તમારા સ્માર્ટફોનની બૅટરી બહુ નથી ચાલતી? તો ચેક કરો, તમે રોજિંદી ભૂલો તો નથી કરતાને

17 February, 2023 05:32 PM IST  |  Mumbai | Harsh Desai

દરેક સ્માર્ટફોનની બૅટરીની પોતાની લાઇફ હોય છે. તમારી આદતો અને કાળજી એ લાઇફ વધારી કે ઘટાડી શકે છે. મોબાઇલ કવરની ક્વૉલિટી, ઓછા વૉલ્ટેજનું ચાર્જર અને બૅટરી પર્સન્ટેજ પર ધ્યાન આપવાથી કઈ રીતે બૅટરી લાઇફ સુધારાય એ જાણીએ

તમારા સ્માર્ટફોનની બૅટરી બહુ નથી ચાલતી? તો ચેક કરો, તમે રોજિંદી ભૂલો તો નથી કરતાને

બૅટરીને ઓવરચાર્જ્ડ ન કરવી એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે એને ડ્રેઇન કરીને સાવ બે-પાંચ ટકા જ બચે એ પછી ચાર્જ કરવા મૂકવાની ભૂલ ન કરવી.

સ્માર્ટફોન આજે ગમેએટલા સ્માર્ટ બની ગયા હોય, પરંતુ એની પણ કાળજી એટલી જ રાખવી પડે છે. સ્માર્ટફોન ત્યારે સૌથી સારો પર્ફોર્મન્સ આપે છે જ્યારે એના બધા પાર્ટ્સ સારી રીતે કામ કરતા હોય અને એમાં સૌથી મહત્ત્વની બૅટરી છે. બૅટરીની કાર્યક્ષમતા ઓછી થતાં એના પર્ફોર્મન્સમાં પણ ઘણો બદલાવ જોવા મળે છે. બૅટરીમાં તકલીફ આવતાં સૌથી પહેલાં મોબાઇલના પર્ફોર્મન્સ પર જ અસર પડે છે. જોકે બૅટરીની કાર્યક્ષમતા સાચવી રાખવા એટલે કે એની આવરદા વધુ લાંબા સમય સુધી રાખવા માટે કેટલીક રોજિંદી આદતમાં બદલાવ કરવાની જરૂર છે. રોજિંદી આદત એટલે કે કેવી રીતે બૅટરી ચાર્જ કરવી વગેરે.

મોબાઇલ કવર

સ્માર્ટફોનમાં બૅટરી પર સૌથી વધુ અસર કરતું હોય તો એ મોબાઇલ કવર પણ છે. આજે મોબાઇલમાં સુપર ચાર્જ મોડ વગેરે આવે છે જે મોબાઇલની ચાર્જની સ્પીડ વધારે છે. જોકે એને કારણે બૅટરી વધુ જલદી ગરમ થાય છે. બૅટરી ગરમ થવાને કારણે મોબાઇલ પણ ગરમ થાય છે અને એને કારણે મોબાઇલનું કવર પણ ગરમ થાય છે. આ કારણસર મોબાઇલ બે સાઇડથી ગરમ થતાં ચાર્જ થવાની સ્પીડ પણ ઘટાડે છે અને બૅટરી પર લોડ પડતાં એની આવરદા પણ ઘટાડે છે. બૅટરી વારંવાર જેટલી વધુ ગરમ થાય એટલી જલદી એની આવરદા ઓછી થાય છે. આ સાથે જ હંમેશાં સારી કંપનીનાં કવર અથવા તો કેસનો ઉપયોગ કરવો. જલદી ગરમ થતાં હોય એવાં કવરનો ઉપયોગ કરવાનું ટાળવું. આ સાથે જ ચાર્જિંગનું કનેક્ટર જ્યાં હોય એ જગ્યાએ સારી એવી સ્પેસ હોય એવા કવરનો ઉપયોગ કરવો. ઘણાં કવરમાં ચાર્જિંગ કનેક્ટરને પ્રોટેક્શન માટે એને બંધ કરવાનો પણ ઑપ્શન આવે છે. જોકે એવા કવરનો ઉપયોગ ટાળવો, કારણ કે એ ચાર્જિંગ કનેક્ટરને ડૅમેજ કરે છે. જતે દિવસે એને ચેન્જ કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

