અપ્રેઝલના વિચાર થી ઍન્ગ્ઝાયટી થઈ રહી છે?

22 May, 2023 05:12 PM IST  |  Mumbai | Jigisha Jain

મરણ પછી જીવનનાં લેખાંજોખાંની ગણતરી કે કર્મનો હિસાબ એક જ વખત થાય છે પરંતુ છતી જિંદગીએ એક નોકરિયાત વ્યક્તિનું દર વર્ષે એક કર્મચારી તરીકે મૂલ્યાંકન થાય છે

પ્રતીકાત્મક તસવીર

મરણ પછી જીવનનાં લેખાંજોખાંની ગણતરી કે કર્મનો હિસાબ એક જ વખત થાય છે પરંતુ છતી જિંદગીએ એક નોકરિયાત વ્યક્તિનું દર વર્ષે એક કર્મચારી તરીકે મૂલ્યાંકન થાય છે. એના પર તેનાં સપનાં, ભવિષ્ય, વિકાસ અને રોજિંદી જિંદગીનું અવલંબન હોય છે એટલે આ બાબતે ડરવું  એ તો સહજ જ છે પરંતુ આ ડરને ખુદ પર હાવી ન થવા દેવો એ પણ એટલું જ મહત્ત્વનું છે

A-અપ્રેઝલ ઍન્ગ્ઝાયટી... શું ખરેખર આવું કંઈ હોય છે? 
B- એટલે તમે કોની વાત કરો છો? અપ્રેઝલની કે ઍન્ગ્ઝાયટીની? 

આ ઑફિસ લેવલ પર ચાલતો જોક જો તમને સમજાયો હોય તો એના પર ખડખડાટ હસી લો અને સમજી લો કે અપ્રેઝલ જેટલું રિયલ છે એટલી જ અપ્રેઝલ માટે થતી ઍન્ગ્ઝાયટી. વર્ષનો આ એ સમય છે જેમાં કંપનીના દરેક કર્મચારીના મનમાં ધક-ધક ચાલુ થઈ જાય છે. બોર્ડના પરિણામ વખતે જે પ્રેશર આવતું હતું એ દરેક કર્મચારીને દર વર્ષે અપ્રેઝલ સમયે આવે છે. કોઈને ઘણું વધારે આવે છે તો કોઈને થોડું ઓછું આવે છે પણ ભાગ્યે જ એવો કર્મચારી હશે જેને અપ્રેઝલ સાથે કોઈ લેવાદેવા નથી અને બસ, એ એનું કામ કર્યે રાખે છે. મૃત્યુ પછી જ્યારે વ્યક્તિ યમલોકના દ્વારે પહોંચે છે ત્યારે ચિત્રગુપ્ત એનાં લેખાંજોખાંનો હિસાબ માંડે છે. શું કર્યું અને શું ન કર્યું, શું કરવાનું હતું અને શું કરવાનું નહોતું, તમે શેને લાયક છો અને શેને લાયક બિલકુલ નથીનો હિસાબ. જીવનનો આ હિસાબ એક જ વાર થાય, પરંતુ નોકરિયાત માણસનો આવો હિસાબ દર વર્ષે થાય. 

અપ્રેઝલ એટલે મૂલ્યાંકન. દર વર્ષે એક વાર દરેક કર્મચારીનું મૂલ્યાંકન થાય છે અને એને એ પ્રમાણે પદવી મળે છે. જો કર્મચારીએ આખું વર્ષ સારું કામ કર્યું હોય તો એના પગારમાં વધારો થાય છે. જો એણે સારું કામ ન કર્યું હોય તો કેટલાક સંજોગોમાં એને કાઢી પણ મૂકવામાં આવે છે. આમ ફક્ત કર્મચારી માટે જ નહીં, કોઈ પણ કંપની માટે પણ અપ્રેઝલનો સમય ઘણો મહત્ત્વનો હોય છે. આવા સમયે આવનારા અપ્રેઝલનો ડર લાગવો સહજ છે. આ ડર પાછળનાં કારણો સ્પષ્ટ કરતાં લાઇફ શેપર્સના ફાઉન્ડર અને સક્સેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘આ ડર પાછળ શું-શું વસ્તુ દાવ પર લાગી છે એના પર એ ડર કેટલો મોટો છે એ સમજી શકાય. જેમ કે જો મારું ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો ઑફિસમાં ન વધ્યો અને મારા જુનિયર મારી આગળ નીકળી ગયા તો મારી ઇજ્જતનું શું? જો મારો પગાર ન વધ્યો તો આટલી ભારે લોન હું ચૂકવીશ કઈ રીતે? પાંચ વર્ષ થઈ ગયાં મને આ ફીલ્ડમાં, જમ્પ મારી શકાય એટલી સૅલેરી વધી જ નથી તો શું આખી જિંદગી હું આ જ કંપનીમાં અટકી પડીશ? છેલ્લાં ૪ વર્ષથી ઘરના લોકો રાહ જુએ છે કે ક્યારે પગાર વધે અને ક્યારે લગ્નની વાત આગળ વધારાય, ૩૨નો થયો. પછી છોકરી પણ નહીં મળે. આવી કેટલીયે બાબતો છે જે ફક્ત અપ્રેઝલ પર ટકેલી છે. જેટલી મોટી આ બાબત એટલો ડર માણસને વધુ લાગે છે.’ 

