પ્રોજેસ્ટરોનમાં અસંતુલનને કારણે વજન નથી ઊતરતું

28 March, 2023 05:31 PM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

દરરોજ એનું સ્તર ઊંચું-નીચું થયા કરતું હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૩ વર્ષ છે. છેલ્લા ઘણા વખતથી પિરિયડ્સ બહુ જ સ્કૅન્ટી આવે છે, પણ બહુ રેગ્યુલર હોય છે. આખા મહિના દરમ્યાન હૉર્મોનલ ચેન્જિસને કારણે મૂડમાં ઊતારચડાવ રહ્યા કરે છે. વજન થોડુંક વધારે છે એટલે ડૉક્ટરે ઘટાડવાનું કહેલું. વજન ઘટાડવા માટે લગભગ ચાર મહિનાથી ડાયટિંગ અને એક્સરસાઇઝ શરૂ કરેલાં, પણ ખાસ કોઈ જ અસર નથી થતી. ઊલટાનું રાતના સમયે બેચેની વધુ લાગે છે, ચીડિયાપણું વધ્યું છે. પિરિયડ્સ પહેલાંના સમયમાં મૂડસ્વિંગ્સ પણ વધુ હોય છે. સોનોગ્રાફી કરાવી તો યુટ્રસમાં બધું બરાબર છે એટલે કેટલીક ટેસ્ટ કરાવેલી. એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન હૉર્મોન્સ બન્ને ખૂબ ઓછાં છે. થાઇરૉઇડની બધી જ ટેસ્ટ નૉર્મલ છે. તો શું આ મેનોપૉઝની નિશાની છે? આમાં હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી કામ કરે?
 
 મેનોપૉઝ આવી ગયો છે કે કેમ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન હૉર્મોનના સ્તર પરથી નિદાન ન કરવું જોઈએ, કેમ કે આ બન્ને હૉર્મોન બહુ ચંચળ છે. દરરોજ એનું સ્તર ઊંચું-નીચું થયા કરતું હોય છે. એ માટે હૉર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપી શરૂ કરી દેવી એ બહુ પ્રીમૅચ્યોર ગણાશે. એનું કારણ એ છે કે હૉર્મોન થેરપીના જેટલા ફાયદા છે એટલું જ એ બેધારી તલવારની જેમ નુકસાન પણ કરી શકે છે. તમારાં જે પણ લક્ષણો છે એને ટ્રીટ કરવા શું થઈ શકે એ સમજવા માટે યોગ્ય નિદાનની જરૂર છે. 

મેનોપૉઝનું પ્રૉપર નિદાન કરવું હોય તો હવે તમારી નેક્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાઇકલ શરૂ થાય એના બીજા દિવસે કેટલીક ટેસ્ટ કરાવવી. FSH, LH, TSH અને એ ઉપરાંત જો તમારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોનની ટેસ્ટ પણ કરાવવી હોય તો કરાવી શકાય. જો FSHનો રિપોર્ટ ૧૦ કે એથી ઉપરનો હોય તો ખબર પડશે કે મેનોપૉઝ આવી ગયો છે કે કેટલા સમયમાં આવી શકે એમ છે. તમારા એ રિપોર્ટ્સ અમને મોકલાવશો તો એ જોઈને નક્કી કરી શકીશું કે તમારાં હાલનાં લક્ષણો માટે હવે શું થઈ શકે એમ છે. પિરિયડ્સ હજી રેગ્યુલર છે એટલે તરત જ હૉર્મોનલ થેરપી લેવાની જરૂરિયાત અત્યારે નથી જણાતી. એમ છતાં, આવનારા મેનોપૉઝ માટે કોઈ સપ્લિમેન્ટ્સની જરૂર હોય તો એ માટે અત્યારથી પગલાં લઈ શકાય.

columnists life and style health tips