ઑલ્ઝાઇમર્સનો ઇલાજ કેટલો અસરકારક?

15 February, 2023 05:45 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

ઇલાજ માટે જે દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે એ ફક્ત ને ફક્ત દરદીને થોડી રાહત આપી શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પતિની ઉંમર ૬૮ વર્ષ છે અને તેમને હાલમાં ઑલ્ઝાઇમર્સનું નિદાન આવ્યું છે. તે થોડું-થોડું ભૂલી રહ્યા હતા એટલે ટેસ્ટ કરાવતાં આ ખબર પડેલી. મારો દીકરો કહે છે કે ઇલાજ કરાવીએ કે ન કરાવીએ, બધું સરખું જ છે, તેમની તબિયત દિવસે-દિવસે બગડતી જ જશે. ડૉક્ટર કહે છે કે આ ઇનિશ્યલ સ્ટેજ છે. જો શરૂઆત હોય તો રોગ મટી ન શકે? મારે જાણવું છે કે ખરેખર આ રોગનો કોઈ ઇલાજ નથી? ડૉક્ટરે દવા તો આપી છે શું એનાથી ફરક નહીં પડે? મને સમજાતું નથી કે ડૉક્ટર કહે છે ઇલાજ ચાલુ રાખો અને બાકીના બધા કહે છે કે ખાસ ફાયદો નથી. હું મૂંઝાઉં છું કે શું કરવું જોઈએ. ઇલાજ કરાવવો કે નહીં? 

ઑલ્ઝાઇમર્સ એક એવો રોગ છે જેનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી એટલે કે એ હંમેશાં માટે મટી જાય એવો રોગ નથી. એક વાર આ રોગ આવ્યો એટલે એની સ્પીડ પર એ વધતો જશે. અત્યાર સુધી એના ઇલાજ માટે જે દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે એ ફક્ત ને ફક્ત દરદીને થોડી રાહત આપી શકે છે એટલે કે ઑલ્ઝાઇમરનાં જે ચિહ્‍‍નો છે એને થોડા કન્ટ્રોલમાં રાખી શકાય છે. ખાસ કરીને જો ઑલ્ઝાઇમર એના પહેલા સ્ટેજમાં હોય તો આ દવાઓ ઘણી જ અસરકારક છે, જેમ કે પહેલા સ્ટેજમાં વ્યક્તિને મેમરી પ્રૉબ્લેમ શરૂ થઈ જાય તો એની દવા આવે છે જે એ મેમરીને ટકાવી રાખવા મદદરૂપ થાય. આ સિવાય તેમના મૂડ સ્વિંગને કાબૂમાં રાખવા, હલન-ચલનને લગતી કોઈ સમસ્યા દૂર કરવા, ડિપ્રેશન કે તેમના ગુસ્સાને કાબૂમાં લાવવા માટે કે તેમને થતા યુરિનરી પ્રૉબ્લેમ માટે દવાઓ ઉપલબ્ધ છે, જે ખૂબ અસરકારક છે. આ દવાઓથી તેમનું જીવન થોડું સરળ બની શકે છે અને એનું ધ્યાન રાખનારી વ્યક્તિનું પણ. આમ, ઇલાજ ન કરાવવો એમાં સમજદારી નથી. ઇલાજ ચોક્કસ કરાવવો જોઈએ. એનાથી મદદ મળશે. 

જોકે બીજા કે આખરી સ્ટેજમાં એની અસર પૂરેપૂરી નહીં, પરંતુ ઓછા પ્રમાણમાં થતી હોય છે. આમ દવાઓથી આ રોગને આગળ વધતો પણ અટકાવી શકાતો નથી અને એને મૂળથી હટાવી શકાતો જ નથી. આ રોગ સાથે મોટા ભાગે વ્યક્તિ ૧૧-૧૨ વર્ષ જીવતી હોય છે. વધુમાં વધુ ૧૫ વર્ષ આ રોગ સાથે ખેંચી શકાય છે. એક વાર આ રોગ થયો એટલે દરદીનું મૃત્યુ નિશ્ચિત જ છે. આ બાબતે તમારે માનસિક રીતે સજ્જ રહેવું જરૂરી છે. ઇલાજથી ચોક્કસ મદદ મળશે, પણ રોગ સંપૂર્ણપણે દૂર નહીં કરી શકાય.

columnists health tips life and style