ખબર કેમ પડે? 

મોટા ભાગે જે વ્યક્તિને ઍન્ગ્ઝાયટી હોય તેને ખુદને સમજાતું નથી હોતું કે તેને શું થાય છે. એનાં ચિહ્નોને સમજાવતાં ટ્રાન્સફૉર્મેશન કોચ અને સાઇકોલૉજિસ્ટ વિધિ પારેખ કહે છે, ‘આ પ્રકારની ઍન્ગ્ઝાયટી જ્યારે એક હદથી વધે છે ત્યારે એનાં જુદા-જુદા ચિહ્નો હોય છે; જેમ કે શારીરિક ચિહ્નોમાં ખૂબ પરસેવો વળવો, માથું દુખવું, સ્નાયુ તંગ થઈ જવા કે ક્યારેક ડાયેરિયા પણ થઈ 
શકે છે. બાકી વ્યક્તિ મનથી ખૂબ બેચેન બની જાય, નર્વસનેસ આવે, ખૂબ ઇરિટેશન થાય, ફ્રસ્ટ્રેશન આવે, ગુસ્સો ખૂબ આવે. માનસિક લક્ષણોમાં તે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, મનમાં ખુદ સાથે નકારાત્મક વાતો જ ચાલુ હોય, વિચારવાયુ જેવું થઈ જાય, ચિંતામાં ડૂબી જાય એવું બને. આ સિવાય એવું પણ બને છે કે આ ડર એટલો વધી જાય કે વ્યક્તિ એનાથી દૂર ભાગવાના પ્રયત્નો કરતો દેખાય. જેમ કે અપ્રેઝલમાં તેને શું રૅન્ક મળ્યો એ પહેલેથી જાણવાની કોશિશ કરવી કે મને રેઝ નહીં જ મળે તો શું કરવાનું એની તૈયારી કરવા લાગવી.’ 

આ પણ વાંચો : હાઇપરટેન્શનના નિદાનમાં ઉતાવળ ન કરો

પહેલાં જ નહીં, પછી પણ 

લોકોને લાગે છે કે અપ્રેઝલ થાય નહીં ત્યાં સુધી જ લોકોના મનમાં ઍન્ગ્ઝાયટી રહે છે પણ એવું નથી એમ જણાવતાં અમિત કાપડિયા કહે છે, ‘અપ્રેઝલ થયા પછી પણ લોકોના મનમાં ઍન્ગ્ઝાયટી રહે છે. જેમ કે રિઝલ્ટ ખરાબ આવ્યા પછીનો સમય સાચવવો અઘરો છે. ખુદ કરતાં કલીગને મળેલો વધુ રેઝ પચાવવો સહેલું નથી. તમારી અપેક્ષા કરતાં જ્યારે પગાર ઓછો વધે ત્યારે માણસ હવે શું થશેના ઊંડા ડરમાં ઘૂસી શકે છે. આ પરિસ્થિતિ પણ અવગણી ન શકાય. આના માટે મહત્ત્વનું છે કે ગમે તે પરિસ્થિતિમાં તમે તમારા પરનો વિશ્વાસ ન ગુમાવો. સેલ્ફ-અપ્રેઝલ કરતી વખતે ખુદ સાથે એકદમ પ્રામાણિક રહો. એ તમને મદદ કરશે કે તમે તમારા રિઝલ્ટને પચાવી શકશો. જો તમારી સાથે ખોટું પણ થયું હોય તો પણ જાત સાથેની પ્રામાણિકતા તમને શક્તિ આપશે કે ભલે, મને રેઝ મળ્યો નથી પણ હું જાણું છું કે મેં કેવું કામ કર્યું છે. આ આત્મવિશ્વાસ તમને અંદરથી સ્ટ્રૉન્ગ રાખે છે.’ 

