સુસાઇડલ ટેન્ડન્સીમાં યોગથી લાભ કરાવી શકાય?

11 January, 2023 05:12 PM IST  |  Mumbai | Ruchita Shah

ડિપ્રેશનના પેશન્ટને યોગાભ્યાસથી નોંધનીય લાભ થયાના અઢળક ક્લિનિકલ અભ્યાસો થઈ ચૂક્યા છે. માઇન્ડની સ્પીડ વ્યક્તિને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે એમાં હળવાશ અને ધીમી ગતિએ થતા યોગાભ્યાસનો કેવો મજાનો લાભ થઈ શકે છે એ વિશે વાત કરીએ આજે

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષે લગભગ આઠ લાખ લોકો આત્મહત્યાને કારણે મૃત્યુ પામે છે. ૨૦૨૧માં ભારતમાં કુલ ૧,૬૪,૦૩૩ લોકોએ આપઘાત કર્યો હતો અને ૧૯૬૮થી લઈને અત્યાર સુધીના આ હાઇએસ્ટ આંકડા છે. બીજી એક આંચકાદાયક માહિતી જાણી લો કે આપઘાતના એક ન્યુઝ પછી લગભગ વીસ લોકો સુસાઇડ અટેમ્પ્ટ કરે છે. કમ્પેટિટિવ વર્લ્ડમાં અત્યારે મેન્ટલ ડિસઑર્ડર બહુ મહત્ત્વનો પ્રશ્ન બનવા પામ્યો છે અને ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, બાયપોલર ડિસઑર્ડર જેવા માનસિક રોગોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે, જે લાંબા ગાળે વ્યક્તિના જીવનને ખોરવવાનું અને ખતમ કરવાનું કામ કરી શકે છે ત્યારે એને ટૅકલ કરવા માટે યોગનો રસ્તો અપનાવી શકાય? માનસિક રોગોની બાબતમાં આપણાં સાંસ્કૃતિક વિજ્ઞાનો શું કહે છે? કેવા પ્રકારના અભ્યાસથી તમારી આસપાસ પણ આ પ્રકારની મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહેલા લોકોને મદદ મળશે જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે.

મૂળ સમજીએ પહેલાં

ઉદાસી, પીડા, નિરાશા, ભાંગી પડવું જેવાં ઇમોશન્સનો અનુભવ જીવનમાં દરેકે ક્યારેકને ક્યારેક તો કર્યો જ હોય છે. થોડાક સમય માટે આવી લાગણીઓ સંજોગોને અનુરૂપ આવી જવી એમાં જરાય ખોટું નથી. કદાચ આ પ્રકારની લાગણીઓથી ફરીથી પરિસ્થિતિઓનો સામનો કરવાની વ્યક્તિની આંતરશક્તિ વધુ પ્રબળ પણ બની શકતી હોય છે પરંતુ ધારો કે આ લાગણીઓ કાયમી ઘર કરી જાય તો? સાથે જ થાકી જવું, ભૂખ ન લાગવી, સતત અંદરખાને ખાલીપાનો અનુભવ થવો, ઇમોશનલ નંબનેસ ફીલ થવી જેવા પણ એક્સ્પીરિયન્સ થતા હોય અને સંજોગો બદલાય એ પછીયે એમાં કોઈ ઊંચનીચ થાય અને દરેક ઘટના, દરેક બાબત, દરેક ક્ષણ માત્ર હતાશા, નિરાશા અને દુખદાયી જ લાગવા માંડે તો? રાત પછી દિવસ આવે એ વાત જાણે એક્ઝિસ્ટ ન કરતી હોય એ રીતે સતત અંધકારની ઊંડી ગર્તામાં વ્યક્તિ ડૂબતી જ જતી હોય એવું લાગવા માંડે તો? તો પરિસ્થિતિને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દો. આ વાત તમારી હોય કે તમારા નજીકના કોઈ પરિચિતની હોય અને બે અઠવાડિયાં કરતાં પણ વધુ સમય સુધી વ્યક્તિની મનઃસ્થિતિમાં કોઈ બદલાવ ન દેખાતો હોય તો હવે મામલો માનસિક બીમારીનો છે.

