પરિવારમાં કોઈને પણ ગ્લૉકોમા હોય તો જાગી જાઓ

15 March, 2023 04:54 PM IST  |  Mumbai | Sejal Patel

સાયન્સ એટલું આગળ વધ્યું છે કે આ સાઇલન્ટ વિઝન કિલર ડિસીઝને ઊગતો જ ડામી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

એક સમયે દાદા-દાદીઓને ઝામરની તકલીફને કારણે ધીમે-ધીમે દૃષ્ટિ જતી રહેતી અને ખબર પણ નહોતી પડતી, પણ હવે સાયન્સ એટલું આગળ વધ્યું છે કે આ સાઇલન્ટ વિઝન કિલર ડિસીઝને ઊગતો જ ડામી શકાય છે. જો દુનિયાના રંગોને પોતાની આંખે જીવનની છેલ્લી પળ સુધી માણવા હોય તો  આ રોગથી આવતા અંધાપાથી બચવા શું થઈ શકે એ જાણી લઈએ

બ્લડ-પ્રેશર વિશે હવે દુનિયા આખી જાણે છે, પણ આંખમાં પણ ચોક્કસ પ્રેશર જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા માટે હાલમાં વિશ્વભરમાં ગ્લૉકોમા અવેરનેસ વીકની ઉજવણી થઈ રહી છે. છેલ્લા દાયકાથી આ રોગ બાબતે ખૂબ જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે અને હવે શહેરી વિસ્તારોમાં એની પૉઝિટિવ અસરો પણ જોવા મળી રહી છે, પણ હજીયે જોઈએ એટલી જાગૃતિ નથી. એનું કારણ એ છે કે આજેય આપણને વિઝનમાં કંઈક તકલીફ હોય તો આપણે નિષ્ણાત પાસે જવાને બદલે ચશ્માંની દુકાનવાળાના મશીનમાં નંબર ચેક કરાવીને સંતોષ માની લઈએ છીએ. જોકે આંખમાં માત્ર નંબરની જ સમસ્યા હોય એવું નથી; વિઝન સાથે સંકળાયેલા કૉર્નિયા, રેટિના, ઑપ્ટિકલ નર્વ્સ વગેરેમાં કોઈ તકલીફ હોય તો એનું જલદી નિદાન થાય એ જરૂરી છે.  

ગ્લૉકોમાના કેસ વધ્યા નથી, પરંતુ જાગૃતિ વધી છે. એમ છતાં હજીયે જ્યારે નિદાન થાય ત્યારે ઘણી વાર મોડું થઈ ગયું હોય છે એની વાત કરતાં સાંતાક્રુઝના જાણીતા આઇ-સર્જ્યન ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘ગ્લૉકોમા એક એવી સાઇલન્ટ કન્ડિશન છે જે ગુપચૂપ તમારી આંખોનું વિઝન ડૅમેજ કરે છે. લગભગ ૧૩ ટકા ભારતીયોમાં આ કન્ડિશન વધતે-ઓછે અંશે જોવા મળે છે. સાઇલન્ટ કન્ડિશન એટલા માટે કહેવાય કેમ કે શરૂઆતમાં એનાં કોઈ લક્ષણો નથી હોતાં. ચેકઅપ કરો તો જ ખબર પડે. જેમ બૉડીમાં બ્લડ-પ્રેશર વધી જાય એમ આંખનું પણ પ્રેશર વધી જાય એને ગ્લૉકોમા કહેવાય છે. જો તમે બ્લડ-પ્રેશર કાબૂમાં રાખવા માટેની દવાઓ ન લો તો એ સાઇલન્ટ્લી કિડની અને હાર્ટને હાર્મ કરે છે એવી જ રીતે જો ગ્લૉકોમામાં પણ જરૂરી સારવાર ન કરો તો એ વિઝનને ડૅમેજ કરે અને બ્લાઇન્ડનેસ આવે. આંખમાં પ્રેશર વધવાથી આઇ બૉલ અને બ્રેઇનની વચ્ચેના કેબલનું કામ કરતી ઑપ્ટિક નર્વ પર અસર થાય. આ નર્વ ધીમે-ધીમે ડૅમેજ થતી જાય. જેટલું નર્વ ડૅમેજ ઓછું હોય ત્યારે જ ગ્લૉકોમાનું નિદાન થઈ જાય એ જરૂરી છે. એક વાર નર્વ ડૅમેજ થઈ ગઈ એ પછી કંઈ નથી થઈ શકતું.’