વધુ વૉલ્ટનું ચાર્જર ટાળવું

સ્માર્ટ મોબાઇલને વધુ જલદી ચાર્જ કરવા માટે હવે કંપની દ્વારા વધુ વૉટનાં ચાર્જર આપવામાં આવી રહ્યાં છે. કેટલીક કંપનીઓ ૪૦ વૉટ અથવા તો ૬૦-૬૫ વૉટનાં પણ ચાર્જર આપે છે. આ ચાર્જર જલદી મોબાઇલ ચાર્જ તો કરે છે, પરંતુ એની આવરદા એટલી જ જલદી ઓછી પણ થાય છે. કંપનીએ ચાર્જ કરવાની કૅપેસિટીમાં વધારો કર્યો છે, પરંતુ બૅટરીની ક્ષમતામાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. આથી વારંવાર જેટલો વધુ લોડ પડે એટલી બૅટરી વધુ ડૅમેજ થાય છે. આ માટે ૨૦થી ૩૦ વૉટ સુધીના ચાર્જરનો ઉપયોગ કરવો હિતાવહ છે. મોબાઇલ ફોન માટે આટલા વૉટનાં ચાર્જર પૂરતાં છે. જો વધુ વૉટનું ચાર્જર સાથે આવ્યું હોય તો એક સેકન્ડરી ચાર્જર સાથે રાખવું, જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય. વધુ વૉટના ચાર્જરનો ઉપયોગ ઇમર્જન્સી યુઝ માટે રાખવો. આ સાથે જ વધુ વૉટના ચાર્જરને પૂરી રાત ચાર્જમાં મૂકી રાખતાં બૅટરી પર પણ એની અસર થાય છે.

આ પણ વાંચો: શૉપિંગ ઍપ કરતાં ગૂગલ શૉપિંગ તમને વધુ સ્માર્ટ શૉપર બનાવશે

ઓછા પર્સન્ટેન્જ ન થવા દેવા

બૅટરીને ચાર્જ કરવા માટેની પણ એક ચોક્કસ રીત એટલે કે આદત રાખવી. મોબાઇલને પૂરી રાત ચાર્જમાં ન મૂકવા. જો પૂરી રાત ચાર્જમાં મૂકવાની આદત હોય તો એ માટે ઍપલના આઇફોનમાં એક ફીચર આપ્યું છે. એમાં બૅટરી ઑપ્શનમાં જઈને બૅટરી હેલ્થ અને ચાર્જિંગમાં જઈને ઑપ્ટિમાઇઝ બૅટરી ચાર્જિંગ ઑન કરી દેવું. આ ઑપ્શન ઑન કરતાં યુઝરની આદત અનુસાર આઇફોન ચાર્જ થશે. એટલે કે યુઝર રાતે એક વાગ્યે મોબાઇલ ચાર્જમાં મૂકતો હોય અને સવારે નવ વાગ્યે કાઢતો હોય તો આઇફોન ૮૦ ટકા એની નૉર્મલ સ્પીડ મુજબ ચાર્જ કરશે. ત્યાર બાદ બાકીના ૨૦ ટકા માટે ચાર્જિંગ સ્પીડને એકદમ સ્લો કરી દેશે. એટલે યુઝરનો ઊઠવાનો સમય થાય ત્યાં સુધીમાં બૅટરી ફુલ થઈ જાય અને એના પર લોડ પણ નહીં પડે. આ ફીચર દરેક મોબાઇલમાં નથી આવતું. ઘણી કંપની હવે આ ફીચર આપી રહી છે, પરંતુ દરેક બજેટ ફોન માટે આ એટલું યુઝફુલ નથી. આથી ચાર્જિંગ સ્ટાઇલને પોતાની રીતે કન્ટ્રોલ રાખવી. ૮૦ ટકાથી નીચે આવે કે તરત મોબાઇલને ચાર્જમાં ન મૂકી દેવો. વારંવાર બૅટરી ચાર્જ કરવાથી એની સાઇકલ પર અસર પડે છે અને એની આવરદા ઓછી થાય છે. તેમ જ ૨૦ ટકા કે એનાથી ઓછી બૅટરી થાય કે તરત મોબાઇલને ચાર્જમાં મૂકી દેવો. મોબાઇલમાં ૨૦ ટકા થાય એટલે બૅટરીનો કલર રેડ થઈ જાય છે. આ બે ઇન્ડિકેશન છે. પહેલું કે બૅટરી ઓછી છે અને બીજું કે બૅટરી ઓછી થતાં હવે પર્ફોર્મન્સ પર અસર પડવાનું શરૂ થશે. બૅટરી જેટલી ઓછી એટલી પર્ફોર્મન્સ પર અસર પડે છે અને પર્ફોર્મન્સને સ્મૂધ રાખવા માટે મોબાઇલ વધુ બૅટરીનો ઉપયોગ કરે છે અને એને કારણે એના પર વધુ અસર પડે છે. આ લોડ ન પડે એ માટે જ લો પાવર મોડ આપવામાં આવ્યો હોય છે જેથી મોબાઇલ બૅટરીનો વધુ ઉપયોગ ન કરે. જોકે મોટા ભાગના લોકો એનો ઉપયોગ નથી કરતા. પણ જો એનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાર્જ કરતા સમયે ૨૦ ટકાથી વધુ ઓછી બૅટરી ન થવા દેવી.

columnists harsh desai technology news tech news life and style