ડિપ્રેશનથી લઈને અનેક પ્રકારના માનસિક રોગોનો ભોગ બનનારા લોકોની સંખ્યા હવે સતત વધી રહી છે. ત્યારે એની જાણ થયા પછી એને કઈ રીતે હૅન્ડલ કરવું એ સંદર્ભે યોગ ફિલોસોફર, આયુર્વેદ પંડિત, યોગ ઍનેટમી માસ્ટર અને સાઇકોલૉજિસ્ટ ડૉ. મંજુનાથ ગુરુરાજ કહે છે, ‘માણસ મેન્ટલી અનવેલ હોય ત્યારે રિયલિટીથી દૂર હોય છે. ઇલ્યુઝન, ડિલ્યુઝન જેવી સ્ટેટમાં વ્યક્તિ હોય ત્યારે તેને પ્રેઝન્ટમાં શું કરવું એ સમજાય જ નહીં. સ્ટ્રેસની વ્યાખ્યા છે સ્પીડ ઑફ માઇન્ડ. અત્યારે આપણે બધા જ સ્પીડમાં છીએ. સ્પીડ અને થ્રિલ આપણને ગમે છે પણ એ જ આપણને કિલ કરે છે એ સમજાતું નથી. યોગ આ સ્પીડને ઓછી કરવાનું કામ કરે છે. જ્યારે માઇન્ડની સ્પીડ ઘટે ત્યારે નૅચરલી માઇન્ડ શાંત થવાનું શરૂ થાય. માઇન્ડ શાંત થાય એટલે ધીમે-ધીમે રિયલિટી સાથે કનેક્ટ થવાનું શરૂ થાય. જ્યારે તમે સતત દોડતા હો ત્યારે માઇન્ડ ડિસ્ટર્બ્ડ હોય અને શું કરવું છે, કેમ કરવું છે, ક્યાં જવું છે એ ખબર જ ન હોય તો ધીમે-ધીમે તમે વાસ્તવિકતાથી દૂર થતા જાઓ.’

આ પણ વાંચો : ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ

મુખ્ય કારણ શું?

અત્યાર સુધીમાં પદ્ધતિસરના અઢળક વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે જેમાં યોગથી ડિપ્રેશન જેવા માનસિક રોગોમાં લાભ થયાનું બાકાયદા સાબિત થઈ ચૂક્યું છે. ડૉ. મંજુનાથ જે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે એ બૅન્ગલોરના સ્વામી વિવેકાનંદ યોગ સંસ્થાન દ્વારા પણ આવા અભ્યાસો થઈ ચૂક્યા છે. એનું કારણ આપતાં તેઓ સ્પષ્ટતા સાથે કહે છે, ‘આપણે ત્યાં આયુર્વેદના ચરક સંહિતા, અષ્ટાંગ સંગ્રહ જેવા ગ્રંથોમાં ‘પ્રજ્ઞાપરાધ’ નામનો શબ્દ આવે છે. ઇન ફૅક્ટ, ચરક સંહિતાના પહેલા અધ્યાયમાં ૧૦૨ નંબરનો આખો શ્લોક છે જે માનસિક બીમારીને સૂચવે છે. ‘ધી ધૃતિ સ્મૃતિ વિભ્રષ્ટઃ કર્મ યત્કુરુતે અશુભમ્, પ્રજ્ઞાપરાધં તં વિદ્યાત્ સર્વદોષ પ્રકોપણમ્’ જેમાં ધી એટલે તમારી બુદ્ધિ અથવા ઇન્ટેલિજન્સ, ધૃતિ એટલે સાહસ અને સ્મૃતિ એટલે કે મેમરી અથવા તો યાદશક્તિ- આ ત્રણમાં જ્યારે વિક્ષેપ ઊભો થાય અથવા તો તે જ્યારે ભ્રષ્ટ બને ત્યારે તે અશુભ કૃત્ય કરવા માટે પ્રેરે છે એને પ્રજ્ઞાપરાધં કહેવાય, જે અનેક દોષોને આમંત્રણ આપે છે. પ્રજ્ઞાપરાધં એટલે કે જાણી જોઈને ભૂલ કરવી. તમને ભૂલ થઈ રહી છે એ ખબર છે, પરંતુ એમાંથી અટકવાનું ન સૂઝે એ ડિપ્રેશનની અવસ્થા છે. જ્યારે પ્રેશર સહન કરવાની ક્ષમતા ઘટી જાય, કારણ કે રિયલિટી પરથી કન્ટ્રોલ હટી જાય અને વ્યક્તિ આપઘાત જેવાં ન લેવાનાં પગલાં લઈ લે એ અવસ્થા જોખમી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણને આ અવસ્થા વિશે પૂછે છે અને એમાં પણ આટલું જ વિસ્તારપૂર્વક પ્રજ્ઞાપરાધંની વાતનું વિવરણ છે. યોગ એ દૃષ્ટિએ તમારામાં સંતુલન લાવે છે. એજિટેટેડ માઇન્ડને બૅલૅન્સ કરે છે. હેતુ વિના દોડતા માણસની દોડ અટકાવીને તેને શાંત પાડીને સહેજ જાત તરફ વાળે છે. શું સારું, શું ખરાબ, શું કરવા જેવું અને શું નહીં કરવા જેવુંની દિશામાં તેની અવેરનેસ વધારે છે. આ વિવેકબુદ્ધિ માઇન્ડ ડિસ્ટર્બ હોય ત્યારે ક્યારેય ન આવે પણ માઇન્ડે શાંત પડવું પડે. બીજું, ડિપ્રેશન જેવા રોગો થવાનું મેડિકલ સાયન્સ પાસે કોઈ કારણ નથી શોધાયું એટલે જ એને તેઓ ઇડિયોપેથિક ડિસીઝ કૅટેગરીમાં મૂકે છે. એવા રોગો જે કોઈ વાઇરસ, બૅક્ટેરિયા કે માઇક્રો ઑર્ગેનિઝમને કારણે ન થતા હોય અને જેના થવાનું કારણ જાણમાં ન આવતું હોય. જ્યારે આયુર્વેદ જેવાં શાસ્ત્રો એના કારણ સાથે ઉપાયોની વિસ્તૃત વાત કરે છે.’

