05 December, 2024 10:36 AM IST | Mumbai | Ruchita Shah
ગ્રાઉન્ડિંગ મૅટ, ગ્રાઉન્ડિંગ માઉસ પૅડ અને ઇલેક્ટ્રો-મૅગ્નેટિક સેન્સર મશીન સાથે સેલિબ્રિટીઝ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અલી ઈરાની.
કાચી માટીની જમીન અથવા ઘાસવાળી જમીન પર ઉઘાડા પગે તમે છેલ્લે ક્યારે ચાલેલા? માટી સાથેનો સીધો સંપર્ક તમારા શરીરના ઘણાબધા રોગોને મટાડી શકે છે. આજે ‘વર્લ્ડ સૉઇલ ડે’ છે ત્યારે જાણી લો કે માટી માત્ર આહાર જ નહીં પણ જીવનને બહેતર બનાવે એવું ઘણુંબધું આપી શકે છે
ગ્રાઉન્ડિંગ અને હાર્ટ હેલ્થ પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. દસ હેલ્ધી પાર્ટિસિપન્ટ્સના હાથ અને પગમાં અર્થિંગ પૅચિસ બાંધવામાં આવ્યા. બ્લડ મેઝરમેન્ટ લેવામાં આવ્યું પહેલા અને પછી અને ચેક કરવામાં આવ્યું કે લાલ રક્તકણોની દ્રવ્યતામાં કેટલો ફરક પડ્યો છે જેને હૃદયની હેલ્થ માટે મહત્ત્વનું માનવામાં આવે છે. કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદયની કાર્યક્ષમતામાં ગ્રાઉન્ડિંગ હિતકારી છે. પરિણામ હકારાત્મક આવ્યું.
બીજા એક અભ્યાસમાં એક્સરસાઇઝ પછી મસલ્સ ડૅમેજમાં ગ્રાઉન્ડિંગને કારણે કેટલો ફરક પડે છે એ ચેક કરવામાં આવ્યું. ગ્રાઉન્ડિંગ સાથે થયેલી એક્સરસાઇઝમાં મસલ્સ ડૅમેજ ઓછું હતું અને સ્નાયુઓમાં પીડાનું પ્રમાણ પણ ઓછું હતું. પરિણામ હકારાત્મક આવ્યું.
ગ્રાઉન્ડિંગની બાબતમાં નાના પાયે આવા ઘણા અભ્યાસો થયા છે અને દરેકમાં એક પરિણામ ઊભરીને આવ્યું છે કે ગ્રાઉન્ડિંગથી એ સ્વાસ્થ્ય માટે લાભકારી તો છે જ પણ સાથે બગડેલા સ્વાસ્થ્યને સુધારનારું પણ છે. શરીરમાં રહેલા સોજાને ઘટાડવામાં, હાર્ટ હેલ્થને સુધારવામાં, સ્નાયુઓમાં થયેલા ડૅમેજને ઘટાડવામાં, શરીરના દુખાવાને ઓછો કરવામાં અને મૂડ સુધારવામાં ગ્રાઉન્ડિંગ મહત્ત્વનું છે. આટલી વાર ગ્રાઉન્ડિંગ શબ્દ વાંચ્યા પછી તમને થશે કે આ વળી કયા ખજાનાની વાત ચાલે છે જે આટલું સ્વાસ્થ્યવર્ધક છે. બહુ જ સરળ શબ્દોમાં ગ્રાઉન્ડિંગ એટલે પૃથ્વી તત્ત્વની સમીપ રહેવું, પ્રકૃતિના સીધા સ્પર્શમાં રહેવું, સિમેન્ટ-કૉન્ક્રીટના નહીં પણ જ્યાંથી ઝાડ-પાન ઊગી શકે એવી પ્રાકૃતિક સ્થિતિમાં રહેલી જમીન સાથે શરીરને સીધું જોડવું, ઘાસવાળી જમીન અથવા રેતીના સ્પર્શમાં હોવું એટલે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ. મુંબઈકરો માટે માટી દુર્લભ થઈ ગઈ છે જેનાં ઘણાં માઠાં પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. આજે ‘વર્લ્ડ સૉઇલ ડે’ નિમિત્તે માટી સાથેનો સંપર્ક વધારવાની બાબતમાં આપણે શું કરવાની જરૂરિયાત છે એ વિશે વિગતવાર વાત કરીએ.