લક્ષણો નથી હોતાં

કોઈ પણ રોગ બાબતે ત્યારે વધારે ચિંતા કરવી જોઈએ જ્યારે એ રોગ કોઈ દેખીતાં અને સ્પષ્ટ લક્ષણો વિના જ ઑર્ગનમાં ખાનાખરાબી પેદા કરી દેતો હોય. ગ્લૉકોમા એમાંનો જ એક છે. આઇ પ્રેશર વધી જાય ત્યારે શરૂઆતના તબક્કામાં ન તો દુખાવો થાય છે, ન આંખો લાલ થઈ જાય છે, ન કોઈ સોજો આવે છે. માત્ર ક્યારેક થોડું-થોડું ધૂંધળું દેખાય અને પેરિફેરિયલ વિઝન એટલે કે આંખના ખૂણાઓથી જે દેખાતું હોય એમાં ઘટાડો થાય છે. આ લક્ષણો પર સામાન્યપણે લોકો બહુ ધ્યાન નથી આપતા અને જ્યારે ઑપ્ટિક નર્વમાં સારુંએવું ડૅમેજ થઈ જાય છે ત્યારે દૃષ્ટિ પર એની ઑલરેડી ખરાબ અસર પડી ચૂકી હોય છે. ગ્લૉકોમાના અનેક પ્રકાર છે અને એમાંથી જ્યારે ઍક્યુટ ઍન્ગ્યુલર ક્લોઝર ગ્લૉકોમા હોય તો સોજો, લાલાશ, માથાનો દુખાવો, ઊબકા અને ધૂંધળી દૃષ્ટિ જેવાં લક્ષણો જોવા મળે છે. 

કોને સૌથી વધુ જોખમ?

પહેલાંના જમાનામાં ગ્લૉકોમાની સારવારના વિકલ્પો પણ ઓછા હતા, પણ હવે આંખનું પ્રેશર મેઇન્ટેન કરવા માટે દવાઓના ડ્રૉપ્સ બહુ જ અસરકારક છે. જોકે એ ત્યારે અસરકારક રહે જ્યારે એનું નિદાન વહેલું થાય. કોણે આ રોગના નિદાન બાબતે સભાનતા વધુ રાખવી એના વિશે  સમજાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘આ સમસ્યા જિનેટિકલી આગળ વધતી આવી છે. મતલબ કે આનુવંશિક વધુ છે. જેમના પેરન્ટ્સ, દાદા-દાદી, કાકા-ફોઈ, માસી-મામા કે ભાઈ-બહેનને ગ્લૉકોમાની હિસ્ટરી હોય તેમણે આ બાબતે આંખો ખોલી નાખવી. આ લોકોને ગ્લૉકોમા થવાનું જોખમ નૉર્મલ લોકો કરતાં દસગણું વધારે હોય છે. તેમણે ૪૦ વર્ષની વય પછીથી નિયમિતપણે આઇ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. વિઝનમાં સહેજ પણ ધૂંધળાપણું કે પૅચિસ જણાતા હોય તો તરત નિષ્ણાત પાસે તપાસ કરાવવી.’

બ્લૉક થયેલી ડ્રેનેજ કનૅલ(ડાબે) અને હાઈ પ્રેશરને કારણે ડૅમેજ થયેલી ઑપ્ટિક નર્વ (જમણે)

આ પણ વાંચો: ત્રણ ચમચી અળસીની કિંમત જાણી લો બહેનો

અસરકારક સારવાર

ગ્લૉકોમા એ ક્યૉરેબલ ડિસીઝ નથી, પરંતુ જો વહેલું નિદાન થઈ જાય તો મૅનેજેબલ જરૂર છે. ડૉ. વૈશલ કહે છે, ‘જેમ તમે બ્લડ-પ્રેશર નૉર્મલ રાખવા માટે દવાઓ અને ડાયટમાં ધ્યાન રાખો છો એમ આઇ પ્રેશર પણ નૉર્મલ રાખવા માટે ડ્રૉપ્સ અને થોડીક કાળજી જરૂરી છે. એનાથી લાંબા ગાળા સુધી આંખને કોઈ જ તકલીફ નથી થતી. ઑપ્ટિક નર્વ ડૅમેજ ન થાય તો વિઝનને કોઈ તકલીફ નથી થતી. આંખનું પ્રેશર ૧૦થી ૧૨ જેટલું રહેવું જોઈએ. એ મેઇન્ટેન કરવામાં આવે તો નર્વ કોષો પણ સ્વસ્થ રહે છે. આ મેઇન્ટેન કરવા માટે હવે તો સર્જિકલ ઑપ્શન્સ પણ આવી ગયા છે. કયા પ્રકારનો ગ્લૉકોમા છે એના આધારે લેસર અને ટ્રૅબેક્યુલેક્ટૉમી થાય છે. એ પણ ઘણી અસરકારક છે.’

સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ગ્લૉકોમા બને ત્યાં સુધી દવાઓનાં ટીપાં દ્વારા જ આંખનું પ્રેશર જળવાયેલું રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. એ પછી માઇલ્ડ, મૉડરેટ કે ઍડ્વાન્સ સ્ટેજને આધારે સર્જરી સજેસ્ટ કરવામાં આવે છે એમ જણાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘સર્જરીમાં પણ એક જ હેતુ હોય કે જેને કારણે આંખમાં પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે એને બાયપાસ કરીને ફ્લુઇડનો બીજા નિકાલનો માર્ગ કરવામાં આવે. સર્જરી પહેલાં ઑપ્ટિક નર્વ ઍનૅલેસિસ ટેસ્ટ પણ કરીએ જેથી સારવારની અસર થશે કે નહીં એ જાણી શકાય. પ્રવાહી એકઠું થવાને કારણે થતું પ્રેશર બીજા માર્ગે નિકાસ થાય એ પ્રક્રિયા ટ્રૅબેક્યુલેક્ટૉમીમાં કરવામાં આવે. એથીયે વધુ ઍડ્વાન્સ સ્ટેજમાં ગ્લૉકોમા વાલ્વ પણ મૂકી શકાય છે. અલબત્ત, વાલ્વની સર્જરી મોંઘી પણ વધુ છે. જ્યારે પ્રેશરમાં વધારો કે ઘટાડો થાય ત્યારે આ વાલ્વ દ્વારા એનું નિયંત્રણ થાય છે. અલબત્ત, દરદીને કઈ ટ્રીટમેન્ટ સૂટ થશે એની પસંદગી સર્જ્યનને જ કરવા દેવી જોઈએ અને એ અનુભવી સર્જ્યન કરે એ જ બેટર છે.’

પ્રિવેન્શન શક્ય નથી...

ગ્લૉકોમા ન થાય એ માટે કંઈ થઈ શકે એમ નથી કેમ કે મોટા ભાગના ઝામરના કેસમાં વારસાગત કારણો સંકળાયેલાં હોય છે એમ જણાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘જેમ બ્રેસ્ટ-કૅન્સર માટે ખાસ જીન છે, જેની હાજરી હોવાથી એ કૅન્સરનું રિસ્ક વધુ મનાય છે એવું ગ્લૉકોમા માટે કયું જનીન છે એ આઇડેન્ટિફાય નથી થયું. વહેલું નિદાન એ બ્લાઇન્ડનેસ પ્રિવેન્ટ કરવા માટે બહુ જ જરૂરી છે. ઘણી વાર જીન મ્યુટેશન પહેલા તબક્કામાં હોય ત્યારે પણ ગ્લૉકોમા થઈ શકે છે. એ ઉપરાંત સેકન્ડરી કારણોસર પણ ઝામર થાય. જેમ કે મોતિયો ફાટી જવાને કારણે પ્રેશર વધી જાય. આંખમાં સોજો આવે કે ઇન્ફેક્શન થયું હોય, ઇન્ટરનલ બ્લીડિંગ થાય કે મોતિયાના ઑપરેશન પછી અચાનક ક્યારેક પ્રેશર વધી જાય. જોકે આ બધા સંજોગોમાં પ્રેશર વધવાનું કારણ દૂર કરવામાં આવે તો એ સમસ્યા ક્યૉર થઈ પણ જાય. જોકે એ વખતે પણ નિદાન વહેલું થાય અને નર્વ ડૅમેજ ન થઈ હોય એ ક્રાઇટેરિયા એટલા જ મહત્ત્વના છે. ’

 જેમ બ્લડ-પ્રેશર માટે દવાઓ લો છો એમ આઇ પ્રેશર પણ નૉર્મલ રાખવા માટે ડ્રૉપ્સ અને થોડીક કાળજી જરૂરી છે. એનાથી લાંબા ગાળા સુધી કોઈ જ તકલીફ નથી થતી. -ડૉ. વૈશલ કેનિયા

columnists health tips life and style sejal patel