ગરમીમાં હાથવગું ઔષધ બનશે જેઠીમધ

27 March, 2024 11:08 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

આ ઔષધ પણ દરેક ઘરમાં હોવું જ જોઈએ. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં પિત્તનો પ્રકોપ વધતો હોય ત્યારે જેઠીમધ બહુ કામનું છે.

જેઠી મધની તસવીર

પિત્ત વધી જાય અને કફ પીગળવાને કારણે હોળીની સીઝનમાં ગળામાં ખિચ-ખિચ થાય એ લક્ષણોમાં રાહત આપવાનું કામ કરે છે જેઠીમધ. શાતા આપવાનું કામ કરે અને કફ છૂટો પાડવાનું કામ થાય છે જેઠીમધના મૂળમાંથી બનાવેલા અર્કથી. ઘરમાં મુલેઠીનું ચૂર્ણ રાખશો તો અનેક સમસ્યામાં કામ આવશે

જેમ સૂંઠ, ગંઠોડા, લવિંગ, કાળાં મરી જેવાં દ્રવ્યો રસોડામાં ઔષધની ગરજ સારે છે એવું જ કામ આપે છે જેઠીમધ. આ ઔષધ પણ દરેક ઘરમાં હોવું જ જોઈએ. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં પિત્તનો પ્રકોપ વધતો હોય ત્યારે જેઠીમધ બહુ કામનું છે. એનાં મૂળ જ દવા તરીકે કામમાં આવતા હોવાથી એને મૂલેઠી પણ કહે છે. જોકે જેઠીમધની ગુણવત્તા કેવી છે એના પરથી એની અસરકારકતા નક્કી થાય છે. જેઠીમધનો છોડ ત્રણ-ચાર વર્ષનો થાય એ પહેલાં એમાંથી ચૂર્ણ કે અર્ક કાઢવાને યોગ્ય નથી થતો. ભરાવદાર મૂળ ખૂબ જ ગુણકારી હોય છે. 

જેઠીમધના ગુણધર્મો | જેઠીમધ શીતળ અને મધુર હોવા છતાં કફકારક નથી. એ ગુરુ અને સ્નિગ્ધ છે. એનો રસ અને વિપાક (પચ્યા પછીનો ગુણ) બન્ને મધુર છે અને વીર્ય શીત છે. જેઠીમધનું ચૂર્ણ એમ જ જીભ નીચે રાખીને ચૂસવામાં આવે તો એનાથી કફ, ખાંસી અને તરસ મટે છે.

ચીકાશયુક્ત હોવા છતાં કફ છૂટો પાડે છે. મૃદુ રેચક છે, પૌષ્ટિક છે અને આંખો માટે હિતકર છે. કફ, ખાંસી, શ્વાસ, ક્ષય, હેડકી અને ઘા થયાં હોય ત્યારે એનો છૂટથી વપરાશ થાય છે. એનું ચૂર્ણ, ક્વાથ, શીરો ઔષધમાં વપરાય છે. 

ભેળસેળથી સાવધાન
ઘણી વાર ગાંધીને ત્યાંથી જેઠીમધનું ચૂર્ણ લાવીએ છીએ ત્યારે એનું વજન વધારવા માટે છોડની સૂકવેલી ડાળીઓ વાટીને એનું ચૂર્ણ મેળવ્યું ન હોય એ જોવું જરૂરી છે. ડાળીઓમાં એવાં કોઈ જ ગુણ નથી હોતાં જેવાં આ છોડનાં મૂળમાં હોય છે. આ જ કારણોસર બને ત્યાં સુધી ગાંધીને ત્યાંથી જેઠીમધના મૂળ આખાં લાવી ખાંડીને વાપરવાં વધુ હિતાવહ છે. જેઠીમધની ડાળી કે મૂળ વચ્ચે તફાવત કરવો હોય તો એક માપદંડ છે. ડાળી સ્મૂધ હોય છે, જ્યારે મૂળમાં રેસા હોય છે.