અર્થિંગને સમજીએ
સાયન્ટિફિકલી પણ આપણું પ્રકૃતિ સાથેનું જોડાણ જરૂરી છે. એ સંદર્ભે નાણાવટી હૉસ્પિટલમાં ફિઝિયોથેરપી ડિપાર્ટમેન્ટના હેડ, અગ્રણી સેલિબ્રિટી ફિઝિયોથેરપિસ્ટ અને સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ ડૉ. અલી ઈરાની કહે છે, ‘આપણા શરીરમાંથી સતત વહેતી ઇલેક્ટ્રિકલ એનર્જીને પ્રકૃતિની ઇલેક્ટ્રિકલ એનર્જી સાથે જોડવી, અલાઇન કરવી. જેમ શૉર્ટ સર્કિટથી બચવા માટે ઇલેક્ટ્રિક કનેક્શનમાં પણ આપણે અર્થિંગને સ્થાન આપીએ છીએ અને પોતાને અને ઇલેક્ટ્રિક સાધનોને સુરક્ષિત રાખીએ છીએ એમ શરીરની પોતાની ઊર્જાને ધરતી સાથે અલાઇન કરીને ઊર્જાને સંતુલિત કરવાની મેથડ એટલે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ છે. આજે જ્યારે આપણા એનર્જી ફીલ્ડને ડિસ્ટર્બ કરનારાં ઇલેક્ટ્રો-મૅગ્નેટિક ફીલ્ડનો મારો સતત ચાલુ છે; સતત આપણે ફોન, વાઇફાઇ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોના સંપર્કમાં છીએ જેણે આપણા પ્રકૃતિ સાથેના કનેક્શનમાં મોટો વિક્ષેપ ઊભો કર્યો છે ત્યારે તો અર્થિંગ અતિથી પણ વધુ મહત્ત્વનું બની ગયું છે.’
આજની સ્થિતિ
અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગથી આપણે પ્રકૃતિની નૅચરલ હીલિંગ પાવર સાથે કનેક્ટ થતા હોઈએ છીએ. આપણે જ્યારે પૃથ્વીના ઇલેક્ટ્રિક ચાર્જના સીધા સંપર્કમાં આવીએ છીએ ત્યારે એનો આપણા શરીર પર ઊંડે સુધી પ્રભાવ પાડીને આપણા શારીરિક તંત્રને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કરે છે. ડૉ. અલી ઈરાની કહે છે, ‘શરીરમાં સોજા ઓછા કરવા, પેઇન અને સ્ટ્રેસને કારણે શરીરમાં ઉત્પન્ન થતાં ફ્રી રૅડિકલ્સને દૂર કરવા, બ્લડ-સર્ક્યુલેશન સુધારવું, એનર્જી અને ઊંઘની પૅટર્નને ઇમ્પ્રૂવ કરવી જેવા અનેક ફાયદા છે. સારી વાત એ છે કે આ નૅચરલ છે અને નિઃશુલ્ક છે. આજના સમયમાં એનું મહત્ત્વ અનેકગણું છે, કારણ કે એક તો પ્રકૃતિ સાથેનું આપણું કનેક્શન ઘટ્યું છે અને બીજું, એટલાં બધાં ઇલેક્ટ્રૉનિક સાધનોની વચ્ચે આપણે રહીએ છીએ કે આ સાધનોનાં ઇલેક્ટ્રો-મૅગ્નેટિક ફીલ્ડના અતિ સંપર્કમાં રહેવાને કારણે આપણું શરીર પણ હાઈ વૉલ્ટેજ અવસ્થામાં રહે છે જેને ન્યુટ્રલાઇઝ ન કરાય તો અનેક બીમારીઓ થવાની સંભાવના રહે છે અને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે મહત્ત્વનું છે તમે ગ્રાઉન્ડિંગ અને અર્થિંગને જીવનમાં સ્થાન આપો. તમે દરરોજ મૉર્નિંગ વૉક પર જતા હો પણ જો એ શૂઝ પહેરીને જ કરતા હો તો એનાથી ગ્રાઉન્ડિંગનો કોઈ લાભ તમને થવાનો નથી.’