યોગનો ઉપયોગ

સ્લોનેસ યોગની ખૂબી છે. યોગના નામે આજે પાવર યોગ જેવાં જે ગતકડાં આજે શરૂ થયાં છે એ ખરેખર બેવકૂફી છે એમ જણાવીને ડૉ. મંજુનાથ કહે છે, ‘મનને શાંત કર્યા વિના કોઈ જ પરિણામ નહીં મળે. યોગ એ ટેક્નિક છે અથવા તો પ્રોસેસ છે જે મનને પદ્ધતિસર શાંત પાડવાનું, મનની અને શરીરની ભાગદોડમાંથી ઠહેરાવ આપવાનું કામ કરે છે. એનો ઉપયોગ કરીને મનને સંતુલિત કરવાના, વાસ્તવિકતા સાથે રૂબરૂ થવાના અને માનસિક સ્પષ્ટતાને વધારવાના પ્રયાસો કરો ત્યારે માનસિક સ્થિતિને અને માનસિક સ્થિતિને કારણે શરીરમાં ઉદ્ભવેલા કેમિકલ ઇમ્બૅલૅન્સને પણ સંતુલિત કરવાની દિશામાં આગળ વધી શકાય. કાઉન્સેલિંગ, ડાયનૅમિક એક્સરસાઇઝ, પછી આસનો, પછી પ્રાણાયામ અને વ્યક્તિની કન્ડિશન મુજબ ધ્યાનના અભ્યાસો કરાવો તો ચોક્કસ લૉન્ગ ટર્મ માટેનું હકારાત્મક પરિણામ મળતું હોય છે.’

યોગ એજિટેટેડ માઇન્ડને બૅલૅન્સ કરે છે. હેતુ વિના દોડતા માણસની દોડ અટકાવીને તેને શાંત પાડીને સહેજ જાત તરફ વાળે છે. : ડૉ. મંજુનાથ

કેવી ટાઇપના અભ્યાસો કરવાથી લાભ થશે?

સૌથી પહેલાં તો એ જાણી લો કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તો તેણે કોઈ અનુભવી અને જાણકાર શિક્ષકના હાથ નીચે જ તમામ પ્રકારના અભ્યાસોની વ્યવસ્થિત ટ્રેઇનિંગ લેવી જોઈએ. નીચે મુજબના અભ્યાસોનું લિસ્ટ માત્ર આપની જાણકારી માટે છે. 

 ધીમે થતા યોગના અભ્યાસોથી મગજને શાંત કરવાની પ્રોસેસ પહેલાં સહેજ ડાયનૅમિક અભ્યાસથી કરવાથી વધુ ફાયદો થશે. એનું કારણ આપતાં યોગ નિષ્ણાત ડૉ. મંજુનાથ કહે છે, ‘સૌથી પહેલાં વ્યક્તિમાં વિશ્વાસ જગાડો અને પછી ડાયનૅમિક એટલે કે સ્પીડથી શરૂઆત કરો એટલે એ પહેલાં તમારા શરીરના અને માઇન્ડના તમામ કોષોને સ્ટિમ્યુલેટ કરવાનું કામ છે. એ ઝડપ તમારી અંદરની સિસ્ટમને રીબૂટ કરવાની દિશામાં પહેલું પગથિયું છે. એ પછી તમે ધીમે-ધીમે સ્થિરતાપૂર્વકના અભ્યાસો કરો તો વધુ સટીક લાભ થશે.’

બૅક બેન્ડિંગ થતું હોય એવાં આસનોમાં વધુ રહેવામાં માનસિક ક્લૅરિટી વધે છે. જેમ કે ભુજંગાસન, ઉષ્ટ્રાસન જેવાં આસનો કરો. સાચી રીતે વ્યક્તિની કન્ડિશનને ધ્યાનમાં રાખીને કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામથી પણ લાભ થશે. નાડીશુદ્ધિ પ્રાણાયામનો રેગ્યુલર અને લાંબા સમયનો અભ્યાસ બહુ જ ઉત્કૃષ્ટ પરિણામ આપશે. વ્યક્તિની કન્ડિશન પ્રમાણે દસેક મિનિટનો ધ્યાનનો અભ્યાસ પણ ફળદાયી નીવડશે.

columnists yoga health tips ruchita shah