Health Funda: મહારાષ્ટ્રમાં શાળાની બહાર જંક ફૂડ બૅન! બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે એક ક્રાંતિકારી પગલું

08 August, 2026 10:01 AM IST  |  Mumbai | Dr. Rishita Bochia Joshi

Health Funda: મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓમાં જંક ફૂડ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો મુખ્ય હેતુ બાળકોને અસ્વાસ્થ્યપ્રદ `HFSS` (વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા) ખોરાકથી બચાવવાનો અને તેમનામાં ખોરાકની સારી ટેવો વિકસાવવાનો છે

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તાજેતરમાં શાળાઓમાં અને તેની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કેટલો મહત્વનો છે? સરકારની સાથે-સાથે શાળાઓ અને વાલીઓની આમા મહત્વપૂર્ણ કઈ રીતે છે?

જુલાઈ ૨૦૨૬ના અંતમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Maharashtra Food and Drug Administration) એ એક મોટો અને કડક નિર્ણય લેતા રાજ્યભરની શાળાઓની અંદર તેમજ તેની ૫૦ મીટરની ત્રિજ્યા (રેડિયસ) માં જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ HFSS (હાઈ-ફેટ, શુગર અને સોલ્ટ) એટલે કે વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા ખોરાક પર લગામ લગાવવાનો છે — જે ખોરાક આજે બાળકોના રોજિંદા આહારનો એક મુખ્ય ભાગ બની ચૂક્યો છે.

કોઈપણ શાળાની રિસેસ કે પછી શાળા છૂટવાના સમયે બહારનું દ્રશ્ય જુઓ તો ચિપ્સના પેકેટો, ગળ્યા પીણાં, તળેલો નાસ્તો અને આકર્ષક પેકિંગવાળી ચોકલેટ્સ બાળકોના હાથમાં સરળતાથી જોવા મળે છે. સરળ ઉપલબ્ધતા, સસ્તા ભાવ અને આક્રમક માર્કેટિંગે જંક ફૂડને બાળકો માટે માત્ર એક વિકલ્પ નહીં પણ એક આકર્ષણ બનાવી દીધું છે. આ નવો નિયમ શાળાના વાતાવરણમાંથી આ પ્રભાવ ઘટાડીને બાળકોને હેલ્ધી ટેવો તરફ વાળવાનો એક સરાહનીય પ્રયાસ છે.

આ નિર્ણય શા માટે અત્યંત મહત્વનો છે?

નાની ઉંમરે સ્થૂળતા (Obesity) પર નિયંત્રણ:

બાળકો પહેલાં કરતાં ઘણો વધારે હાઈ-ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) વાળો ખોરાક ખાઈ રહ્યા છે, જે નાની વયે જ સ્થૂળતા તરફ દોરી જાય છે અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું કારણ બને છે.

ગંભીર બીમારીઓથી બચાવ:

જે બીમારીઓ પહેલાં માત્ર વયસ્કોમાં જોવા મળતી હતી — જેમ કે ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર — તે હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. નાનપણથી જ જંક ફૂડનું પ્રમાણ ઘટાડવાથી આ રોગોને થતા અટકાવી શકાય છે.

ખોટી આદતો બદલવી:

જ્યારે શાળાની આસપાસ જ ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સ સહેલાઈથી મળે છે, ત્યારે બાળકો તેને રોજિંદો ખોરાક માનવા લાગે છે. પ્રતિબંધથી આ લાંબા ગાળાની ખરાબ આદત બદલાશે.

અભ્યાસ અને એકાગ્રતામાં સુધારો:

જંક ફૂડ ખાવાથી શરીરમાં બ્લડ શુગર અચાનક વધી જાય છે અને પછી તુરંત ઘટી જાય છે એટલે એનર્જી ક્રેશ થઈ જાય છે. આના લીધે બાળકોનો મૂડ બદલાય છે, આળસ આવે છે અને ક્લાસમાં તેમનું ધ્યાન ભટકે છે.

શાળાઓ અને માતાપિતાની જવાબદારી

માત્ર શાળાના ગેટ બહાર જંક ફૂડ બંધ કરવાથી સમસ્યાનો પૂરો ઉકેલ નહીં આવે. જો બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પો નહીં મળે, તો તેઓ ૫૦ મીટરની હદ બહાર જઈને પણ જંક ફૂડ ખરીદશે અથવા ઘરેથી લઈને આવશે. ત્યારે FDAના આ પગલામાં સાથ આપવાની જવાબદારી માતાપિતાની પણ છે.

શાળાઓની ભૂમિકા:

કેન્ટીનમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો, ન્યુટ્રિશન વિશે જાગૃતિ લાવવી અને બાળકો સાથે ભોજનની સારી ટેવો વિશે સંવાદ સાધવો જરૂરી છે.

ઘરનું વાતાવરણ:

ઘરે પણ નાસ્તાના વિકલ્પો બદલવા પડશે. બાળકોને કોઈપણ કામના બદલામાં કે ઈનામ (bribe) તરીકે જંક ફૂડ આપવાનું બંધ કરવું જોઈએ.

માતાપિતા પોતે રોલ મોડેલ બને:

વાલીઓ પોતે હેલ્ધી ફૂડ ઓપ્શન્સ પસંદ કરશે તો જ બાળકો તેને અપનાવશે.

બાળકોને માત્ર હેલ્ધી ખોરાક ખાવાની સલાહ આપવાથી કંઈ નહીં થાય, તેમના માટે હેલ્ધી વાતાવરણ ઊભું કરવું પડશે — તો જ એક સ્વસ્થ નવી પેઢીનું નિર્માણ થઈ શકશે.

 

(શબ્દાંકનઃ રચના જોષી)

health funda dr rishita bochia joshi health tips healthy living food and drug administration maharashtra lifestyle news life and style exclusive columnists gujarati mid day rachana joshi