ઘરગથ્થુ પ્રયોગો |

ઘા થયો હોય ત્યારે એને ઝડપથી રૂઝવવાનું અને સૂકવવાનું કામ કરે છે. ઘા કે ગૂમડા પર હળદર અને જેઠીમધનું ચૂર્ણ લગાવવાથી લોહી વહેતું અટકે છે અને ઝડપથી રૂઝ આવે છે. 
૨. જેઠીમધ મેદ્ય છે. બુદ્ધિનાં ત્રણ અંગો છે ધી, ધૃતિ અને સ્મૃતિ. આચાર્ય ચરકે જેઠીમધને મેદ્ય રસાયણોમાંનું એક ગણ્યું છે. વિદ્યાર્થીઓ વાંચતી વખતે જેઠીમધનું મૂળ મોંમાં ચૂસ્યા અને ચાવ્યા કરે તો એનાથી ઘણો જ ફાયદો થાય છે. 
૩. કફ થયો હોય અને પિત્તવિકાર પેટમાં વધી ગયો હોય ત્યારે જેઠીમધનો ક્વાથ પીવો જોઈએ. ઍસિડિટી થઈ હોય અથવા તો છાતીમાં કફ ખખડતો હોય ત્યારે જેઠીમધનું પાણી પીધા કરવાથી ઊલટી થઈ જાય છે. આને કારણે ગળામાં ભરાઈ રહેલો કફ અને જઠરમાં રહેલા પિત્તનું નિઃસરણ થાય છે. 
૪. જેઠીમધ સ્વર સુધારે છે. જ્યારે અવાજ ઘોઘરો થઈ ગયો હોય, બેસી ગયો હોય કે સ્વરભેદ હોય ત્યારે જેઠીમધ, સૂંઠ, ભોરિંગણી અને ભારંગમૂળનો ઉકાળો કરીને આપવો. 
૫. જ્યારે ડૉક્ટર દરદીને ઓછું પાણી પીવાનું કહે છે ત્યારે જેઠીમધનું મૂળ ચૂસ્યા કરવાથી તૃષા શમે છે. 
૬. પેશાબમાં બળતરા થતી હોય, અટકી-અટકીને પેશાબ આવતો હોય કે ઓછો આવતો હોય ત્યારે જેઠીમધના ચૂર્ણ સાથે યવક્ષારનો ઉકાળો બનાવીને દિવસમાં બેથી ત્રણ વાર પીવો. ઍનાથી છૂટથી મૂત્રવિસર્જન થશે. 
૭. ઍસિડિટી રહેતી હોય ત્યારે હરડે અને જેઠીમધનું ચૂર્ણ આપવાથી નાના આંતરડામાંનું ઍસિડનું લેવલ ઘટે છે. 
૮. બાળકોને ઉનાળામાં ચામડીના રોગો થયા કરતા હોય તો ગાયનું માખણ જરા ગરમ કરી પાતળું થાય ઍટલે ઍમાં જેઠીમધનો શીરો ઘસવો. એમાં થોડોક ધોળો કાથો નાખી લસોટવું અને મિશ્રણ ત્વચામાં જ્યાં લક્ષણો દેખાતાં હોય ત્યાં ઘસવું. 
૯. ત્વચા પર બળતરા રહેતી હોય, અળાઈઓ નીકળવાની તાસીર હોય કે ઉનાળામાં પિત્તને કારણે સ્કિનની તકલીફ હોય, અતિશય પરસેવો થતો હોય અને દુર્ગંધ મારતો હોય તો પછી ત્વચા કોરી કરીને ચંદન અને જેઠીમધનું બારીક ચૂર્ણ કરીને શરીર પર છાંટવું.  
૧૦. મોંમાં ચાંદાં પડતાં હોય તો રાતે સાકર અને કંકોલ ગલોફાંમાં રાખવાં તથા સવારે જેઠીમધનો કાઢો સાકર અને ઘી નાખીને પાવો.

health tips columnists life and style dr ravi kothari