કોલ્હાપુરી ચંપલ પહેરો
અત્યારે મોટા ભાગે આપણે જે શૂઝ પહેરીએ છીએ જેનો સોલ રબર અને PVC મટીરિયલથી બનેલો હોય છે. ડૉ. અલી ઈરાની કહે છે, ‘ધારો કે તમે ગાર્ડનમાં ઉઘાડા પગે ન ચાલી શકતા હો તો તમારે ચામડાનાં ચંપલ પહેરીને ચાલવું જોઈએ. સ્પોર્ટ્સ શૂઝમાં વપરાયેલું મટીરિયલ અર્થિંગમાં બાધક બનશે. ચામડાનાં જૂતાં પહેરો તો અર્થિંગ સરળતાથી શક્ય છે. એના માટે ઓરિજિનલ કોલ્હાપુરી ચંપલ બેસ્ટ રહેશે.’
શું ફાયદા થાય?
કાચી માટીવાળી જમીનમાંથી હળવો નેગેટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ વહેતો હોય છે. જ્યારે આપણે એના સીધા સંપર્કમાં આવીએ ત્યારે જમીનનાં ફ્રી ઇલેક્ટ્રૉન આપણા શરીરમાં ટ્રાન્સફર થાય છે. આ ઇલેકટ્રોન્સ આપણા શરીરનાં ફ્રી રૅડિકલ્સ અને સ્ટ્રેસ હૉર્મોન્સને સંતુલિત કરે છે. આ જ કારણ છે કે ઘાસવાળા ખુલ્લા મેદાનમાં ઉઘાડા પગલે ચાલો પછી તમે શાંત અને રિલૅક્સ્ડ ફીલ કરો છો.
તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ પૃથ્વી તત્ત્વ સાથેનો સંપર્ક ઉપયોગી બની શકે છે. શરીરમાં રહેલાં ફ્રી રૅડિકલ્સ ઑક્સિડેટિવ સ્ટ્રેસ જન્માવે છે અને કોષોને ડૅમેજ કરનારાં હોય છે. જમીન સાથે જોડાઓ ત્યારે આપણી એનર્જી સાઇકલમાં આવતો બદલાવ આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
શરીરમાં રહેલા સોજા અને લાંબા ગાળાના દુખાવા માટે પણ ખુલ્લા પગે માટીમાં ચાલવાથી લાભ થશે. આર્થ્રાઇટિસ અને સ્નાયુઓમાં થતા દુખાવામાં રાહત જોઈતી હોય તો ખાસ ચાલવું.
બૉડી ક્લૉક સુધારે અને ઊંઘ પણ બહેતર સુધરે. આપણા શરીરની ઊંઘવાની અને જાગવાની એક નૅચરલ સાઇકલ છે જેને સર્કાડિયન રિધમ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની નૅચરલ હીલિંગ એનર્જીના સંપર્કમાં આવવાથી આપણી બાયોલૉજિકલ ક્લૉકને રેગ્યુલેટ કરે છે અને ડીપ સ્લીપની ક્ષમતા વધારે છે. સાથે જ આપણી એકાગ્રતા, ક્રીએટિવિટી અને મેન્ટલ સ્ટ્રેન્ગ્થ પણ સુધારે છે.
કેવી રીતે વધારશો માટી સાથેનો સીધો સંપર્ક?