ભારતીય આર્મી માટે યુનિક ડ્રોન બનાવે છે આ અમદાવાદી ભાઈ

04 August, 2025 06:57 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

તૈયાર કરેલા ‘ગતિ ડ્રોન’ પાંચથી દસ કિલોમીટરની રેન્જમાં બે ગ્રેનેડ ફેંકીને પાછું પોતાની જગ્યાએ આવી જાય એવું છે

પોતે બનાવેલા ડ્રોન સાથે કેશવકાંત શર્મા.

NCCમાં ટ્રેઇનિંગ દરમ્યાન અમદાવાદના કેશવકાંત શર્માને આર્મી માટે ડ્રોન બનાવવાનો વિચાર આવેલો. તેમણે તૈયાર કરેલા ‘ગતિ ડ્રોન’ પાંચથી દસ કિલોમીટરની રેન્જમાં બે ગ્રેનેડ ફેંકીને પાછું પોતાની જગ્યાએ આવી જાય એવું છે. વૉર સિચુએશનમાં કામ લાગે એવું AI ઑટોમેટેડ ડ્રોન હવે તેઓ ભારતીય સેના માટે જથ્થાબંધ સંખ્યામાં બનાવી રહ્યા છે

સ્કૂલ-કૉલેજના અભ્યાસ દરમ્યાન ઘણાબધા સ્ટુડન્ટ્સ નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC)માં જોડાઈને  ટ્રેઇનિંગ લેતા હોય છે. આ ટ્રેઇનિંગ દરમ્યાન સ્ટુડન્ટ્સમાં દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના જાગૃત થતી હોય છે. અમદાવાદના કેશવકાંત શર્મા આ પૈકીનો એક કૅડેટ હતો જેણે દેશ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા સાથે NCCની ટ્રેઇનિંગ દરમ્યાન આર્મી માટે ડ્રોન બનાવવાનું સપનું જોયું. અમદાવાદની નિરમા કૉલેજમાં તે ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ કમ્યુનિકેશનમાં સ્ટડી કરતો હતો એટલે ડ્રોન બનાવવાનું કામ તેના માટે થોડું સરળ બન્યું. દિવસ-રાત મહેનત કરી અને આર્મી માટે એક એવું ડ્રોન ડિઝાઇન કર્યું કે એની ટેક્નિક જોયા પછી આર્મીએ એની ટ્રાયલ કરીને તેને ડ્રોન બનાવવા માટે ઑર્ડર આપ્યા છે.  

પોતાની કરીઅરની શરૂઆતમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ખેવના સાથે કામ કરનાર આ યુવાનને કેવી રીતે આર્મી માટે ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો એ વિશે વાત કરતાં કેશવકાંત શર્મા
‘મિડ-ડે’ને કહે છે, ‘નિરમા એન્જિનિયરિંગ કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે NCCમાં જતો હતો. ઘણા કૅમ્પ અટેન્ડ કર્યા હતા. ફાયરિંગની પ્રૅક્ટિસ કરાવતા હતા એના કારણે આર્મીના ઑફિસરો અને જવાનો સાથે ટચમાં રહેવાનું થયું હતુ. એ સમયે થોડુંઘણું કામ પણ કરતા ત્યારે ટેક્નૉલૉજીના પ્રૉબ્લેમની પણ ખબર પડી, ટેક્નિકલ પ્રૉબ્લેમ સૉલ્વ કરવા વિશે પણ જાણવા મળતું હતું. હું કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારથી ડ્રોન ડેવલપ કરવામાં ઇન્ટરેસ્ટ હતો. NCCમાં જતો એટલે એ સમયે થયું કે દેશ માટે કંઈક કરીએ. ભલે આપણે આર્મીમાં ન હોઈએ કે આર્મ્ડ ફોર્સિસમાં ન હોઈએ છતાં પણ દેશ માટે કંઈક કૉન્ટ્રિબ્યુશન કરી શકીએ છીએ એવું વિચારતો. દરમ્યાન આર્મી માટે એન્જિનિયરિંગ સોલ્યુશન કેવી રીતે કરી શકાય એ વિશે મનમાં સ્પાર્ક થયો અને એ વિશે વિચાર કરીને એમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.’     

