કબજિયાત અને ઝાડા વારાફરતી રહેતાં હોય તો તપાસ કરાવી લેવી જરૂરી

25 April, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦ વર્ષની ઉંમર પછી સ્ટૂલ અકલ્ટ બ્લડ-ટેસ્ટ કરાવવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

હાલમાં મારા ક્લિનિકમાં પંચાવન વર્ષના એક ભાઈ આવ્યા. એકદમ ફિટ, પોતાના ખોરાકનું ધ્યાન રાખનારા, સ્પોર્ટ્સ રમનારા અને એક હેલ્ધી લાઇફ-સ્ટાઇલ જીવવાવાળા. તેમને છેલ્લા ઘણા વખતથી કબજિયાત અને ઝાડા બન્નેની તકલીફ રહેતી હતી. થોડો સમય કબજિયાત રહે અને એ પછી ઝાડા થાય, ઝાડા મટે તો ફરી કબજિયાત થાય. એ માટે તેમણે તપાસ કરાવી. પહેલાં તો તેમણે દુનિયાભરના ઘરગથ્થુ ઉપચાર કર્યા, પાચક ગોળીઓ ખાધી. લગભગ એકાદ વર્ષથી તેઓ આ તકલીફમાંથી પસાર થતા હતા. તેમના ડૉક્ટરે તેમની સોનોગ્રાફી કરાવી હતી, જેમાં તેમના લિવરમાં કંઈક ડાઘા દેખાયા એટલે તેમને મારી પાસે મોકલવામાં આવ્યા હતા. મહત્ત્વનું એ હતું કે તેમનું છેલ્લા ૧ વર્ષમાં પાંચ​ કિલો વજન ઊતરી ગયું હતું, પરંતુ તે ફિટ હતા, સ્પોર્ટ્સ રમતા હતા એટલે તેમને લાગતું હતું કે તેમનું વજન ઊતરી રહ્યું છે. હકીકત એ છે કે એ વજન કૅન્સરને કારણે ઊતરતું હતું. વજન ઊતરવાના ચિહ્નને આપણે ત્યાં સારું જ માનવામાં આવે છે, પરંતુ એ કૅન્સરનું ચિહ્ન પણ હોઈ શકે છે એ ધ્યાન રાખવું જરૂરી છે. 

પંચાવન વર્ષનો એકદમ યુવાન દેખાતો ફિટ માણસ મારી સામે આ તકલીફ સાથે ઊભો હતો. તેને મનમાં એ જ હતું કે તેને કોઈ તકલીફ કેવી રીતે હોઈ શકે. મેં તેમને પેટ સ્કૅન કરાવવાની સલાહ આપી, જેમાં ખબર પડી કે આ ભાઈને કોલોન કૅન્સર છે જે વધીને લિવર સુધી ફેલાઈ ગયું છે. કોઈ પણ કૅન્સર એના ઉદ્ગમસ્થાનથી બીજાં અંગોમાં ફેલાઈ જાય ત્યારે એ કૅન્સરનું ચોથું સ્ટેજ માનવામાં આવે છે. વગર કોઈ ચિહ્ન કે તકલીફે આ વ્યક્તિ ચોથા સ્ટેજના, ક્યારેય ક્યૉર ન થઈ શકે એવા કૅન્સર સાથે મારી સામે ઊભી હતી. જ્યારે તેમનું વજન ઊતરવા લાગ્યું કે કબજિયાત-ઝાડાનું ચક્ર શરૂ થયું ત્યારે જ જાગૃતિ લાવી હોત, ટેસ્ટ કરાવી હોત તો કદાચ કૅન્સર આટલું ફેલાયું ન હોત. સમજવાનું અહીં એ જ છે કે કૅન્સર એક સાઇલન્ટ ડિસીઝ છે, એ તરત હાથમાં નથી આવતું; મોડું થઈ જાય તો એ ઠીક કરવું પણ શક્ય નથી. માટે કોઈ પણ નાનામાં નાની તકલીફ હોય, પરંતુ એ લાંબા સમયથી હોય તો એનું નિદાન અને ઇલાજ બન્ને જરૂરી છે. જો મળમાં લોહી પડતું હોય તો એ પણ કોલોન કૅન્સરનું એક મોટું લક્ષણ છે. મળ લોહીને કારણે કાળો થઈ જતો હોય છે. ૫૦ વર્ષની ઉંમર પછી સ્ટૂલ અકલ્ટ બ્લડ-ટેસ્ટ કરાવવી જોઈએ. આ સિવાય ગાઇડલાઇન્સ મુજબ દસ વર્ષે એક વાર સિગ્મૉઇડોસ્કોપી કે કોલોનોસ્કોપીની જરૂરિયાત લાગે તો એ ચોક્કસ ડૉક્ટરની સલાહ મુજબ કરાવી જ લેવી. આ ત્રણેય ટેસ્ટ મહત્ત્વની છે, એમાંથી એક તો કરાવી જ લેવી.

અહેવાલ : ડૉ. જેહાન ધાબર

columnists life and style health tips cancer