ કૉલ બંધ થઈ જશે. આઇફોન લૉક હશે ત્યારે કમ્પ્યુટર અથવા તો અન્ય કોઈ પણ ડિવાઇસ સાથે વાયર કનેક્ટ હશે તો પણ એ કામ નહીં કરે. આ સાથે જ કૉન્ફિગ્યુરેશન પ્રોફાઇલ પણ ઇન્સ્ટૉલ નહીં કરી શકાય. ઍપલે હાલપૂરતી આટલી સર્વિસ પર ફોકસ કર્યું છે જેનાથી વાઇરસ ડિવાઇસમાં આવી શકે. જોકે સમયની સાથે તેઓ ‘લૉકડાઉન મોડ’માં વધુને વધુ સિક્યૉરિટીનો સમાવેશ કરશે.

૨૦ લાખ ડૉલર સુધીનું ઇનામ

ઍપલે આ ફંક્શનની જાહેરાત કરવાની સાથે એક બાઉન્ટી પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કોઈ પણ રિસર્ચર ફર્મ અથવા તો કોઈ પણ વ્યક્તિ ‘લૉકડાઉન મોડ’ સિક્યૉરિટીને બાયપાસ કરી આપે અને કોઈ ફૉલ્ટ શોધી આપે તો એમને ઇનામ આપવામાં આવશે. આ ઇનામ કયા પ્રકારનું બાયપાસ છે એના પર આધાર રાખશે. વધુમાં વધુ ૨૦ લાખ ડૉલરનું ઇનામ રાખવામાં આવ્યું છે જે અત્યાર સુધી આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ અને પહેલાં સૌથી વધુ હતું એના કરતાં ડબલ રાખવામાં આવ્યું છે.

columnists life and style tech news technology news harsh desai