નુકસાન 

જે વ્યક્તિને સામાન્ય કરતાં વધુપડતી ઍન્ગ્ઝાયટી રહે છે એનું મનોમંથન સમજાવતાં મેટાફિઝિકલ કાઉન્સેલર અને લાઇફ કોચ ડૉ. કરિશ્મા આહુજા કહે છે, ‘આપણામાંથી કોણ એવું છે જે વિચારે છે કે એ સારું કામ નથી કરતા? મોટા ભાગના લોકો માને છે કે કંપનીમાં બીજા લોકો કરતાં એ વધુ મહત્ત્વના છે અને એટલે જ એમને રેઝ મળવો જ જોઈએ. પણ નહીં મળે તો એ ચિંતામાં તેઓ એટલે ડૂબી જાય છે કે અપ્રેઝલ વખતે એમની જે ભૂલો ગણાવવામાં આવે છે એ ભૂલોને તેઓ સ્વીકારી શકતા નથી. એમને લાગે છે કે એમનો મૅનેજર કે બૉસ એમની તરફેણમાં નથી. એટલે જે ભૂલોને એણે સમજીને, સ્વીકારીને આગળ વધવાનું છે અને પોતાનામાં સુધાર લાવવાનો છે એ તેઓ લાવી શકતા નથી. આ મોટું નુકસાન છે અપ્રેઝલ ઍન્ગ્ઝાયટીનું. મૂલ્યાંકનની જરૂરત જ એ છે કે તમે જે કામ કરો છો એનો ફીડબૅક તમને મળે. તમે કેવું કરો છો અને તમારી પાસેથી શું અપેક્ષા છે એ બરાબર સમજી શકો એ માટે આ સમયે બને એટલા હકારાત્મક રહીને તમે તમારા મૂલ્યાંકનને સમજશો તો ખૂબ ફાયદામાં રહેશો.’ 

શું કરવું? 

જો આ પ્રકારની ઍન્ગ્ઝાયટી નૉર્મલ છે તો એનો સહજતા સાથે સ્વીકાર જરૂરી છે. છતાં એ તમારા પર હાવી ન થાય એ માટે શું કરવું એ સમજાવતાં વિધિ પારેખ કહે છે, ‘પહેલી બાબત તો એ કે આખું વર્ષ સારું કામ કરો. તમે તમારા કામ પર ફોકસ્ડ હશો, તમે તમારા ૧૦૦ ટકા આપીને કામ કર્યું હશે તો વાંધો નહીં આવે. છતાં ડર લાગે તો ખરાબ અને સારાં બંને પરિણામો માટે માનસિક સજ્જતા રાખો. મનમાં જે સતત નકારાત્મક વાતોની ટેપ ચાલે છે એના પર સ્ટૉપ બટન દબાવો. એ માટે નકારાત્મક વાતોને હકારાત્મક અફર્મેશન વડે રિપ્લેસ કરો. કેટલીક રિલૅક્સિંગ ટેક્નિક જેમ કે પ્રાણાયામ, ધ્યાન કે યોગ વડે ઘણી મદદ મળશે. આ સિવાય આ દરમિયાન હેલ્ધી ખાઓ, સમય પર સૂઈ જાઓ, પૂરતી ઊંઘ લો, રેગ્યુલર એક્સરસાઇઝ મિસ ન કરો એ ખૂબ જરૂરી છે. છતાં પણ જો એવું લાગે કે તમારા પર એ હાવી થઈ રહી છે તો પ્રોફેશનલ હેલ્પ લો. 

 ઍન્ગ્ઝાયટી એક હદથી વધે ત્યારે એનાં જુદા-જુદા ચિહ્નો હોય છે; જેમ કે ખૂબ પરસેવો વળવો, માથું દુખવું, સ્નાયુ તંગ થઈ જવા કે ક્યારેક ડાયેરિયા થઈ શકે છે. બાકી વ્યક્તિ મનથી ખૂબ બેચેન બની જાય, નર્વસનેસ આવે, ઇરિટેશન થાય. - વિધિ પારેખ

માત્ર પાર્ટ ઑફ જૉબ છે

આપણે આજકાલ કામ પર ઓછું અને એના પરિણામ પર હંમેશાં વધુ ફોકસ રાખીએ છીએ એટલે અપ્રેઝલ વખતે ઍન્ગ્ઝાયટીના શિકાર બનીએ છીએ. આ વાત સ્પષ્ટ કરતાં કરિશ્મા આહુજા કહે છે, ‘જે વ્યક્તિ ૧૦૦ ટકા કામ પર ધ્યાન આપતી હોય, ખૂબ ઈમાનદારીથી અને ખંતથી પોતાનું કામ કરતી હોય, જેના માટે કામ જ બધું છે એના માટે અપ્રેઝલ એક પાર્ટ ઑફ જૉબ છે; એ જ સર્વસ્વ નથી. આવા લોકોનું કામ જ એવું હોય છે કે એમને કોઈ અવગણી શકતું નથી અને ભૂલથી પણ જો એમને ઇચ્છિત પરિણામ ન મળ્યું હોય તો પણ એમને એ એટલું અસર કરતું નથી.’

columnists health tips Jigisha Jain