NCCના સમયે કેશવકાંત શર્મા.

ડ્રોન ક્યારે ડિઝાઇન કર્યું એ વિશે વાત કરતાં કેશવકાંત શર્મા કહે છે, ‘કૉલેજમાંથી હું ૨૦૨૦માં પાસઆઉટ થયો અને પ્રાઇવેટ કંપનીમાં જૉબ પણ કરી, પરંતુ મનમાં ડ્રોન વિશે વિચારતો હોવાથી ૧૦ મહિના પહેલાં પ્રોત્થાપ્પન ટેક્નૉલૉજીઝ નામથી મારી કંપની શરૂ કરી. ઘણા ડ્રોન મેં જોયાં હતાં જેમાં ફૂડ કે બ્લડ બૉટલ ડ્રૉપ કરતાં ડ્રોન હોય છે પણ એનાથી વિશેષ કંઈક કરવા માટે યુનિક ફીચર્સ સાથે ડ્રોન બનાવવાનું વિચાર્યું અને એમાં આગળ વધ્યો. ઑટોમેટેડ ડેટોનેટ કરે એવી યુનિક સિસ્ટમ તેમ જ સેફટી સાથે ડ્રોન ડિઝાઇન કર્યું અને વૉર સિચુએશનમાં કામ લાગે એવું ડ્રોન એક મહિનાના સમયગાળામાં બનાવ્યું. NCC દરમ્યાન આર્મીની સાથે ટચમાં હતો એટલે આ ડ્રોનને લઈને તેમની સાથે વાત થઈ અને એક મહિના પહેલાં આર્મીએ રાજસ્થાનના પોખરણમાં મારા ડ્રોનની ટ્રાયલ લીધી હતી. ૧૦૦કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વચ્ચે સાડાસાત કિલોમીટર સુધી ડ્રોનની ટ્રાયલ થઈ હતી. આ ટ્રાયલમાં મારું ડ્રોન સફળ રહ્યું. અમે જે ટેક્નૉલૉજી વિકસાવી હતી એ આર્મી માટે યુઝફુલ અને સિક્યૉર્ડ બની. આર્મીએ પરીક્ષણ કર્યા બાદ ટેક્નૉલૉજી જોઈને મને પ્રોત્સાહિત કર્યો તેમ જ આર્મીએ ડ્રોન ખરીદવા માટે મારી કંપનીને ઑર્ડર આપ્યો છે જે અત્યારે પાઇપલાઇનમાં છે.’ 

ડ્રોન વિશે વાત કરતાં કેશવકાંત શર્મા કહે છે, ‘સિક્યૉરીટી પર્પઝના કારણે આ મુદ્દે બહુ કહી નહીં શકું, પણ જે ડ્રોન બનાવ્યું છે એ પાંચથી દસ કિલોમીટર સુધી બે ગ્રેનેડ સાથે જઈને ગ્રેનેડ ડ્રોપ કરી શકે છે. વૉર સિચુએશનમાં કામ લાગે એવું આ ડ્રોન છે. આ ડ્રોન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સંચાલિત છે. તમે ખાલી એમાં ડેટા અપલોડ કરો તો કામ પૂરું કરીને જ્યાંથી ઉડાડ્યું હોય ત્યાં સેફ્લી પાછું આવી જાય છે.’

પરિવારને ગર્વ
કેશવકાંત શર્માએ ડ્રોન બનાવતાં તેની ફૅમિલીમાં ગર્વ સાથે ખુશી છવાઈ ગઈ છે એ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે, ‘મને ગર્વ છે કે હું આ ડ્રોન બનાવી શક્યો છું. NCC સમયથી ડ્રોન માટેનું જે પૅશન હતું એ પૂરું થતાં સ્વાભાવિક રીતે હું પ્રાઉડ ફીલ કરું છું. મારી ફૅમિલી પણ એ વાતે ખુશ થઈ છે કે હું દેશ માટે કંઈક કૉન્ટ્રિબ્યુટ કરી શક્યો છું.’     

ahmedabad indian army technology news tech news gujarat columnists life and style gujarati mid day shailesh nayak ai artificial intelligence