દીકરીને આંચકી આવે છે, પણ દવાની અસર નથી થતી

03 February, 2023 06:15 PM IST  |  Mumbai | Dr. Pradnya Gadgil

જો આંચકી આવતી હોય અને એની દવાઓથી કોઈ ફરક ન પડતો હોય તો સમજવું જરૂરી છે કે આંચકી આવવાનું શું કારણ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

દીકરી ૯ વર્ષની છે. આમ તો તે ખૂબ હોશિયાર છે, પરંતુ મૅથ્સ તેને સમજાતું નથી. સામાન્ય ગણતરીઓ પણ તેનાથી થતી નથી. એમાં ઘણી ભૂલો કરે છે. તેની સ્કૂલના મૅથ્સ ટીચરથી તે ખૂબ ડરે છે. જે દિવસે મૅથ્સનો પિરિયડ હોય એ દિવસે તે સ્કૂલમાં જવાની જ ના પડે છે. અમે તેને સમજાવી તો છે, પરંતુ છેલ્લા એક મહિનાથી તેને આંચકી આવવા લાગી છે. ડૉક્ટરે એપિલેપ્સીની દવાઓ શરૂ કરી છે, પણ દવાની કોઈ અસર જ નથી. પછી અમે નોંધ્યું કે જે દિવસે તેને મૅથ્સનો પિરિયડ હોય ત્યારે જ આંચકી આવે છે. શું એનો આની સાથે કોઈ સંબંધ હોઈ શકે? 

પરિસ્થિતિ થોડી ગંભીર અને પેચીદી છે. જો આંચકી આવતી હોય અને એની દવાઓથી કોઈ ફરક ન પડતો હોય તો સમજવું જરૂરી છે કે આંચકી આવવાનું શું કારણ છે. તમે સારું છે કે એ પકડી શક્યા કે તેને અમુક દિવસે જ આંચકી આવે છે, દરરોજ આવતી નથી અને એ આંચકીમાં પણ એક પૅટર્ન છે. એની બારીકાઈથી તપાસ કરાવો. બને કે તેને સિવિયર લર્નિંગ ડિસેબિલિટી હોય જેના કારણે સ્કૂલમાં જવાનો ડર લાગતો હતો અને એ ડરને કારણે તેને આંચકી આવતી હોય.

આ પણ વાંચો : હાર્ટમાં ગાંઠ થઈ છે, સર્જરી ટાળી શકાય?

લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકને કોઈ વસ્તુ સમજાતી જ નથી છતાં એનો મારો તેના પર ચલાવવામાં આવે તો બાળમાનસ પર એની ખૂબ ખરાબ અસર પડી શકે છે. તેનો આત્મવિશ્વાસ હલી જાય છે અને તે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે. લર્નિંગ ડિસેબિલિટીની સાઇકોલૉજિકલ અસરો ખૂબ ઊંડી હોય છે એટલે મા-બાપે વધુ સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. બાળકના દરેક વર્તન પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે એ સમજવું જરૂરી છે. તમે કહ્યું કે તેને મૅથ્સમાં પ્રૉબ્લેમ છે તો બને કે તેને ડિસકૅલ્કુલિયા હોય. એમાં બાળક એકદમ હોશિયાર જ હોય છે. છતાં તેને લખીને જ ગણતરી કરતાં ફાવે, જગ્યા જોઈને એમાં કેટલી વસ્તુ એમાં સમાઈ શકે એનો અંદાજ કરતાં ફાવે નહીં. ગાણિતિક સૂત્રોને યાદ રાખવામાં તકલીફ થાય કે સમય અને પૈસાના કન્સેપ્ટ સમજવામાં પણ તકલીફ થાય. આ પરિસ્થિતિમાં તેની આ તકલીફ જુદી રીતે દૂર કરવી પડે. પહેલાં એનું નિદાન જરૂરી છે.

columnists health tips life and style